Tuesday, July 16

૩૦ તારીખ સુધી રહેશે અગનવર્ષા : ૪૩ થી ૪પ ડિગ્રી તાપમાન ઉપર પારો પહોંચશે તેવી આગાહી

જૂનાગઢ સહિત રાજયભરમાં ગરમી અગનઝાળ બનીને વર્ષી રહી છે. તાપમાનનો પારો સતત ઉંચે જઈ રહ્યો છે. ૪૦ થી ૪પ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય છે અને લોકો સતત ગરમીનાં કારણે અકળાઈ ઉઠ્યાં છે. એપ્રીલ માસમાં ભયાનક ગરમી પડી રહી છે અને છેલ્લાં ૧૭ વર્ષનો રેકોર્ડ આ ગરમીએ તોળ્યો છે.
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હજુ પાંચ દિવસ સુધી એટલે કે તા.૩૦ એપ્રિલ સુધી ૪૦ થી ૪પ જેટલું તાપમાન રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.
જૂનાગઢ શહેરમાં ગઈકાલે ૪૦.પ જેવું તાપમાન રહ્યું હતું અને હજુ પાંચ દિવસ સુધી અવકાશમાંથી અગનગોળા વરસવાનાં છે.બીજી તરફ પવનની ઝડપ મંગળવારે પ.૧ કિમીની પ્રતિ કલાકની રહી હતી અને ગઈકાલે બુધવારે ૩.૧ કિ.મી.ની ઝડપ વધીને ૮.ર કિ.મી.પ્રતિ કલાકની રહી હતી. ગઈકાલે શહેરીજનોને ગરમીથી આંશિક રાહત પણ મળી હતી. જા કે આ રાહત લાંબો સમય ટકી રહેવાની શકયતા નથી.
કારણ કે શુક્ર, શનિ, રવિ હિટવેવ જેવી સ્થિતિ સર્જાવાની છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતનાં વિવિધ શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાયાં છે. સખ્ત ગરમીનાં આ સમયકાળમાં લોકો બપોરનાં સમયે મોટાભાગે ઘરની બહાર નીકળવાનું પસંદ કરતાં નથી. અને બહાર નીકળે છે તો ગરમી સામે રક્ષણ મેળવવા માટે માથે ટોપી, આંખે ચશ્મા, હાથમાં મોજા વગેરે પહેરીને નીકળે છે. પંખા, એસી, ફિઝ, એરકુલર સહિતનાં ઉપકરણોનો પણ ભારે વપરાશ વધ્યો છે. સામાન્ય લોકોથી માંડી, હાઈ-ફાઈ સિસ્ટમથી રહેતાં લોકોમાં પોતપોતાની મુજબ ઘરમાં ઈલેકટ્રીક ઉપકરણો ધમધમી રહ્યાં છે. આ સાથે જ તરબુચ, સક્કરટેટી, શેરડીનો રસ, ઠંડાપીણા, આઈસ્ક્રીમ સહિતનાં પીણાઓનો ઉપયોગ પણ વધ્યો છે. સખ્ત ગરમીમાં બને ત્યાં સુધી બહારજવાની જરૂરીયાત ન હોય તો અવર-જવર ઓછી કરવાની તબીબો સલાહ આપી રહ્યાં છે. જૂનાગઢમાં ગઈકાલે એક વૃધ્ધનું લુ લાગવાનાં કારણે મૃત્યું થયાનું પ્રાથમિક દૃષ્ટિએ અનુમાન થઈ રહ્યું છે. જા કે સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

Leave A Reply