મતદાન પૂર્ણ થતા ભાજપ અને કોંગ્રેસનાં કાર્યાલય સૂમસામ

મતદાન પૂર્ણ થયાને ૧૨ કલાક બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય સૂમસામ ભાસી રહ્યા છે. મંગળવારે એક સમયે જ્યાં કાર્યકરોનો જમાવડો જોવા મળતો હતો ત્યાં આજે ચકલુ પણ ફરકતું નથી. તે બતાવી આપે છે કે ચૂંટણી પૂર્વે અને ચૂંટણી બાદ કાર્યકરોનો ઉત્સાહ કેટલો ઓસરી જતો હોય છે.
મંગળવારે સમગ્ર ગુજરાતની સાથે દેશની ૧૫૦ કરતા વધુ બેઠકો પર લોકસભા માટે મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ બેઠકનો પણ સમાવેશ થતો હતો. ભાજપ અને કોંગ્રેસે એક મહિના સુધી પ્રચાર-પ્રસાર કરીને જૂનાગઢની બેઠક ઉપર તેમના ઉમેદવારની જીત થાય તો માટે તનતોડ મહેનત કરી હતી. મંગળવારે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, ત્યારે સવારના ૫ઃ૦૦ વાગ્યાથી ભાજપ અને કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયો કાર્યકરોથી ઉભરાયા હતા.
એક સમયે એવું લાગતું હતું કે બંને પક્ષના કાર્યાલય કાર્યકરોથી ઉભરાઈ પડશે ત્યારે કાર્યકરોને બેસાડવા માટે કોઈ નવી વ્યવસ્થાઓ કરવી પડશે, પરંતુ મતદાનની પ્રક્રિયા જેમ આગળ વધતી ગઈ તેમ-તેમ કાર્યકરોનો ઉત્સાહ ઓસરતો ગયો અને મતદાન પુર્ણ થતા ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય ઉપર કાર્યકરોની હાજરી ઘટતી જોવા મળી હતી. સાંજે ૬ઃ૦૦ વાગ્યે મતદાન પૂર્ણ થતા ધીરે-ધીરે કાર્યકરોનો ઉત્સાહ ચૂંટણી પ્રક્રિયામાંથી જાણે કે ઓસરતો જતો હોય તેમ કાર્યકરોની પાંખી હાજરી કાર્યાલય ઉપર જોવા મળી હતી.
કાર્યકરોના શક્તિથી અને કાર્યકરોના ઉત્સાહથી ચૂંટણી તંત્રનું મેનેજમેન્ટ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો માટે મહત્વનું છે. આજ કાર્યકરો કાર્યકરમાંથી નરેન્દ્ર મોદી બનાવે છે અને એ જ કાર્યકરો થકી ચૂંટણી જીતી જતા હોય છે. એક સમયના ભાજપના કાર્યકર આજે દેશના વડાપ્રધાન છે તેવી જ રીતે એક સમયના દેશના કાર્યકર રાહુલ ગાંધી આજે કોંગ્રેસના રાજ્ય રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
કાર્યકરોની શક્તિથી ચૂંટણીમાં જીત અને હાર થતી હોય છે, રાજકીય પાર્ટીઓ માટે કાર્યકર પાયાના પત્થર સમાન હોય છે. કાર્યકરોની સંઘ શક્તિથી જ કોઈ પણ ચૂંટણી જીતવા માટેનું મનોબળ અને ગોઠવણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતુ હોય છે, પરંતુ જ્યારે મતદાન સાંજે ૬ઃ૦૦ વાગ્યે પૂર્ણ થયું ત્યારે આ જ કાર્યકરો ધીરે-ધીરે તેમના ઘર તરફ તેના દૈનિક કાર્ય માટે લાગી ગયા અને વહેલી સવારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ચૂંટણી કાર્યાલય ઉપર કાર્યકરોના નામે સોંપો જોવા મળ્યો હતો.
એક સમયે કાર્યાલયમાં કાર્યકરો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. તે ચૂંટણી કાર્યાલયમાં કાર્યકરોની હાજરી બિલકુલ જોવા મળી ન હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ચૂંટણી કાર્યાલય ઉપર કાર્યકરોની નહિવત હાજરી એ સંદેશો આપી રહી હશે કે, આ યુદ્ધ પહેલાની શાંતિ હોઈ શકે છે. આગામી ૨૩ મેના રોજ મતગણતરી શરૂ થશે, ત્યારે ફરી આ જ કાર્યાલય કાર્યકરોથી ધમધમતા થશે અને કાર્યાલય ઉપર ફરી એક વખત રાજકીય યુદ્ધ જેવો માહોલ જોવા મળશે.

Leave A Reply