Monday, December 16

આવતીકાલે ગાંધીનગર ખાતે ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓની મહત્વની બેઠક

ગાંધીનગર તા.૨૯
ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચૂંટણીના કારણે મુલત્વી રહેલી રાજ્યભરના એસપી કક્ષાના તથા તેની ઉપરની કક્ષાના અધિકારીઓની મહત્વની એવી ક્રાઈમ કોન્ફરન્સનું આવતીકાલે ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં શ્રીલંકામાં થયેલા આતંકી હુમલા અને એર સ્ટ્રાઈક બાદ વધુને વધુ એલર્ટ રહેવા તૈયાર થયેલ સ્કીમની સમીક્ષા કરવા સાથે પોલીસ વડાના ડ્રીમ પ્લાનને અમલમાં મુકવા માટે મંગાયેલ અભિપ્રાયો અંગે પણ ચર્ચા થનાર હોવાનું છે. આ બેઠકમાં ગુજરાતના તમામ રેન્જ વડાઓની સાથોસાથ પોલીસ કમિશ્નરો અને સંયુકત પોલીસ કમિશ્નરો પણ આ મહત્વની બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં અમદાવાદમાં જે રીતે સામુહિક બળાત્કારના મામલામાં પોલીસે લાપરવાહી દેખાડી તે સામે રોષ જાહેર કરવા સાથે ભવિષ્યમાં આ બાબતે ખાસ કાળજી રાખવા પણ સૂચનાઓ આપવામાં આવશે. તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ શહેરોમાં પોલીસ મથકો ઉપર હુમલા કરવાની જે ઘટનાઓ ઘટી છે તે બાબતની પણ પોલીસ વડાએ ગંભીર નોંધ લઈ આવા બનાવોમાં કસુરવાનો સામે તાકીદે કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપવામાં આવનાર છે. જાહેરમાં અસામાજિક તત્વો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લઈ સરાજાહેર મારામારી કરી નિર્દોષ લોકોને ડરાવવાના પ્રયાસો જેવી ઘટનામાં આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને કાયદોનો ભંગ કરતા ૧૦૦ વખત વિચાર કરે તેવી કલમો હેઠળ કાર્યવાહી કરવા પણ ચર્ચા કરવામાં આવનાર છે. ઉપરાંત ખંડણીખોર, વ્યાજ માફીયા સામે પગલા લેવા એકશન પ્લાન ઘડાશે. હત્યા, મોટી ઘરફોડીઓ સહિતની ઘટનાઓમાં પોલીસના ડીટેકશન અંગે પણ ચર્ચાઓ કરી પેન્ડીંગ મામલે શું શું કાર્યવાહી સંબંધકર્તા અધિકારીઓ દ્વારા થઈ ? ડીટેકશન કેમ થતું નથી ? તે બાબતે પણ જવાબ મંગાનાર હોવાનું આધારભૂત રીતે જાણવા મળેલ છે.

Leave A Reply