જૂનાગઢ સહિત સોરઠમાં અગન વર્ષા યથાવત : તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી ગયો

જૂનાગઢ તા.૨૯
સોરઠનું પાટનગર અને ઐતિહાસીક નગરી એવા જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩ દિવસ એટલે કે, શુક્ર, શનિ અને રવિનું તાપમાન જાઈએ તો ૪૪ ડિગ્રીને પાર કરી ગયું છે. ઘરની બહાર નીકળતાની સાથે ગરમ લૂ, પવન અને બફારાનો સખ્ત અનુભવ થઈ રહ્યો છે. અગન ભઠ્ઠી પાસેથી પસાર થઈ રહ્યા હોય તેવું લાગે છે અને આ સખ્ત ગરમીના આક્રમણ સામે ગભરામણ, ચકકર, સનસ્ટ્રોક, ઝાડા-ઉલ્ટી સહિતના કેસો સતત વધી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આજનું તાપમાન આ લખાય છે ત્યારે જાઈએ તો મહત્તમ તાપમાન ૪૪ અને લઘુત્તમ તાપમાન ૩પ.૪, ભેજ ૪૧ ટકા, પવનની ગતિ ૪.૪ રહી છે જ્યારે જેમ જેમ સૂર્ય નારાયણ ભગવાન આકરા બનીને વરસસે ત્યારે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી જવામાં છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં ઉનાળાનો આકરો તાપ અગન ગોળા મારફત વર્ષી રહ્યો છે ત્યારે જીવ માત્રને અસહ્ય ગરમીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માનવ માત્ર સખ્ત ઉકળાટથી અકળાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે આ સાથે જ મુંગા પશુઓની હાલત પણ ખૂબ જ બદતર બની છે. ધ્રાંગધ્રા પંથકમાં ૯૦ ઘેટાના તથા ભાવનગરના શિહોર પંથકમાં ૪૦૦ જેટલા ચામાચીડીયાના ભોગ લેવાયા છે. ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ગઇકાલે પડેલી અસહ્ય ગરમીના લીધે અહીંના પંચનાથ મહાદેવની જગ્યામાં વડલાઓમાં ઘર બનાવીને રહેતા એકાદ હજારમાંથી ચારસો જેટલા અને જસપરા પાસે પંદરેક ચામચીડિયા મોતને ભેટ્યા હતા. વનવિભાગ બનાવને લઈ દોડી ગયેલ. જેમાં મોતનું કારણ ગરમીનો પ્રકોપ હોવાનું જણાવ્યું હતું. ગરમીના પ્રકોપથી બચવા માણસ નતનવા નુસખા અપનાવે છે. પરંતુ અબોલ પશુ પક્ષીઓ બોલી ન શકવાના કારણે મોત સુધીની વેદના વેઠી રહ્યા છે. સૂર્યદેવના વધતા જતા પ્રકોપને લઈ તળાજાના પંચનાથ મહાદેવ (સ્મશાન) ખાતે આવેલ ઘેઘુર વડલાઓમાં આશરે એક હજારથી વધુ ચામચીડિયા (વડ વાંગડા) એ રહેઠાણ બનાવ્યું છે. ગઈકાલએ ૪૪.૭ ડિગ્રીએ પહોંચેલ તાપમાન બાદ આજ સવારે મોક્ષધામના કર્મચારી બટુકભાઈ ફરજ ઉપર હાજર થયા ત્યારે મોક્ષધામના મેદાન અને આસપાસમાં ચારસો જેટલા વડ વાંગડાઓ મરણ ગયેલ જોવા મળતા પાલિકાના પદાધિકારીઓને જાણ કરતા અશોકભાઈ સગર, સુરેન્દ્રસિંહ સરવૈયા દોડી ગયા હતા. વન વિભાગને જાણથતા જી.એલ. વાઘેલા સ્ટાફ સાથે દોડી ગયા હતા. તેઓના જણાવ્યા પ્રમાણે તળાજા પંચનાથ ઉપરાંત અલંગ નજીકના જસપરા ગામે પણ ૨૬ ચામચીડિયાં મરણ પામેલ હતા. ગરમીના પ્રકોપના કારણે તેઓ મોતને ભેટ્યા હોવાનું અનુમાન વન વિભાગે લગાવ્યું છે. ધ્રાંગધ્રાના ગુજરવદી ગામે ૯૦ થી વધુ ઘેટાના શંકાસ્પદ મોત થતાં ચકચાર જાગી ઉઠી છે આ ઘેટાના મૃત્યુ સખ્ત ગરમીથી થયાનો અનુમાન છે. રાજયભરમાં આગામી દિવસમાં હજુ ગરમીની શકયતાને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે અને તેના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લાના આરોગ્ય વિભાગે લોકોને મહત્વના સુચનો કરેલા છે જેમાં ગરમીનું પ્રમાણ વધારે થવાની સંભાવનાને પગલે લોકો હિટસ્ટ્રોકથી બચવા વધુને વધુ પાણી પીવા, કોલડીન્કનાં બદલે શેરડી રસ, લીંબુ સરબત કે વરિયાળીના સરબત પીવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત બપોરે ૧ થી ૪ દરમ્યાન કામ વિના ઘરની બહાર ન નીકળવા પણ સલાહ આપવામાં આવી છે. અસહ્ય ગરમીના આક્રમણ સાથે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ૪ર ડીગ્રીને પાર કરી ગયો હતો જે અંગેની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદમાં ૪૩.૭ ડિગ્રી, ડીસા ૪૩.૫ ડિગ્રી, વડોદરા ૪૪.૪ ડિગ્રી, સુરત ૪૩.૬ ડિગ્રી, રાજકોટ ૪૪.૦ ડિગ્રી, ભાવનગર ૪૩.૫ ડિગ્રી, પોરબંદર ૪૨.૧ ડિગ્રી, વેરાવળ ૩૭.૫ ડિગ્રી, ઓખા ૩૨.૩ ડિગ્રી, ભુજ ૪૨.૮ ડિગ્રી, નલીયા ૪ર ડિગ્રી, સુરેન્દ્રનગર ૪૪.૭ ડિગ્રી, ન્યુ કંડલા ૪૩.૦ ડિગ્રી, કંડલા એરપોર્ટ ૪૬.૮ ડિગ્રી, અમરેલી ૪૪.૬ ડિગ્રી, ગાંધીનગર ૪૩.૬ ડિગ્રી, મહુવા ૪૧.૮ ડિગ્રી, દિવ ૪૧.૦ ડિગ્રી, વલસાડ ૩૮.૯ ડિગ્રી, વલ્લભવિદ્યાનગર ૪૨.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે અને હજુ સખ્ત ગરમીના દિવસો બાકી છે હજુ પણ વધુ ગરમી પડે તેવા નિર્દેશો હવામાન વિભાગે આપેલ છે.

Leave A Reply