Tuesday, November 19

જૂનાગઢમાં ભુદેવોના દેવ ભગવાન પરશુરામની ત્રીજી મહાઆરતી યોજાઈ

જૂનાગઢ તા.૧
ભુદેવોનાં દેવ ભગવાન પરશુરામની તા. ૭-પ-૧૯ને મંગળવાર અને અખાત્રીજના પાવનદિવસે જન્મજયંતિ હોય તેની ભવ્યાતિભવ્ય ઉજવણી માટેની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનાં ભાગરૂપે જૂનાગઢ શહેરમાં પ્રતિવર્ષ મહાઆરતીનાં આયોજન કરવામાં આવે છે. મહાઆરતી પાછળનો હેતુ ભુદેવોમાં વધુને વધુ સમાજ જાગૃતિ આવે, એકતા આવે અને સંગઠન વધુ મજબુત બને. મહાઆરતી બાદ સૌ સાથે ભોજન-પ્રસાદ લે છે કારણ કે જેના અન્ન ભેગા તેનાં મન ભેગા. દરમ્યાન ચાલુ વર્ષે ભગવાન પરશુરામજીની જન્મજયંતિની શાનદાર ઉજવણી માટેનાં આયોજનો થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે ભુદેવોના ઘરે મહાઆરતી કરવામાં આવી રહી છે. દરમ્યાન સમસ્ત બ્રહ્મયુવા સંગઠન આયોજીત આરતીનાં કાર્યક્રમમાં ત્રીજી આરતીનું આયોજન ૩૦ એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળ દ્વારા જાષીપરા શાકમાર્કેટ નજીકનાં આદિત્યનગર સ્થિત શ્રી ભગવતી ભવન ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. બાદમાં તમામે સાથે ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આરતીમાં પુનીતભાઈ શર્મા, ધારાસભ્ય ભીખાભાઈ જાષી, પ્રફુલભાઈ જાષી, હસુભાઈ જાષી, કે.ડી.પંડયા સહિતનાં અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈ-બહેનોની ઉપસ્થિતિ રહી હતી. આરતીનાં કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવ જાષી, કાર્તિક ઠાકર, પ્રમુખ આશિષ રાવલ, પી.સી.ભટ્ટ વગેરેનાં માર્ગદર્શનમાં ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. મહાઆરતી બાદ હર-હર મહાદેવ હર અને જય જય પરશુરામનાં નારાથી જાષીપરા વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. જયારે ચોથી આરતી આજે ૧ મેનાં રોજ સાંજના ૭ વાગ્યે શિશુમંગલ સ્થિત રાજગોર વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવશે.

Leave A Reply