Tuesday, November 19

જૂનાગઢમાં ભગવાન પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી થશે

જૂનાગઢ તા.૩
બ્રહ્મ સમાજનાં આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની જયંતિની આગામી મંગળવારે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા દેશભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. શોભાયાત્રા સહિતનાં કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. દરમ્યાન જૂનાગઢ શ્રી પરશુરામ જન્મજયંતિ મહોત્સવ સમિતિનાં કન્વીનર તથા શહેર બ્રહ્મ અગ્રણી પુનિતભાઈ શર્માની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે આગામી તા.૭મી મે નાં રોજ ભુદેવોનાં આરાધ્ય અને સમગ્ર સૃષ્ટિમાં પોતાનાં જ્ઞાન અને બળ થકી ચીરંજીવી તરીકે પ્રસ્થાપિત થનારા દેવશ્રી પરશુરામ ભગવાનની જન્મજયંતિ ઉજવણી માટેનાં નિર્ણયો લેવામાં આવેલ હતા. આ બેઠકમાં સર્વાનુમતે નક્કી થયેલ કે સમગ્ર શોભાયાત્રા અને બ્રહ્મ ભોજન ભારત સાધુ સમાજનાં પ્રમુખ અને શિક્ષાક્ષેત્રે અહાલેક જગાવનારા પરમપુજય સંતશ્રી મુકતાનંદબાપુનાં અધ્યક્ષસ્થાન હેઠળ યોજાશે અને આ સમગ્ર શોભાયાત્રા અને બ્રહ્મભોજન સહિતનાં કાર્યક્રમોનાં આયોજન માટે કન્વીનર તરીકેની જવાબદારી બ્રહ્મઅગ્રણી પુનિતભાઈ શર્માને સોંપવામાં આવેલ છે તથા આ શોભાયાત્રાનું સંપૂર્ણ આયોજન શ્રી સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનનાં સંસ્થાપક જયદેવભાઈ જોશી કાર્તિકભાઈ ઠાકર, પ્રમુખ આશીષભાઈ રાવલ તથા સમગ્ર ટીમ દ્વારા થનાર છે તેમજ બ્રહ્મભોજન માટેની જવાબદારી મુકેશભાઈ મહેતા, ભરતભાઈ લખલાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવનાર છે તેવું સર્વાનુમતે નક્કી થયેલ છે. આ બેઠકમાં જૂનાગઢનાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ધારાસભ્ય ભીખાભાઈ જોશી, પ્રફુલભાઈ જોશી, કે.ડી.પંડયા, સનતભાઈ પંડયા, શીલ્પાબેન જોશી, નિર્ભયભાઈ પુરોહિત, પી.સી.ભટ્ટ તથા સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન તથા બ્રહ્મ સમાજનાં તમામ કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા અને આગામી આવી રહેલ શ્રી પરશુરામ જયંતિ જૂનાગઢ શહેરમાં અનન્ય અને ઉત્કૃષ્ટ રીતે ઉજવાય તેવો સહીયારો નિર્ણય લેવામાં આવેલ છે તેમ યાદીનાં અંતમાં જણાવેલ છે.

Leave A Reply