રસ્તા ઉપર આડેધડ ખોદકામથી થતાં અકસ્માતો : જવાબદાર સામે પગલાં લો

જૂનાગઢ તા.૪
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં વિકાસનાં નામે આડેધડ ખોદકામ કરવામાં આવેલ છે. ખોદકામ બાદ રસ્તા ઉપરથી માટીનાં ઢગ, રેતી, કાંકરી, પથ્થર દુર કરવામાં આવતા નથી. પરિણામે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને છે. આવા અકસ્માત કયારેક જીવલેણ સાબિત થાય છે તો કયારેક વાહનચાલક ઈજાગ્રસ્ત બને છે. ત્યારે જે તે કોન્ટ્રાકટરની ભુલના કારણે થતાં અકસ્માતમાં મૃતકનાં પરિવારને તેમજ ઈજાગ્રસ્તની સારવારનો ખર્ચ જે-તે કોન્ટ્રાકટર પાસેથી વસુલવો જાઈએ. જા આવું થાય તો કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતી બેદરકારી ઉપર બ્રેક લાગશે. જૂનાગઢમાં મોટાભાગનાં રસ્તામાં આડેધડ ખોદકામ કરવામાં આવે છે. ખોદકામ કર્યા બાદ માટીનાં ઢગલાં લાંબા સમય સુધી હટાવાતાં નથી. ખાડા યોગ્ય રીતે બુરાતા નથી, રેતી-કાંકરી હટાવાતી નથી માટે વાહનચાલકો નાના-મોટા અકસ્માતોનો ભોગ બને છે. હાલમાં શહેરનાં તળાવ દરવાજા, ઝાંસીની રાણીનાં સર્કલથી તાલુકા સેવા સદન સુધી તેમજ મોતીબાગ સર્કલ ઉપર કેબલ નાખવા માટે ખોદકામ થાય છે. જા કે ગરજ સરી વૈદવેરીની જેમ કામ પુરૂં થયા બાદ યોગ્ય રીતે બુરાણ, સફાઈ થતી નથી માટે રસ્તા ઉપરનાં ખાડા, કાંકરી, રેતી અકસ્માતને નિમંત્રણ આપે છે. તાજેતરમાં જ ચોરવાડ, ગડુ પાસે રસ્તા ઉપર પડેલાં રેતી-માટીનાં ઢગ ન હટાવાતા રિક્ષા પલ્ટી ગઈ અને યુવાન મોતને ભેટયો. તેના પરિવાર ઉપર આભ તુટી પડ્યું. પત્ની વિધવા, બાળકો અનાથ બન્યાં. થયું શું ? પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કામ પુરૂં કર્યું. આવા તો સેંકડો બનાવો બને છે. ત્યારે ઘોર બેદરકારી રાખનાર કોન્ટ્રાકટરો સામે કડક પગલાં લેવાવા જાઈએ. કાનુની કાર્યવાહી થવી જાઈએ અને મૃતકનાં પરિવારને તેમજ ઈજાગ્રસ્તને વળતર ચુકવવું પડે તેવી જાગવાઈ કરવી જાઈએ. આવું થશે તો આ અકસ્માતોનો સિલસિલો અટકશે. પહેલાં છાશવારે બંધના એલાન અપાતા હતા. ગમે તે બની બેઠેલા પક્ષો બંધનું એલાન આપતા. બાદમાં કોર્ટે ચુકાદો આપ્યો કે બંધ દરમ્યાન કોઈપણ તોફાન થાય, રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન થાય તો બંધનું એલાન આપનારે નુકશાનીની રકમ ભરવી પડશે. બસ ત્યારથી બંધનું એલાન, તોડફોડ, નુકશાની આપોઆપ બંધ થઈ ગયા. આજ રીત-નિયમ કોન્ટ્રાકટરો સામે લાગુ કરવામાં આવે તો રસ્તા ઉપર થતાં અનેક અકસ્માતો, મૃત્યુ, ઈજાનાં બનાવો આપોઆપ ઘટી જશે.

Leave A Reply