શનેશ્વરી અમાસ નીમિત્તે હાથલા ખાતે આવેલા શનિદેવના મંદિરે ભાવીકો ઉમટી પડયા દર્શનાર્થે

આદિત્યાણા તા.૪
આજે શનેશ્વરી અમાસ હોય ગઈરાત્રીથી જ ભાણવડ નજીક આવેલ હાથલા ગામે શનિદેવના મંદિરે માનવ મહેરામણ ઉમટી રહેલ છે. મંદિરમાં દર્શન કરવા લાંબી લાંબી કતારો લાગી ગયેલ છે.
શનિદેવ એવા દેવ છે કે તમે જે કર્મો કરેલા હોય છે તેના ફળ આ શનિદેવની પનોતી ચાલતી હોય ત્યારે મળે છે. પનોતી દરમ્યાન જા સારા કર્મો કરેલા હોય તો સારા ફળ મળે છે અને જા ખરાબ કર્મ કરેલા હોય તો શનિદેવ આ પનોતીના સમયમાં ખરાબ ફળ આપે છે.
જેને ગોચરમાં શનિ ચોથા અને આઠમાં સ્થાને ચાલતો હોય તેને નાની પનોતી કહેવાય છે. જ્યારે બારમે, પહેલા અને બીજા સ્થાનમાં શનિ ગ્રહ ચાલતો હોય તો મોટી પનોતી છે તેમ કહેવાય. નાની પનોતીનો સમય અઢી વર્ષનો હોય છે જ્યારે મોટી પનોતીનો સમય સાડા સાત વર્ષનો હોય છે.
આ નાની કે મોટી પનોતી દરમ્યાન કોઈ પણ તકલીફમાંથી પસાર થતા હોય ત્યારે હાથલા શનિદેવ મંદિરે દર્શન કરી ત્યાં સ્નાન કરવામાં આવે અને ત્યાં ચપ્પલ પણ ઉતારી નાખવામાં આવે તો શનિદેવ કષ્ટ દૂર કરે છે તેવું પંડિતો કહે છે. શનિદેવ મંદિરે શનિકુંડ આવેલ છે તે કુડના પાણી વડે સ્નાનનું અનેરૂ મહત્વ છે. આ કુંડમાં દુષ્કાળમાં પણ પાણી સુકાતું નથી. આજ શનિશ્વરી અમાસના દિવસે શનિદેવ મંદિરે ટ્રેકટર ભરાય તેટલા બુટ-ચપ્પલ લોકો છોડી જાય છે તેમજ સ્નાન કરી જુના કપડા પણ અહીં છોડી જાય છે. આ જુના કપડા અને બુટ ચપ્પલ જરૂરીયાતમંદોને આપવામાં આવે છે. આજે શનિદેવને લોખંડની ખીલી-સરસવનું તેલ, કાળા તલ, ગોળ, કાળુ કપડું, કાળુ સુતર વિગેરે ધરવામાં આવે છે. જેને શનિની પનોતી ચાલતી હોય તેવા લોકો જા નાના ગલુડીયા તેમજ કુતરાઓને દૂધ પીવડાવે, પક્ષીઓને ચણ ખવડાવે તેમજ ગાયોને ઘાંસચારો ખવડાવે તેમજ અશક્ત તેમજ અંધ-અપંગોને દાન આપી તેની સેવા કરવામાં આવે તો ગમે તેવી ખરાબ પનોતીની અસર નાશ પામે છે.
આ શનિદેવ મંદિરની મુલાકાતે અવારનવાર રાજકીય વ્યક્તિઓ પણ આવે છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઈ બોખીરીયા તેમજ કાંધલભાઈ જાડેજા અહીં વારંવાર દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આજે શનિદેવના મંદિરે દર્શન કરવાનું વિશેષ મહત્વ છે.
શનિવારના સાંજના સમય સંધ્યા આથમતો હોય ત્યારે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દિવો કરી પીપળાના વૃક્ષની નવ પ્રદિક્ષીણા કરવાથી પણ પનોતીની અસરમાં ઘણી રાહત થાય છે. પીપળાના વૃક્ષનું પુજન કાયમી પણ કરી શકાય છે કારણ કે પીપળાનું વૃક્ષ એ કલ્પવૃક્ષ ગણાય છે.
શનિદેવ મંદિરે દર્શન કરતી વખતે મામા પોતાના ભાણેજને સાથે લઈ જઈ દર્શન કરે તો વિશેષ મહત્વ છે.

Leave A Reply