Wednesday, January 22

૧૯૬પ માં ગીરને અભ્યારણ્ય જાહેર કરાયા બાદ સિંહોની સંખ્યામાં વધારો થતો રહયો છે પરંતુ સિંહોની સંખ્યા સામે ખૌરાકનાં મારણની અછત, રોગચાળો અને માનવ વિસ્તારને કારણે સિંહ ઉપર ખતરો મંડરાયો છે?

OLYMPUS DIGITAL CAMERA

ગુજરાતમાં ગીરના જંગલમાં સિંહો ભયના ઓથાર હેઠળ છે’ એવી બૂમો સમયાંતરે ભલે સંભળાતી હોય, હકીકતમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ૨૦૨૦માં સિંહોની વસ્તીગણતરી હાથ ધરાશે, વસ્તીગણતરી બાદ સિંહોની ચોક્કસ સંખ્યા જાહેર થશે.
તાજેતરના આૅબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યામાં વધારો થયો હોવાનું નોંધાયું છે. ગીરના ૧૬૦૦ ચોરસ કિલોમિટર વિસ્તારમાં એશિયાઈ સિંહો વસવાટ કરે છે. મીડિયા અહેવાલો પ્રમાણે આૅબ્ઝર્વેશનમાં સિંહોની સંખ્યા ૭૦૦ નોંધાઈ છે, જેમાંથી ૨૪૦ જેટલાં સિંહબાળ છે. જેમની ઉંમર એકથી ૨ વર્ષની છે. વર્ષ ૨૦૧૫માં છેલ્લી વખત હાથ ધરાયેલી વસ્તીગણતરી વખતે સિંહોની સંખ્યા ૫૨૩ હતી.
ગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર આૅફ ફારેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વાર્ડન અક્ષય સક્સેના કહે છે કે આ વસ્તી ગણતરીના આંકડા નથી, વસ્તી ગણતરીના આંકડા ૨૦૨૦માં જાહેર થશે પણ સિંહોની સંખ્યા ઘટી નથી રહી એવું આૅબ્ઝર્વેશનના આધારે કહી શકાય. સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે અનેક પડકારો પણ છે. સિંહોની વધી રહેલી સંખ્યાની સાથે આ વન્યપ્રાણી સામે જોખમ પણ વધી રહ્યું છે.
વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. સિંહો પાંચ જિલ્લાઓ ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે.
સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે. ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાત રાજ્યના જંગલ ખાતાએ દાખલ કરેલું સોગંદનામું જણાવે છે કે ૫૨૩ સિંહોમાંથી ૨૦૦ સિંહો હાલમાં ખુલ્લા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે. વનવિસ્તારમાંથી સિંહો રહેણાંક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળ્યા હતા.
માણસ અને પશુઓ ઉપર સિંહોના હુમલાની ઘટનાઓ નોંધાતી રહી છે. ગુજરાતમાં મે ૨૦૧૬માં સિંહોના હુમલામાં એક કિશોર સહિત ત્રણ લોકોનાં મૃત્યુની ઘટના નોંધાયા બાદ અભયારણ્યના પૂર્વ ભાગમાંથી ૧૩ સિંહોને પકડીને પાંજરાંમાં બંધ કરી દેવામાં આવ્યા હતા. ૨૦૧૪-૧૫માં સિંહોએ ૧૨૫ લોકો ઉપર હુમલો કર્યો હોવાની અને ૧૦૦૦થી વધારે ગ્રામ્ય પંથકના પશુઓનું મારણ કર્યાની ઘટનાઓ નોંધાઈ હતી.
સિંહો-માનવ સંઘર્ષના એટલા કિસ્સા નથી નોંધાતા જેટલા વાઘ અને દીપડા સાથે સંઘર્ષના નોંધાય છે. ગુજરાતાના પરિપ્રેક્ષ્યમાં માનવામાં આવે છે સિંહ અને માનવજીવનનું સહઅસ્તિત્વ શક્ય છે પણ દીપડા અને વાઘ સાથે શક્ય નથી.
‘જંગલ બહાર સિંહોને જોખમ’
ખેતરની ફરતે લગાવાયેલા હાઈ-વોલ્ટેજ તારના કારણે પણ સિંહોનાં મૃત્યુના કિસ્સા નોંધાતા આવ્યા છે. આૅક્ટોબર ૨૦૧૩માં ગીર જિલ્લાથી થોડે દૂર વિસાવદર તાલુકાના મોણપરી ગામમાં વાયરના કરંટથી એક સિંહનું મૃત્યુ થયું હતું અને ઘટના છુપાવવા ખેડૂતે લાશને નાળામાં છુપાવી દીધી હતી. આ ઘટનામાં ખેડૂતની ધરકપડ કરાતા વિવાદ સર્જાયો હતો.
પર્યાવરણવિદ્‌ તખુભાઈ સાંસુરે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું હતું, “૪૦ ટકા જેટલા સિંહો જંગલ વિસ્તારની બહાર રહે છે. જે સિંહો માટે જોખમી છે.” જંગલ વિસ્તાર બહાર અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધારે જોવા મળી હતી. વર્ષ ૨૦૧૫ની ગણતરી પ્રમાણે અમરેલીના સાવરકુંડલા, લીલીયા, રાજુલા સહિતના વિસ્તારોમાં અને ભાવનગર જિલ્લામાં વધુ સિંહો જોવા મળ્યા હતા. ૨૦૧૫ની વસ્તી ગણતરી બાદ એશિયાટિક લાયન લૅન્ડસકેપ વિસ્તાર ૨૦ હજાર ચોરસ કિલોમિટર નોંધાયો છે, જેની સામે સંરક્ષિત વિસ્તાર ૧૮૮૩ ચોરસ કિલોમિટર છે.
૧૮૪ સિંહોનાં મૃત્યુ
૨૦૧૭ના કેગ(કમ્પ્ટ્રોલર ઍન્ટ આૅડિટર જનરલ આૅફ ઈન્ડીયાના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૧માં ૧૦૮ સિંહ નિર્ધારિત વિસ્તારની બહાર વિચરતા નોંધાયા હતા. વર્ષ ૨૦૧૫માં ૧૬૭ સિંહ નિર્ધારિત વિસ્તાર બહાર નોંધાયા હતા, જે ૨૦૧૧ની તુલનામાં ૫૪.૬ ટકાનો વધારો હતો. કેગના રિપોર્ટમાં માર્ચ ૨૦૧૬માં ડ્રાફટ્‌ ઈએસઝેડ (ઇકા સૅન્સિટિવ ઝોન) માટેના પ્રસ્તાવને ટાંકીને નોંધવામાં આવ્યું હતું કે ૩૨ ટકા સિંહો ગીર સંરક્ષિત વિસ્તારની બહાર વિચરે છે અને એથી ચેતવણીના ભાગરૂપે તાત્કાલિક વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે. કેટલાક વિસ્તારોને સંરક્ષિત વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે. ૨૦૦૮માં ગીર વન્યજીવ અભ્યારણ્ય વિસ્તારને ૧૭૮.૮૭ ચોરસ કિલોમિટર જેટલો વધારવામાં આવ્યો હતો.
માણસની ભૂલોને કારણે એશિયાઈ સિંહના આકસ્મિક મૃત્યુ થઈ રહ્યાં છે. માણસ અને સિંહો વચ્ચેના સંઘર્ષમાં સિંહો મોતને ભેટી રહ્યા છે. ફેબ્રુઆરી
આભાર – નિહારીકા રવિયા ૨૦૧૭માં વિધાનસભામાં ગુજરાતના વન ખાતાના મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં કુલ ૧૮૪ સિંહોના મોત થયાં છે. આ ૧૮૪ પૈકી ૩૨ સિંહો આકસ્મિક રીતે મૃત્યુ પામ્યા છે. સિંહોનાં આકસ્મિક મૃત્યુ માટે ખુલ્લા કૂવા, ખેતરોની ફરતે હાઈ વોલ્ટેજ વીજ કરંટ, રેલવે તેમજ રોડ અકસ્માત મુખ્ય કારણો છે.
‘વધતી સંખ્યા સામે વધતું જોખમ’
વન્યજીવ વૈજ્ઞાનિક રવિ ચેલ્લમ છેલ્લા ત્રણ દાયકાથી સિંહો ઉપર સંશોધનકામ કરી રહ્યા છે. તેઓ માને છે કે ભારતીય સિંહોની પ્રજાતિ ઉપર જોખમ છે. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ચેલ્લમે જણાવ્યું હતું, “જો એક સિંહોના શરીરમાંથી પણ કેનિન ડિસ્ટેમ્પર જેવો વાઇરસ મળી આવે તો એ ખતરનાક સાબિત થઈ શકે છે.”
“વર્ષ ૧૯૯૩-૯૪માં આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા સેરેન્ગેટી નેશનલ પાર્કમાં કેનિન ડિસ્ટેમ્પર વાઇરસને કારણે ટૂંકા ગાળામાં એક હજાર સિંહોનાં મૃત્યુ થયાં હતાં. આ વાઇરસને કારણે વધુ સિંહોનાં પણ મોત થઈ શકે છે.”
તાજેતરમાં ગુજરાતમાં પણ કેટલાક સિંહોના શરીરમાંથી સીડીવી વાઇરસ મળી આવ્યો હતો અને તેમને રેસ્ક્યૂ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. વાઇરલ થતાં વીડિયો અને તસ્વીરો ગત અઠવાડિયે પરિવાર સાથે પાણી પીવા નીકળેલા સિંહના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો, જેમાં એક ડઝન જેટલાં સિંહનાં બચ્ચાં નજરે પડે છે. માર્ચ મહિનામાં કેસુડાના ઝાડ ઉપર ચડેલા સિંહની તસ્વીર પણ સોશયલ મીડિયામાં વાઇરલ થઈ હતી, આ તસવીર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરી હતી. ગિરનાર વાઇલ્ડલાઇફ સૅન્ચ્યુરીની આ તસ્વીર બીટ ગાર્ડ દીપક વાઢેરે પેટ્રોલિંગ દરમ્યાન લીધી હતી. આ તસવીર જ્યાં લેવામાં આવી છે તે ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્ચ્યુરી છે જે કુલ ૧૦૦ કિલોમિટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
અનેક વખત સિંહો માનવવસાહત તરફ આવી ચઢ્યા હોય એવાં વીડિયો અને તસ્વીરો વાઇરલ થયાં છે. કેટલીક જગ્યાઓએ માનવી અને સિંહ વચ્ચેનો સંઘર્ષ પણ જોવા મળે છે. નોંધનીય છે કે ગીરના જંગલમાં નેસમાં રહેતા માલધારીઓ સિંહોથી એ હદે પરિચિત થઈ ગયા છે કે તેમના વચ્ચે સંઘર્ષ નહિવત્ છે.
આૅબ્ઝર્વેશન અને વસ્તી ગણતરીમાં શું અંતર?
ગુજરાત સરકારના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર આૅફ ફારેસ્ટ અને ચીફ વાઇલ્ડલાઇફ વાર્ડન અક્ષય સક્સેનાએ વાતચીતમાં જણાવ્યું કે વસ્તી ગણતરી પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે થાય છે. તેઓ કહે છે, “જ્યારે પાણી ન હોય ત્યારે ચોક્કસ સમયે વસ્તી ગણતરી કરવામાં આવે છે, જેથી ચોક્કસ પાણીનાં કેન્દ્રો જ બચે છે અને ત્યાં સિંહો પીવાના પાણી માટે આવે છે.” “ત્રણ દિવસમાં આખી ટીમને કામે લગાવવામાં આવે છે અને ગણતરી દરમ્યાન એક જ સિંહનું પુનરાવર્તન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.”
સક્સેના કહે છે, “આૅબ્ઝર્વેશન એવી પ્રક્રિયા છે જેમાં ફિલ્ડ સ્ટાફ નિરીક્ષણ કરે છે, ડ્‌યૂટી દરમ્યાન ધ્યાને આવતા સિંહોની સંખ્યા આૅબ્ઝર્વેશન છે. આૅબ્ઝર્વેશનની સંખ્યાને અમે અંતિમ માનતા નથી.”
“આૅબ્ઝર્વેશનના આધારે અમે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે સિંહોનાં મૃત્યુની ઘટનાઓ છતાં સંખ્યા ઘટી રહી નથી.” સિંહોની વસ્તી પીસીસીએફ (પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર આૅફ ફારેસ્ટ)ની વેબસાઇટ ઉપર પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્ષ ૧૯૧૩માં સિંહોની સૌથી ઓછી સંખ્યા ૨૦ નોંધાઈ હતી.
સિંહોના સંરક્ષણ પાછળ
જૂનાગઢના નવાબની પણ ભૂમિકા છે
‘ગીર ફારેસ્ટ ઍન્ડ સાગા આૅફ ધ એશિયાટિક લાયન’ નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રા લખે છેઃ “ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન બની રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય તે વખતના જૂનાગઢના નવાબ સર મોહમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે.” સિંહોને રાજ્યાશ્રય આપવામાં અને સિંહોના શિકાર રોકવામાં નવાબની વિશેષ ભૂમિકા રહી હતી. પીસીસીએફની વેબસાઇટ પ્રમાણે વર્ષ ૧૯૩૬માં થયેલી વસ્તી ગણતરીમાં સિંહોની સંખ્યા ૨૮૭ નોંધાઈ હતી. વર્ષ ૧૯૬૫માં ૧૮ સપ્ટેમ્બરે ગીરને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ સિંહોની સંખ્યા ક્રમશઃ વધતી જોવા મળે છે.

Leave A Reply