ભાજપનાં પૂર્વ રાજયમંત્રી રતિભાઈ સુરેજાનું દુઃખદ નિધન : આજે સાંજે અંતિમવિધી

જૂનાગઢ તા.૯
ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી અને માણાવદર વિસ્તારનાં પૂર્વ ધારાસભ્ય શ્રી રતિભાઈ સુરેજાનું દુઃખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
માણાવદર તાલુકાનાં લીંબુડા ગામના વતની અને ભાજપના પૂર્વ રાજયમંત્રી-ધારાસભ્ય રતિભાઇ સુરેજાનુ અવસાન થતા ઘેરો શોક છવાઇ ગયો છે. રતિભાઇ સુરેજાની અંતિમવિધી આજે ગુરૂવારે સાંજે પ વાગ્યે તેમના જૂનાગઢનાં ગાંધીગ્રામ સ્થિત નિવાસ સ્થાનેથી નીકળશે. જેમા ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, હોદ્દેદારો, કાર્યકરો, શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે અને શ્રધ્ધાંજલી અર્પણ કરશે. માજી ધારાસભ્ય રતીભાઇ સુરેજાને ઇન્ફેકશન થતા પ્રથમ સારવાર જૂનાગઢ બાદ રાજકોટની એચસીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જયાં ડો. ભટ્ટ દ્વારા સઘન સારવાર કરવામાં આવી હતી. રતીભાઇ સુરેજાની મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થઇ ગયું હતું. માજી પ્રધાન રતિભાઇ સુરેજા છેલ્લા ૧૫ દિવસથી નાદુરસ્ત હતા અને રાજકોટ સારવાર દરમ્યાન આજે સવારે ૭ વાગ્યે તેઓએ ૭૪ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આથી સવારે રાજકોટથી જૂનાગઢ ગાંધીગ્રામ ખાતેના નિવાસ સ્થાને રતિભાઇ સુરેજાનો પાર્થિવદેહ લાવવામાં આવ્યો હતો. રતિભાઈ સુરેજાના નિધનનાં સમાચાર મળતા ભાજપના આગેવાનો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, સમાજ શ્રેષ્ઠી, સગા-સંબંધીઓ, અધિકારીઓ-પદાધિકારીઓ વગેરે તેમનાં નિવાસ સ્થાને દોડી ગયા હતા. રતિભાઇ સુરેજા ધર્મપત્ની મુકતાબેન અને પુત્ર ડો.ભાવેશ તેમજ જમાઇ ડો.સી.વી. માણાવદરીયા તથા દિકરી ક્રિષ્નાબેન માણાવદરીયા સહિત પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. રતીભાઈ સુરેજાએ રાજકીય જીવનમાં પ્રવેશ કરી અને જૂનાગઢ તેમજ માણાવદર પંથકનાં લોકોનાં પ્રાણપ્રશ્નો અને આમ જનતાને ન્યાય અપાવવાનાં ભાગરૂપે સતત કાર્યરત રહી અને લોકોને મદદરૂપ બન્યાં છે. અતિવૃષ્ટિ, વાવાઝોડું કે કુદરતી આપતિ સામે પણ જરૂરીયાતમંદ અને અસરગ્રસ્તોને રતિભાઈ સુરેજાએ મદદ કરી છે. માણાવદર વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચુંટાયા બાદ તેઓએ ખુબ જ સુંદર કામગીરી કરેલી છે. તેમજ રાજયનાં જળસંપતિ મંત્રી તરીકે પણ તેઓએ અસરકારક કામગીરી દાખવી છે અને તમામ વર્ગમાં સારી એવી ચાહના પ્રાપ્ત કરી છે. પૂર્વ મંત્રી રતિભાઈ સુરેજાનાં દુઃખદ અવસાન થવાનાં પગલે રાજકીય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ તેમનાં આપ્તજનો, સગા-સ્નેહીઓ, અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો તેમનાં નિવાસસ્થાને પહોંચી અને તેમનાં પરિવારને સાત્વનાં પાઠવી હતી. સદ્‌ગતની સ્મશાનયાત્રા આજે સાંજનાં પ કલાકે ગાંધીગ્રામ જૂનાગઢ તેમનાં નિવાસસ્થાનેથી નિકળશે. જયારે તેમની પ્રાર્થનાસભા તા.૧૧-પ-ર૦૧૯ શનિવારે સવારે ૯ થી ૧૧ બીએપીએસ અક્ષર મંદિર જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

Leave A Reply