વંથલી નજીક સર્જાયેલ બનાવ અકસ્માતનો નહીં પરંતુ બેવડી હત્યાનો હોવાનું ખુલ્યું : પાંચ આરોપીની ધરપકડ

જૂનાગઢ તા.૧૦
જૂનાગઢ જીલ્લાનાં વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલાં ડબલ ફેટલ અકસ્માતમાં ખપાવી દિધેલ બનાવનો પોલીસે ઝીણવટભરી તપાસ કરી અને પર્દાફાશ કરી અને ડબલ મર્ડરનાં બનાવનો ભેદ ઉકેલી નાંખી આરોપીને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ગત તા.ર૯-૪-ર૦૧૯નાં રોજ વંથલી-જૂનાગઢ હાઈવે ઉપર મેંગો માર્કેટ પાસે ડબલ ફેટલ અકસ્માતનો બનાવ બનેલ હતો. જેમાં જૂનાગઢ તાલુકાનાં ગલીયાવાડ ગામનાં ઈસુબ મામદ અને ફિરોજ બોદુ, જાબીર ઉમર ત્રણેય વ્યકિતઓ મોટરસાયકલ ઉપર આવતાં હતાં તેનું મોટરસાયકલ હડફેટે લેતાં ઈસુબ મામદ અને જાબીર ઉમરનાં ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યું થયાં હતાં જયારે ફિરોજ બોદુને ઈજા થઈ હતી આ બનાવ અંગે વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વંથલી પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ સીસીટીવી ફુટેજ, એફએસએલ અધિકારી દ્વારા સ્થળ પરિક્ષણ કરતાં આ બનાવમાં શંકા ઉપજે તેવાં પરિબળો જાવા મળેલ હતા. જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘનાં માર્ગદર્શન હેઠળ આ બનાવ અંગેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ગોહીલને સોંપવામાં આવી હતી અને તેમની સાથે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં અધિકારી અને સ્ટાફને સામેલ કરવામાં આવેલ હતાં. જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના મુજબ આ બનાવનો વહેલી તકે ભેદ ઉકેલવા અને તમામ ઈસમોને ઝડપી લેવા આપેલ સુચના અંતર્ગત ડીવાયએસપી ગોહિલ તથા ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ અને સ્ટાફ દ્વારા બનાવવાળી જગ્યાની ફરી મુલાકાત કરી ઉડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે અકસ્માતનો બનાવ ન હોય અને કોઈએ કાવતરૂં રચી આ બનાવને અંજામ આપેલ હોવાનું જણાયું હતું દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ ટીમની મદદ મેળવી અંગત બાતમીદારો દ્વારા હકીકત મેળવતાં જાણવા મળેલ કે આ કામે અગાઉનાં મનદુઃખનાં કારણે હનિફ ઉર્ફે કાદુ સીડાએ આ બનાવને અંજામ આપેલ છે જે હકીકતનાં આધારે તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર આર.કે.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.વી.પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ સાહીલ સમાને ખાનગીરાહે હકીકત મળેલ કે આ કામે બનાવને અંજામ આપનાર પૈકી ત્રણ ઈસમો હનિફ ઉર્ફે કાદુ ઈબ્રાહીમ સીડા (રહે.ગલીયાવાડા) તથા આરીફ ઉર્ફે ભુરો યુસુફભાઈ ગંભીર (રહે.ભંડુરી) તથા હસનભાઈ ઉર્ફે બબન ઉમરભાઈ ગંભીર (રહે.ઝળકાવાળા)ઓ બરવાળા તા.વંથલી મુકામે આવેલ આરીફ ઉર્ફે ભુરાની વાડીએ છુપાયેલ હોવાનું જાણવા મળતા તે જગ્યાએ તપાસ કરતાં ત્રણેય ઈસમો મળી આવેલ જે ત્રણેયને એલસીબી ઓફીસે લાવી પુછપરછ કરતા પ્રથમ ત્રણેય ઈસમોએ આ ગુન્હો નહીં કરેલ હોવાનું અને ખોટી રીતે સંડોવી દેવાની હકીકત જણાવેલ પરંતુ મજકુર ત્રણેય ઈસમોની આગવી ઢબે પુછપરછ કરતાં ત્રણેય ઈસમો ભાંગી પડેલ અને સાચી હકીકત જણાવી ગુન્હો કરેલાની હકીકત જણાવેલ છે તેમજ આ કામે સંડોવાયેલા બીજા બે ઈસમો તારમહમદ ઉર્ફે તારૂ ઉમરભાઈ ગંભીર (રહે.મુળ ગામ બરવાળા તા.વંથલી) તથા જુસબ ઉર્ફે બાબુ હુસેનભાઈ સીડા (સંઘી, રહે.ગલીયાવાડા) વાળાઓને પણ ગલીયાવાડાની સીમમાંથી ઝડપી લેવામાં આવેલ છે. કુલ પાંચ આરોપીઓને ઝડપી લઈ અને તેનાં વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક ગોહેલનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.

Leave A Reply