જૂનાગઢ સહિત રાજયનાં વિવિધ જીલ્લાઓનાં ૯૫ નાયબ મામલતદારોને ટુંક સમયમાં અપાશે બઢતી : આચારસંહિતા પૂર્ણ થયા બાદ હાથ ધરાશે કાર્યવાહી

સમગ્ર રાજ્યમાં મામલતદારોની મોટા પ્રમાણમાં ઘટ છે તે નાયબ મામલતદારોને પ્રમોશન આપીને પુરવામાં આવનાર છે. પ્રમોશનની ફાઈલ છેલ્લા ઘણા સમયથી અટકેલી પડી છે. ગુજરાતમાં ચૂંટણીઓ પુરી થતાં જ સરકારે આ ફાઈલ ઉપરથી ધૂળ ખંખેરી છે અને પ્રમોશનને પાત્ર ૯૫ નાયબ મામલતદારો સામે હાલ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ ચાલુ નથી ને ? તેના રિપોર્ટ સંબંધિત જિલ્લા કલેકટરો પાસેથી મગાવવામાં આવ્યા છે. નાયબ મામલતદારોને પ્રમોશનની મૂવમેન્ટ શરૂ થઈ છે અને આચારસંહિતા ઉઠી ગયા બાદ એટલે કે મે માસના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન માસના પહેલાં સપ્તાહમાં પ્રમોશનના ઓર્ડરો ઈસ્યુ થાય તેમ જાણવા મળે છે.
ગુજરાત સરકારના રેવન્યુ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી (સવિર્સ) દિલીપ ઠાકરે આ સંદર્ભે રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, દાહોદ, ગાંધીનગર, નર્મદા, પાટણ, સાબરકાંઠા અને વડોદરા જિલ્લાના કલેકટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે,
તા.૨૦-૧૧-૨૦૧૮ની સ્થિતિએ ૯૫ નાયબ મામલતદારોનું મેરિટ લિસ્ટ સરકારને મળેલ છે. આ ૯૫ નાયબ મામલતદારો સામે હાલની સ્થિતિએ શિસ્ત વિષયક કે ફોજદારી કાર્યવાહી નવેસરથી થઈ નથી ને ? જો થઈ હોય તો તેની વિગતો મોકલવા અને ન થઈ હોય તો જૂના લિસ્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તમામ જિલ્લા કલેકટરોને પાઠવાયેલા પત્રમાં રેવન્યુ વિભાગે જણાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું મેપિંગ સાથી એપ્લિકેશનમાં થયેલ હોય તો તેના એચ.આર.પી.એન. નંબર પણ જણાવવાના રહેશે. કર્મચારીઓએ સેવાપોથીમાં જાહેર કરેલા વતનની વિગતો પણ દશાર્વવાની રહેશે. આ વિગતો તૈયાર કરતી વખતે જિલ્લાઓના વિભાજન અન્વયે નવા રચાયેલા જિલ્લાઓને ધ્યાનમાં રાખવાના રહેશે એટલે કે વતનના ગામ અથવા તાલુકા હાલ જે જિલ્લામાં હોય તેને જ વતનના જિલ્લા તરીકે દશાર્વવાના રહેશે. જો કોઈ કર્મચારી દિવ્યાંગ હોય તો તેની ટકાવારી સહિતની પ્રમાણભૂત વિગતો મોકલવાની રહેશે અને જો કોઈ કર્મચારીને મામલતદાર સંવર્ગનું ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર થયું હોય તો તેની મંજૂરીની તારીખ સહિતની વિગતો સરકારને મોકલવાની રહેશે. આ પ્રકારની તમામ વિગતો સરકારને તા.૧૬-મે સુધીમાં ઓનલાઈન મોકલી આપવા જણાવાયું છે.

Leave A Reply