રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુંટણીમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી : ત્રણ બેઠકોનું પરીણામ જાહેર

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની રાધારમણદેવ વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીના ત્રણ પરિણામો જાહેર થયા છે જેમાં ત્યાગી વિભાગમાં દેવ પક્ષના બે ઉમેદવારો અને પાર્ષદ વિભાગમાં આચાર્ય જૂથના એક ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની રાધારમણદેવ વ્યવસ્થાપક સમિતિની ગઈકાલે યોજાયેલા ચૂંટણીના આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ત્યાગી વિભાગમાં દેવ પક્ષના દેવનંદન સ્વામીને ૨૪૯ અને સ્વામી પ્રેમ સ્વરૂપદાસજીને ૨૪૮ મત મળતા બંનેને વિજેતા જાહેર કરાયા છે જ્યારે પાર્ષદ વિભાગમાં આચાર્ય પક્ષના ન્યાલકરણ ભગતને ૧૩૮ મતમાંથી ૯૯ મત મળતા ચૂંટણી અધિકારીએ ચૂંટાયેલા જાહેર કરેલ છે.
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલાં મુખ્ય સ્વામિનારાયણ સુવર્ણ મંદિર ખાતે ગઈકાલે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી ભારે ઉત્તેજના અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી હતી. વર્ષોથી આસ્થાનું કેન્દ્ર બનેલું જવાહર રોડ ઉપર આવેલ આ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વખત ૧૯૪૦માં ચુંટણી યોજાઈ હતી અને દર પાંચ વર્ષે વહીવટી પ્રક્રિયા માટે સમિતિ નિમવાનાં હેતુ માટે ચુંટણી યોજવામાં આવે છે અને ગઈકાલે આ ચુંટણીકાર્ય સંપન્ન થયું હતું અને આજે સોમવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવી છે. જેનું પરિણામ આજે સાંજે અંદાજીત ચાર વાગ્યાની આસપાસ મળે તેવી શક્યતાઓ છે.
જૂનાગઢનાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલકો માટેની રવિવારે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે આઠ કલાકેથી ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં ગુણાતીતાનંદ સ્વામી સભામંડપમાં ગણતરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે રવિવારે પોલીસ અને પત્રકારો વચ્ચે થયેલી માથાકૂટને લઈને સોમવારે વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ મત પત્રકોની ગણતરી શરૂ કરવામાં આવી છે. ૨૭ હજાર કરતા વધુ નોંધાયેલા મતદારો પૈકી ૪૩ ટકા જેટલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેની ગણતરી આજે સોમવારે વહેલી સવારે આઠ કલાકે ગુણાતીતાનંદ સ્વામી સભામંડપમાં ચાલી રહી છે. વિવિધ વિભાગોની યોજાયેલી ચુંટણીનું પરિણામ જાણવા માટે ભારે ઉત્તેજના પ્રવર્તી રહી છે. રાધારમણ ટેમ્પલ બોર્ડમાં ગૃહસ્થ વિભાગની ૪ બેઠકો માટે ૪પ ટકા ગૃહસ્થોએ મતદાન કર્યું હતું. જયારે સંત વિભાગની બે બેઠકો માટે પ૬ ટકા અને પાર્ષદ વિભાગની ૧ બેઠક માટે પ૬ ટકા મતદાન થયું હતું. પ્રાપ્ત વિગત અનુસાર વહીવટી સમિતિમાં આચાર્ય પક્ષની બહુમતી છે જયારે સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડતાલ અને ગઢડાનાં મંદિરોમાં તાજેતરમાં દેવપક્ષની બહુમતી સ્થપાઈ છે ત્યારે હવે જૂનાગઢનાં મંદિરમાં કયાં પક્ષનો હાથ ઉપર રહેશે તે તરફ સંબંધિતો મીટ માંડી રહ્યાં છે. ગૃહસ્થ વિભાગનાં ૧ર૦૮૬ ત્યાગી વિભાગનાં ર૮ર અને પાર્ષદ વિભાગનાં ૧૩ર મતોની મતગણતરી ચુંટણી અધિકારીની દેખરેખ હેઠળ થઈ રહી છે. પાર્ષદ અને ત્યાગી વિભાગનાં પરિણામો બપોર સુધીમાં જાહેર થાય તેવી શકયતા છે જયારે ગૃહસ્થ વિભાગનાં પરિણામ બપોરના બાદ જાહેર થાય તેવી શક્યતાઓ છે. આચાર્ય પક્ષો અને દેવ પક્ષે તેમના વિજયનો દાવો કર્યો હતો. પરંતુ જ્યારે મતગણતરી પૂર્ણ થશે. ત્યારે જ ખબર પડશે કે, કોનો વિજય
થશે ? તે પરિણામ જાણવા માટે ઉમેદવારો, સંતો અને હરિભક્તોમાં ભારે ઉત્તેજના જાવા મળી રહી છે અને સંબંધિત તમામની મીટ મંડાયેલી છે.

Leave A Reply