Sunday, November 17

મિડીયા ઉપર હુમલો, લોકશાહીની હત્યા

ગઈકાલે જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલાં સ્વામિનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર ખાતે રાધારમણ ટેમ્પલ કમિટીની ચુંટણી વખતે પોલીસ કર્મીઓએ મિડીયા ઉપર હુમલો કરીને લોકશાહીનાં ચોથા સ્થંભ ગણાતી ચોથી જાગીર ઉપર પડકાર ફેંકયો છે. મિડીયા ઉપરનો હુમલો લોકશાહીની હત્યા સમાન છે તેવો સાર્વજનીક મત વ્યકત થઈ રહ્યો છે. આઝાદ ભારતની પોલીસ નહીં પણ પીંઢારા યુગનું શાસન હોય તેવા પ્રકારની પોલીસ કાર્યવાહી સામે મિડીયા જગતમાં હાહાકાર મચી જવાની સામે સમગ્ર રાજયમાં તેનાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ગત રાત્રીથી ઉપરોકત ઘટનાના વિરોધમાં જૂનાગઢ એસપી ઓફિસ સામે પત્રકારો ધરણાં યોજી રહ્યાં છે. તેમજ રાજયમાં ઠેર-ઠેર પત્રકારો દ્વારા ધરણાંનાં કાર્યક્રમો ચાલુ છે તેટલું જ નહીં જા આજ સાંજ સુધીમાં બેજવાબદાર પોલીસકર્મીઓ સામે પગલાં ભરવામાં નહીં આવે તો રાજકોટ મુખ્યમંત્રી નિવાસસ્થાને રાજયભરનાં પત્રકારો ધરણાં યોજીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કરશે. જૂનાગઢમાં પત્રકાર ઉપર થયેલાં હુમલાની ઘટનાનાં વિરોધમાં રાજયનાં તમામ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર ખાતે પણ પત્રકારો દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો છે.
લોકશાહીની ચોથી જાગીર ગણાતા મિડીયા સાથે સંકળાયેલા પત્રકાર ઉપર ઉપર કાલે સાંજે જૂનાગઢમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામા આવતા પત્રકાર જગતમાં ભારે આક્રોશ ફેલાયો છે અને ઘટના બાદ ગતરાત્રીથી જુનાગઢમાં પત્રકારો દ્વારા એસપી કચેરીએ ધરણા શરૂ કરી દીધા હતા અને રાજકોટ, ધોરાજી, જેતપુરના પીઠડીયા ટોલનાકા સહિત અનેક સ્થળોએ ઉગ્ર દેખાવો કરીને પોલીસ તંત્ર સામે રોષ ઠાલવીને જવાબદારો સામે પગલા ભરવાની માંગ બુલંદ થઇ છે. જૂનાગઢ ખાતે પત્રકાર ઉપર થયેલા હુમલાનાં મામલાને લઇને પાસના પૂર્વ નેતા અને એસીપીના માણાવદરના ઉમેદવાર રેશ્મા પટેલ પણ જુનાગઢ એસપી કચેરીએ પહોંચ્યા હતા અને સમર્થન આપ્યું હતું. જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હોબાળો મચી ગયો હતો જેમાં મીડિયા કવરેજ માટે ગયેલા મીડિયાકર્મી ઉપર પોલીસે બેહુદુ વર્તન કરીને હુમલો કર્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે જૂનાગઢમાં પત્રકાર ઉપર થયેલ હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રભરના પત્રકારો જૂનાગઢ એસપી કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે તપાસ કરવાની વાતો કરતી સરકાર તાત્કાલિક પગલાં લે તેવી માંગ સાથે જયાં સુધી પગલાં નહીં લેવાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવા પત્રકારો મક્કમ છે અને તાકીદે પગલાં લેવા માંગ કરી છે. જૂનાગઢમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી વખતે ન્યુઝ ચેનલના કેમેરામેન ઉપર પોલીસે કરેલા હુમલાના ઘેરા પ્રત્યાધાત પડયા છે. સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોના પત્રકારો જૂનાગઢમાં એકઠા થયા હતા અને ધરણા શરૂ કર્યા હતા. સૌએ હુમલા માટે જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માગણી બુલંદ બનાવી હતી.
દરમ્યાન જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષી પણ મીડિયાના સમર્થનમાં એસપી કચેરીએ પહોંચ્યા હતા અને ધરણામાં જોડાયા હતા. પત્રકાર સંઘર્ષ સમિત જૂનાગઢમાં મીડિયા કર્મી ઉપર કરવામાં આવેલ હુમલાને સમગ્ર પત્રકાર સંઘર્ષ સમિતી વખોડી કાઢે છે. જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં તો આવે તો વિધાનસભાનો ઘેરાવ જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ પણ આપવામાં આવશે. જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરની ચૂંટણી દરમ્યાન મીડિયા કર્મીઓ ઉપર જે તંત્ર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે લોકશાહી ઉપર વાર છે, કયાં સુધી આવાને આવા હુમલા પત્રકાર મીત્રો ઉપર થતા રહેશે. છેલ્લા ૬ મહિનામાં અંદાજીત ચારથી પાંચ પત્રકારો ઉપર હુમલા થયા. કયાં સુધી આવું ચાલતું રહેશે તેવો સવાલો કર્યા છે. પત્રકારો સુરક્ષિત નથી તો સામાન્ય પ્રજા કયાથી સુરક્ષિત હોય? જો જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે. કયાં સુધી દેશની ચોથી જાગીર ઉપર હુમલાને સાંખી લેવામાં નહિ આવશે. તેમ અમિત પટેલ પ્રમુખ -પત્રકાર સંઘર્ષ સમિતી-ગુજરાત રાજયએ તથા હેમરાજસિંહ વાળા કન્વીનર- પત્રકાર સંઘર્ષ સમિતી-ગુજરાત રાજયએ જણાવ્યુ છે. જૂનાગઢમાં સ્વામી નારાયણ મંદિરની સંતોની ચુંટણીનુ કવરેજ કરવા ગયેલા પત્રકારો મિત્રો અને કેમારામેન સાથે મારામારી અને લાઠીચાર્જ તે અત્યંત નિંદનીય ધટના છે તમામ પત્રકારો મિત્રો તેનો સખ્ત શબ્દોમાં દર્શાવીએ અને આમા હુમલો કરનાર પોલીસ કર્મચારી સામે સખ્તમાં સખ્ત પગલાં ભરે સરકાર સસ્પેન્ડ કરે અને ભવિષ્યમાં પત્રકારો મિત્રો સાથે આવી ઘટના ન બને તેમજ સમગ્ર ઘટનાને હું કડક શબ્દોમાં વખોડુ છુ. અને સાથે એવી માંગ પણ કરૂં છું કે જવાબદાર અધિકારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. તેવી માંગણી રેશ્મા પટેલે કરી છે. એનએસયુઆઇ લોકશાહીનો ચોથો આધારસ્તંભ એટલે પત્રકાર પંરતુ આજે જૂનાગઢમાં ટેમ્પલ બોર્ડની ચુંટણી અર્થે કવરેજ માટે ગયેલા રાજકોટના પત્રકાર મિત્રો ઉપર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ ખુબ જ નિંદનીય છે. એનએસયુઆઈઆ ઘટના સખ્ત વખોડે છે. ગુંડાની જેમ વર્તન કરી રહેલા પોલીસ અધિકારીઓનું વિડીયો ફુટેજ હોવા છતાં કોઈ કાર્યવાહીના કરે અને જો પત્રકારોને અડધી રાતે ધરણા ઉપર બેસવુ પડતુ હોય આ એક ખુબજ દુઃખદ વાત કહેવાય. એનએસયુઆઈ તમામ પત્રકાર મિત્રો સાથે છે અને જરૂર પડયે એનએસયુઆઈની ટીમો જૂનાગઢ એસપી કચેરીએ પત્રકારોના સમર્થનમાં આવશે. તેમ સુરજ ડેર ઉપપ્રમુખ ગુજરાત એનએસયુઆઈરોહિત રાજપુત ઉપપ્રમુખે જાણાવ્યુ છે. જૂનાગઢ ખાતે સ્વામી નારાયણ મંદિરમાં સાધુ ઉપર થયેલ હુમલાની ઘટનાંનું કવરેજ કરવાં ગયેલ મિડીયાનાં પત્રકારો ઉપર પોલીસ દ્વારા વરવી માનસીકતાનું પ્રદર્શન કરી કરાયેલ લાઠીચાર્જ સહીતનાં બળપ્રયોગને ગોંડલ પત્રકાર સંઘનાં પ્રમુખ જીતુભાઈ આચાર્ય, હિમાંશુ પુરોહિત, પિન્ટુ ભોજાણી, ભાવેશ ભોજાણી,ચંદ્રશેખર જયસ્વાલ, હરેશ ગણોદિયા, રાજુભાઈ ટોળીયા, રૂષીભાઈ પંડ્‌યા, નરેશ શેખલીયા, વિશ્વાસ ભોજાણી, નરેન્દ્ર પટેલ, ગૌરાંગ મહેતા, જીતુભાઈ પંડયા સહીતનાં પત્રકારોએ આક્રોશભેર વખોડી ચોથી જાગીર સામે દબંગગીરી દાખવી હિટલરશાહી દાખવનાર પોલીસ કમીઓ ઉપર પગલાં ભરવાં ઉગ્ર રજુઆત કરી ઘટનાંને વખોડી હતી,જીતુભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે ગુંડાગર્દી સામે ગોઠણીયે પડતી પોલીસે મિડીયાને નિશાન બનાવી નાલેશીજનક વર્તાવ કર્યો તે દુઃખદ છે, આ પોલીસ કર્મીઓને શિસ્તનું ભાન કરાવવું જરૂરી છે. જૂનાગઢમાં પત્રકાર અને કેમેરામેન ઉપર પોલીસે કરેલા હુમલો લાઠીચાર્જના બનાવને રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનીક મિડીયા એસો.ના પ્રમુખ સંદિપ બગથરીયા સહિત રાજકોટના પત્રકારો, કેમેરાકેનોએ આ ઘટનાને વખોડીને આક્રોશ ઠાલવ્યો હતો.

Leave A Reply