સિંહનાં રક્ષણ માટે સંયુકત ટાસ્ક ફોર્સની રચના કરી કડક પગલાં લેવાશે

જૂનાગઢ તા.૧૪
એશિયાભરમાં પ્રખ્યાત એવાં સિંહનાં રહેઠાણ સમા ગિર અભ્યારણ્ય વિસ્તારમાં અકુદરતી રીતે સિંહોનાં થતાં મૃત્યું, અકસ્માત, ગેરકાયદેસર લાયન-શો, ગેરકાયદેસર ચાલતી હોટલો તેમજ જંગલમાં બનતા અન્ય ગુનાઓ રોકવા માટે ટાસ્ક ફોર્સની રચના કરી અને કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
જૂનાગઢનાં રેન્જનાં આઈજીપી શ્રી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં મળેલી એક મહત્વની બેઠકમાં જરૂરી સુચનો અને આદેશ જારી કરવામાં આવ્યા હતાં. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિંહનાં રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃતિ અને શંકાસ્પદ લોકોની અવર-જવર ઉપર નિયંત્રણ રાખવા ર૪મી મંથલી મોનીટરીંગ કમિટીની એક મિટીંગ તા.૧૩-પ-ર૦૧૯નાં યોજવામાં આવેલ હતી. આ મિટીંગમાં વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢનાં મુખ્ય સંરક્ષક ડી.ડી.વસાવડા તેમજ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ તેમજ જૂનાગઢ, ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર વગેરે જીલ્લાનાં પોલીસ અધિક્ષક તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર વગેરે વિસ્તારનાં પીજીવીસીએલ વિભાગનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર, એફએસએલ જૂનાગઢ, ભુસ્તર શાસ્ત્રીશ્રી ખાણ ખનીજ ખાતાનાં અધિકારીઓ, જીલ્લાશ્રમ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગનાં કાર્યપાલક ઈજનરેશ્રીઓ તેમજ પશ્વિમ રેલ્વેનાં અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતાં. આ મિટીંગમાં ગત મિટીંગમાં લેવાયેલ નિર્ણયોની અમલવારી અને સમીક્ષા કર્યા બાદ સિંહના રક્ષણ માટે પોલીસ, ફોરેસ્ટ તથા પીજીવીસીએલનાં અધિકારીઓનું સંયુકત પેટ્રોલીંગ ગોઠવવા, રેલ્વે ટ્રેક ઉપર સિંહોનાં મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખી રેલ્વે ટ્રેક ઉપર ફાઈબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રેનનાં ચાલકને અગાઉથી જ એલાર્મ દ્વારા સિંહનાં આવન-જાવન અંગે સતર્ક કરી આવા અકસ્માતો નિવારવા નિર્ણય લેવામાં આવેલ છે અને ચંદનનાં લાકડાની ચોરીનાં બનાવો અંગે તથા જંગલમાં બનતા અન્ય ગુનાઓ રોકવા માટે જૂનાગઢ અને ગિર-સોમનાથ જીલ્લાનાં પોલીસ અધિક્ષકશ્રી, વનસંરક્ષકશ્રી, વન્ય પ્રાણી રક્ષણની સંયુકત ટાસ્ક ફોર્સની રચના કરી અને કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ગેરકાયદેસર ચાલતી હોટલો તથા ગેરકાયદેસર લાયન શો રોકવા માટે જીલ્લા કલેકટર સહિત સંબંધિત વિભાગનાં અધિકારીઓને તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી તેમ એક યાદીમાં જણાવેલ છે.

Leave A Reply