Tuesday, January 28

જૂનાગઢમાં મિડીયા ઉપર હુમલાનાં બનાવનાં પગલે પીએસઆઈ સહિત ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરાયાં

જૂનાગઢ તા.૧૪
જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે હોબાળો થતા તેનું કવરેજ લેવા ગયેલા મીડિયાકર્મી ઉપર પોલીસે લાઠીચાર્જ કરીને ગેરવર્તન કર્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને આ મામલે જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી અને રાજ્યભરમાં આવેદનપત્રો પાઠવવામાં આવ્યાં હતા. દરમ્યાન આ બનાવનાં અનુસંધાને રાજયસરકારને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણની તપાસ માંગરોળનાં એએસપી રવિ તેજાને સોંપવામાં આવી હતી. આ બનાવનાં વિડીયો ફુટેજ અને દાર્શનીક પુરાવા તેમજ સંબંધિતોનાં નિવેદન લઈ અને ત્યારબાદ ગઈકાલે જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફનાં પીએસઆઈ જે.પી.ગોસાઈ અને કોન્સ્ટેબલ ભરત એ.ચાવડા અને કોન્સ્ટેબલ વિજય એમ.બાબરીયાને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.ગઈકાલે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જે બન્યું તે દુઃખદ છે. પગલાં લેવાય ગયા છે. પ્રેસ અને પોલીસ એક બીજાના પર્યાય છે. આ ઘટનાને દુઃસ્વપ્ન ગણીને ભૂલી જવાની છે. પોલીસ અને પ્રેસમિત્રોએ રાગદ્વેષ ન રાખી પરસ્પર સંકલનમાં રહીને કામ કરવાં અપીલ કરી હતી. જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પોલીસે જે બળ પ્રયોગ કર્યો છે તે કેમેય ચલાવી ન લેવાય ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવ ન બને તે માટે તકેદારી રાખવી જાઈએ. જે ઘટના બની છે તેની રાજય સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લીધી છે અને જવાબદારો સામે કાર્યવાહીનાં ભાગરૂપે પગલાં પણ લેવાયાં છે. જેમાં એક પીએસઆઈ સહિત ત્રણ કર્મચારીઓને ફરજમોફુક કરાયાં છે. પોલીસ અને પત્રકાર સમાજનું એક અવિભાજ્ય અંગ છે. પત્રકાર સમાજની સત્ય ઘટના જાહેર કરે છે અને પોલીસ સમાજનું રક્ષણ કરે છે.

Leave A Reply