Tuesday, July 16

ગિરનારનાં જંગલમાંથી ચંદનનાં વૃક્ષ કટીંગ અંગે ૧ર શંકાસ્પદ મહિલા અને ર૮ બાળકોને રાઉન્ડઅપ કરાયાં

જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ નજીક આવેલાં ગિરનારનાં જંગલમાંથી ચંદનનાં વૃક્ષનાં કટીંગનાં બનાવો અવારનવાર બનતાં હોય છે આ દરમ્યાન ચંદનનાં વૃક્ષ કટીંગ અંગે ૧ર મહિલા અને ર૮ બાળકોને રાઉન્ડઅપ કરી તેની પુછપરછ કરવામાં આવી છે. ગિરનાર જંગલમાંથી છેલ્લાં એક સપ્તાહ અગાઉ મધ્યપ્રદેશથી ગેંગે ચંદનનાં વૃક્ષોનું કટીંગ કર્યાની હકીકતો પ્રકાશમાં આવતાં જૂનાગઢ વનવિભાગ ચોંકી ઉઠયો હતો અને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં હાલ દોલતપરામાં તસ્કર ગેંગની હોવાની શંકાનાં આધારે વનવિભાગે મહિલાઓને રાઉન્ડ અપ કરી છે.
ગિરનાર જંગલની દક્ષિણ ડુંગર રેન્જનાં જંગલમાંથી ચંદનનાં વૃક્ષોનું કટીંગ થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપીઓ મધ્યપ્રદેશ તરફનાં હોવાની આશંકાનાં આધારે વનવિભાગેએ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
દરમ્યાન આજે વનવિભાગે દોલતપરામાં દિપક પેટ્રોલપંપથી થોડે આગળ એક બંધ મીલનાં ગ્રાઉન્ડમાં પડ્યા પાથર્યા રહેતાં લોકોનાં દંગામાં તપાસ કરી હતી. જેમાં ચંદનનાં લાકડાનાં કેટલાક છોડીયાં મળી આવ્યા હતાં. આથી તેઓની પુછપરછ કરતાં તેમનાં પુરૂષોએ લાવ્યા હોવાની વિગતો આપી હતી. વનવિભાગનાં કર્મચારીઓ ત્રાટક્યા એ વખતે ર-૩ મહિલાઓ દાતાર તરફ રેકી કરવા ગઈ હતી. તો બે મહિલાઓ માળા-કંઠી વેચવા ગઈ હતી. જયારે બે લોકો તેની પાછળ રેકી કરતા હતા. વનવિભાગને તેઓ પાસેથી ૧૩ મોબાઈલો મળી આવ્યા હતા. કુલ ૧ર મહિલા અને ર૮ છોકરાઓ જ અહીં હતા અને ચંદનનાં લાકડા સહિતનો મુદ્દામાલ લઈને મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આથી જૂનાગઢ વનવિભાગે તુરંત પોલીસની મદદ માંગી હતી. આથી એલસીબી, ડી સ્ટાફ, એન્ટી રોમિયો સ્કવોડ સહિતની ટુકડીઓએ કબ્જે કરાયેલા મોબાઈલ ફોન ઉપરથી આરોપીઓનું પગેરૂં દબાવવાની તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન આ મહિલાઓ આખી ચંદનની તસ્કર ટોળકીનો જ ભાગ હોવાની આશંકાનાં આધારે તેઓને રાઉન્ડ અપ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

Leave A Reply