Tuesday, January 28

જૂનાગઢમાં તૈયાર થયેલો અદ્યતન ટાઉનહોલ તત્કાલ શરૂ કરવા માંગણી

જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મસમોટા ખર્ચે પ્રજાની સુવિધા માટે અદ્યતન શામળદાસ ગાંધી ટાઉનહોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટાઉનહોલ છેલ્લાં ૬ માસથી તૈયાર થઈ ચુકયો છે જેનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું. પરંતુ ઉદ્‌ઘાટન બાદ તેને ફરી તાળા મારી દેવામાં આવ્યા છે ત્યારે જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલ સત્વરે શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ મનપાનાં સ્થાયી સમિતિનાં પૂર્વ ચેરમેન સંજય કોરડીયાએ મ્યુ.કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે મનપા દ્વારા રાજય સરકારની ગ્રાન્ટમાંથી મસમોટા ખર્ચમાંથી બનાવેલ આ ટાઉનહોલ જનતાની સુવિધા માટે તૈયાર કરાયો હતો. ટેન્ડરની જોગવાઈઓને નેવે મુકીને ટાઉનહોલની ઘણી સામગ્રીઓ ખરીદી લગાવવામાં આવી છે. જો પ્રજા માટે ટાઉનહોલ ખુલ્લો મુકાય તો તેમાં સારા કાર્યક્રમો તેમજ ઉત્તમકક્ષાનાં મોટીવેશન સેમીનારો યોજી શકાય તેમ છે. તેમ છતાં હાલ છેલ્લાં ૬ માસથી આ ટાઉનહોલ તૈયાર હોવા છતાં પ્રજા માટે શા માટે ખુલ્લો મુકાયો નથી ? સંબંધિતો કયાં મુર્હુતની રાહ જાવે છે ? તેવા વેધક સવાલો સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટાઉનહોલમાં ટેન્ડર નિવીદા વિરૂધ્ધ લગાવવામાં આવેલ સામગ્રી જવાબદાર અધિકારીનાં ખર્ચે અને જોખમે બદલાવી આગામી ૧પ દિવસમાં પ્રજા માટે ખુલ્લો મુકવામાં નહિં આવે તો વડાપ્રધાનને રજુઆત કરવામાં આવશે તેવી પત્રનાં અંતે ચિમકી ઉચ્ચારી છે.

Leave A Reply