Saturday, October 19

૧૭મી લોકસભાની ચુંટણીએ મતદારોની પણ કરી છે આકરી કસોટી

જૂનાગઢ તા.૧૮
લોકસભાની ચુંટણીનાં અંતિમ તબક્કાનું આવતીકાલે મતદાન યોજાઈ રહ્યું છે અને આજે પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. એક માસ કરતાં પણ ઘણાં સમયથી લોકસભાની ચુંટણીની તૈયારી કરી રહેલાં રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે આ ચુંટણી આખરી કસોટી સમાન બની ગઈ છે. તો સાથે જ લોકસભાની ચુંટણી મતદારો માટે પણ ખરેખરી કસોટી સમી બની ગઈ હતી. દેશમાં કોંગ્રેસ પ્રેરીત સરકારોનાં શાસન વચ્ચે જનતા જનાર્દન ઘણાં વર્ષનો સમયગાળો પસાર કર્યો હતો અને છેલ્લાં પાંચ વર્ષથી લોકો જેને યુગપુરૂષ કહે છે તેવા નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની ભાજપ સરકારનું શાસન રહ્યું હતું અને હવે ર૦૧૯ની ચુંટણીમાં મતદારોએ તફાવત સર્જી અને સાચા અને લોકોનાં હિતેચ્છુ ઉમેદવારોને પસંદ કરવા માટેની તક પ્રાપ્ત થઈ હતી. ત્યારે મતદારોની પણ સાચે જ કસોટી થઈ છે. આગામી તા.ર૩ મેનાં ચુંટણી અંગેનાં પરિણામો જાહેર થનાર છે ત્યારે સંબંધિત તમામની મીંટ મંડાઈ રહી છે.
દેશભરમાં ૬૦ વર્ષ ઉપરાંત કોંગ્રેસનું શાસન રહ્યાં બાદ લોકોએ એક તક ભાજપને આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની કેન્દ્રમાં સરકાર રચવામાં આવી હતી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. કોંગ્રેસનાં શાસનમાં જેમ ભ્રષ્ટાચારનાં ભોરીંગ આભડી જતાં હતાં તેમ ભાજપનાં સત્તાધીશો પણ કાંઈ કોરેકાટ નથી. તેમની સામે પણ આક્ષેપો થઈ રહયા છે. તેમનાં શાસન દરમ્યાન પણ અનેક પ્રકારનાં કૌભાંડો બહાર આવ્યા છે. સૌથી મોટું આર્થિક કૌભાંડ જો કોઈ થયું હોય તો ભાજપનાં શાસનમાં થયું હોવાની ખુલ્લેઆમ લોકો ચર્ચા કરી રહ્યાં છે. મોટાભાગની જમીનો ઉદ્યોગપતિનાં ચરણે ધરી દેવામાં આવી છે, મગફળી કૌભાંડ, તુવેરદાળ કૌભાંડ, ખાતર કૌભાંડ, નોટબંધી, બિયારણ કૌભાંડ સહિતની કસોટીમાંથી જનતા પસાર થઈ છે અને આ પાંચ વર્ષમાં જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનાં ભાવો આસમાને આંબી ગયા છે અને તેવાં સંજાગોમાં ર૦૧૯ની લોકસભાની ચુંટણી આવી પડતાં રાજકીય પક્ષો તો આ ચુંટણીને ભરીપીવાં માટે કટિબધ્ધ બન્યાં હતાં. પરંતુ આ ચુંટણીમાં મોટાભાગે મતદારો ચુંટણી પ્રચાર, ચુંટણી સભાઓ તથા પક્ષીય દરેક પ્રકારની પ્રચાર ઝુંબેશથી બાકાત રહ્યાં હતાં અને મતદારોએ ગંભીર પ્રકારની ચુપકિદી સેવી લીધી હતી. આજે જ્યારે ચુંટણી કાર્ય સમાપનનાં આરે છે અને આવતીકાલે લોકસભાની ચુંટણીનો સાતમો અંતિમ તબક્કો યોજાઈ રહ્યો છે અને ત્યારબાદ ર૩મે એ લોકસભાની ચુંટણીનું પરિણામ જાહેર થવાનું છે તેવા સંજાગોમાં મતદારોએ કોની તરફેણમાં મતદાન કર્યું છે અને મતદારો અને જનતા-જનાર્દનનો ફેંસલો કોનાં તરફ છે ? તે તરફ સૌની મીંટ મંડાયેલી છે.

Leave A Reply