Monday, June 17

મહાનગરપાલિકાની જાંબાઝ ટીમ પ્લાસ્ટીકનો જથ્થો તો જપ્ત કરે છે પરંતુ પકડાયેલો માલ ક્યાં જાય છે ? ભગવાન જાણે….


જૂનાગઢ તા.૧૮
જૂનાગઢ મહાનગર પાલિકાની ટીમ દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટિકનાં જથ્થાઓ ઝડપી લેવામાં આવે છે અને વેપારીઓને દંડ પણ કરવામાં આવે છે. પરંતુ અત્યાર સુધીમાં જપ્ત કરેલાં પ્લાસ્ટીકનાં ઝબલાં, થેલી સહિતનાં જથ્થાઓનું શું કરવામાં આવ્યું તે કોઈ વિગતો જનતા જનાર્દન સમક્ષ મુકવામાં આવતી નથી. ફકતને ફકત ટીમ દ્વારા ચેકીંગ કાર્ય હાથ ધરવામાં આવે અને વેપારીઓને દંડ કરવામાં આવે તેવી અખબારી યાદીઓ પ્રસિધ્ધ થાય છે. ગઈકાલે પણ મહાનગરપાલિકાની ટીમે મહાલક્ષ્મી સ્ટ્રીટ અને દાણાપીઠ વિસ્તારમાં પ્લાસ્ટીક થેલીનાં હોલેસેલ વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ્‌ં અને પ્રતિબંધીત પ્લાસ્ટીક વેચનારાઓ વેપારીઓ ઉપર દંડનાત્મક કાર્યવાહી કરી અને ૩૬ હજાર જેવો દંડ વસુલ કરવામાં આવેલ છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનાં ઈન્ચાર્જ કમિશ્નર સૌરભ પારઘીની સુચના અને નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાનાં માર્ગદર્શન હેઠળ મનપા સ્ટાફ દ્વારા જૂનાગઢ શહેરમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં મહાલક્ષ્મી સ્ટ્રીટ દાણાપીઠમાં પ્લાસ્ટીકની થેલીઓનાં હોલસેલનાં વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં જલારામ એન્ટરપ્રાઈઝમાંથી રૂ.૧૧ હજાર, મહાલક્ષ્મી પ્લાસ્ટીકમાંથી રૂ.૧૧ હજાર, શ્રી નાથજી પ્લાસ્ટીકમાંથી રૂ.૧૧ હજાર અને આ સીવાય છુટક વેપારીઓને ત્યાંથી રૂ.૩૦૦૦ મળી કુલ રૂ.૩૬ હજારનો દંડ વસુલવામાં આવ્યો અને ૮૦ કિલો જેટલું પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટીક પ્રતિબંધીત નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો આકરા દંડ ફટકારવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી. વેપારીઓને અપીલ કરતાં મહાનગરપાલિકાનાં કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું કે બાયલોજમાં પ્લાસ્ટીક બનાવવાની શરતોની અવગણના કરવામાં રૂ.પ હજારથી માંડી રૂ.૧ લાખ સુધીનો દંડ અને પ્રતિબંધીત પ્લાસ્ટીક બેગ કોઈપણ ગ્રાહકને મફતમાં આપવા બાબતે પણ રૂ.પ૦૦ થી રૂ.પ હજાર સુધીનો દંડ થઈ શકે છે તેમ જણાવ્યું હતું.
કોઈ પણ કાયદાનું પાલન કરવું તે આમ નાગરીકની ફરજ છે પરંતુ જૂનાગઢ શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ મોટાભાગની દુકાનો કે અન્ય વેચાણ કેન્દ્રો ઉપર ગ્રાહકોને પ્લાસ્ટીક થેલી, ઝબલાં આપવામાં આવતાં હોય છે એટલું જ નહીં ગ્રાહકો પણ પોતાની ઘરેથી થેલી કે અન્ય વસ્તુઓ લઈ જતાં ન હોય અને જેથી વેપારીઓ પાસેથી થેલી અથવા ઝબલાંનો આગ્રહ રાખતાં હોય છે તો બીજી તરફ સંબંધિત સતાવાળાઓ દ્વારા સમયાંતરે ગણ્યાં-ગાઠ્યાં વેપારીઓને ત્યાં જ ચેકીંગ થતું હોય છે જયારે અન્ય લોકો પાસેથી વસુલી થતી હોવાની ચોંકાવનારી ફરીયાદો મળવા પામી છે. વધુમાં નિયમોનું પાલન જા કડક રીતે થાય તો દરેક માટે સારૂં જ છે. અવારનવાર મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. પ્લાસ્ટીકનાં ઝબલાં, પ્લાસ્ટીકની બેગો સહિતનો મુદ્દામાલ જપ્ત થતો હોય છે. પરંતુ આવી ચીજ-વસ્તુ કે જપ્ત કરાયેલાં પ્લાસ્ટીકનાં માલનું આજદિન સુધી શું થયું ? તે અંગે કોઈ ખબર આમજનતાને નથી. જેથી આવા માલનું શું કરવામાં આવતું હશે ? તેવો સવાલ પણ આમજનતામાંથી ઉઠી રહ્યો છે.

Leave A Reply