Saturday, October 19

આવતીકાલે ધો. ૧૦નું પરિણામ : વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા

જૂનાગઢ તા.૨૦
આવતીકાલે જૂનાગઢ સહિત ગુજરાતના સાડા અગીયાર લાખ છાત્રોનું પરિણામ જાહેર થનાર છે. આવતીકાલે સવારે ૮ કલાકે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર થનાર છે. છાત્રોમાં ઉત્સુકતા છવાઇ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી જણાવે છે કે, માર્ચ-૨૦૧૯માં લેવાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૨૧ને મંગળવારના રોજ સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર ઓનલાઇન મુકવામાં આવશે. જેની વાલીઓ – વિદ્યાર્થીઓએ નોંધ લેવા અપીલ કરી છે. વધુમાં જણાવવાનું કે ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમાના માર્ચ-૨૦૧૯ના ઉમેદવારોના ગુણપત્રકોનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલ વિતરણ સ્થળો ખાતે તા.૨૧ને મંગળવારના રોજ સવારે ૧૧ કલાકથી ૧૬ કલાક દરમ્યાન થનાર છે. રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યઓએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ૭ માર્ચે લેવાયેલ ધો.૧૦ની પરીક્ષા તા.૧૯ માર્ચ સુધી ચાલી હતી. ધો.૧૦ની પરીક્ષા અમરેલી જિલ્લામાં ૨૭૪૬૪, કચ્છ ૩૪૭૬૧, જામનગર જિલ્લો ૨૨૩૨૬, જૂનાગઢ જિલ્લો ૩૫૦૮૭, રાજકોટ જિલ્લો ૫૭૬૬૭, સુરેન્દ્રનગર જિલ્લો ૨૯૫૬૫, પોરબંદર જિલ્લો ૧૧૭૩૧, બોટાદ જિલ્લો ૧૪૫૧૬, દેવભૂમિ દ્વારકા જિલ્લો ૧૧૫૬૬, ગીર સોમનાથ જિલ્લો ૨૫૦૫૨ અને મોરબી જિલ્લામાં કુલ ૧૬૮૫૫ છાત્રોએ પરીક્ષા આપી હતી.

Leave A Reply