Saturday, October 19

જૂનાગઢમાં લોહાણા યુવાનની ઘાતકી હત્યા : ૭ આરોપીઓ સામે નોંધાયેલી ફરીયાદ

જૂનાગઢ તા.૨૦
જૂનાગઢમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની ગંભીર પરિસ્થિતિમાં વધુ એક ગંભીર બનાવ બનવા પામેલ છે જેમાં ઘર લોનના બાકી હપ્તા ચડી જતાં તેની રીકવરી કરવા જતાં બનેલા બનાવમાં ખાનગી બેંકના રીકવરી કર્મચારી અને તેના ભાઈ ઉપર ૭ શખ્સોએ જીવલેણ હુમલો કરી મોતના ઘાટ ઉતારી દીધેલના પગલે શહેરભરમાં સન્નાટો પ્રસરી ગયેલ હતો. દરમ્યાન ઈજાગ્રસ્ત યુવાનના ફરીયાદના આધારે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જલારામ સોસાયટીની પાછળના ભાગે, દુર્વેશનગર, આલ્ફા સ્કૂલની બાજુમાં, પટેલના મકાનમાં રહેતાં ચિરાગભાઈ અશોકભાઈ વિઠ્ઠલાણી (ઉ.વ.૩૪)એ રવિભાઈ સંજયભાઈ લહેરૂ, સંજયભાઈ લહેરૂ, રવિ લહેરૂનો ભાઈ, ધાર્મિકભાઈ લહેરૂ, હારૂનભાઈ તથા બે અજાણ્યા માણસો વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવેલ છે કે, આ કામના ફરીયાદી એચ.ડી.બી. ખાનગી ફાઈનાન્સમાં રીકવરી વિભાગમાં નોકરી કરતાં હોય અને આ કામના આરોપી સંજયભાઈ લહેરૂએ એચ.ડી.બી. ફાઈનાન્સથી આશરે રૂપિયા બે લાખની પર્સનલ લોન લીધેલ હોય જેના ત્રણ હપ્તા ચડી જતાં ફરીયાદી લોન રિકવરી કરવા ગયેલ જેથી તે અંગેનું મનદુઃખ રાખી આરોપી રવિ સંજય લહેરૂ તથા સંજય લહેરૂએ આગોતરૂ આયોજન કરી અને આમ આ સાતેય આરોપીઓએ પોતાનો સમાન ઈરાદો બર લાવવા તમામ આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી ધારીયું, છરી, લોખંડનો પાઈપ, લાકડાનાં ધોકા જેવા જીવલેણ હથિયારો ધારણ કરી ફરીયાદીને બિભત્સ શબ્દો કહી ફરીયાદીને ડાબા પગ તથા ડાબા હાથમાં ગંભીર ફ્રેકચર ઈજા તથા શરીરે મુંઢ ઈજા પહોંચાડી અને ફરીયાદીના ભાઈ હાર્દિકભાઈ વિઠ્ઠલાણી વચ્ચે પડતાં તેને પણ પણ આરોપીઓએ લોખંડનો પાઈપ માથામાં મારી તથા છરીથી ઈજાઓ કરી તથા લાકડાનાં ધોકા અને ધારીયાથી માર મારી મારી નાખવાના ઈરાદે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યુ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ-૩૦ર, ૩ર૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, પ૦૪, પ૦૬(ર), ૧ર૦(બી), ૩૪, જીપીએ કલમ-૧૩પ અંતર્ગત ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હત્યાનાં બનાવને ૪૦ કલાક જેવો સમય થયો છે તેમ છતાં હજુ સુધી આરોપીઓ ઝડપાયા ન હોય તેથી તેમનાં પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો ન હોવાનું જાણવા મળે છે.

જૂનાગઢમાં લોહાણા યુવાનની હત્યાનાં બનાવને વખોડી કાઢી હત્યારાઓને ઝડપી લેવા લોહાણા રઘુવંશી સમાજે એસપીને આપ્યું આવેદનપત્ર
જૂનાગઢ શહેરમાં લોહાણા યુવાન હાર્દિકભાઈ વિઠ્ઠલાણી અને ચિરાગભાઈ વિઠ્ઠલાણી ઉપર જીવલેણ હુમલાનાં બનાવનાં ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલાં હાર્દિક વિઠ્ઠલાણીનું મૃત્યું થયું છે જયારે ચિરાગ વિઠ્ઠલાણીની સ્થીતી નાજુક છે ત્યારે આ બનાવને લોહાણા સમાજે વખોડી કાઢેલ છે અને આજરોજ જાગનાથ મહાદેવ મંદિર ખાતેથી લોહાણા સમાજનાં અગ્રણીઓ એકત્રીત થયાં હતા અને જૂનાગઢ જીલ્લા પોલીસવડાને વિશાળ સંખ્યામાં એક આવેદનપત્ર પાઠવી અને તાત્કાલીક અસરથી હાર્દિક વિઠ્ઠલાણીનાં હત્યારાઓને ઝડપી લઈ તેમની સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી હતી.

Leave A Reply