Saturday, October 19

જૂનાગઢમાં લોહાણા યુવાનની હત્યામાં સંડોવાયેલાં પિતા-પુત્રની ધરપકડ : ૧ દિવસનાં રિમાન્ડ ઉપર

જૂનાગઢમાં ગત શનિવારે લોહાણા યુવાનની થયેલી હત્યા કેસનાં બે આરોપીની પોલીસે ધરપકડ કરી અને રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવતાં ૧ દિવસનાં રિમાન્ડ મંજુર થતાં તેમની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એચડીબી ફાયનાન્સનાં રિકવરી કર્મચારી ચિરાગ વિઠ્ઠલાણી અને તેનાં ભાઈ હાર્દિક વિઠ્ઠલાણી ઉપર ગત શનિવારે જીવલેણ હુમલો થયો હતો. જેમાં હાર્દિક વિઠ્ઠલાણીનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યું થયું હતું. જયારે તેનાં ભાઈ ચિરાગભાઈ વિઠ્ઠલાણીને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ દરમ્યાન આ બનાવને પગલે સોરઠ પંથકમાં લોહાણા રઘુવંશી સમાજમાં ભારે રોષની લાગણી પ્રગટી હતી. તેમજ જૂનાગઢ અને વેરાવળ લોહાણા સમાજનાં આગેવાનોએ આવેદનપત્ર આપી અને આરોપીને કડક સજાની માંગણી કરી હતી. જયારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીને ઝડપી લેવાની ખાતરી આપ્યા બાદ મૃતકનાં પરિવારજનોએ હાર્દિક વિઠ્ઠલાણીનો મૃતદેહ સ્વિકારી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ બનાવનાં અનુસંધાને જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસવડા સૌરભસિંઘ અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટુકડીઓ કાર્યરત બની અને આ હત્યા કેસનાં ફરાર આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. આ દરમ્યાન જૂનાગઢ એસઓજીની ટીમને મળેલ બાતમીનાં આધારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી પંકિતભાઈ ઉર્ફે રવિ સંજયભાઈ લહેરૂ તથા સંજયભાઈ મધુસુદનભાઈ લહેરૂ આ પિતા-પુત્રને ઝડપી લીધેલ તેમની પાસેથી બનાવ વખતે પહેરેલા કપડાં કબ્જે કરવામાં આવેલ છે તેમજ આ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ ધારિયું કબ્જે કરેલ છે. આ બંને પિતા-પુત્રની પુછપરછ હાથ ધરવામાં આવી હતી અને ૩ દિવસનાં રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવતાં ૧ દિવસનાં રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. જેની ઉંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી છે આ બનાવની વધુ તપાસ પીએસઆઈ આર.બી.સોલંકી ચલાવી રહ્યાં છે.

Leave A Reply