Saturday, October 19

જૂનાગઢ શહેર જીલ્લામાં ગેરકાયદેસર ધોરણે ચાલતાં ખાનગી શિક્ષણધામો અને ટયુશનનાં હાટડાં ખરેખર બંધ થશે ખરાં…?

જૂનાગઢ તા.રપ
સુરત શહેરમાં તંત્રની બેદરકારી અને કુંભકર્ણ સમી ઉંઘમાં સતત સુતાં રહેલાં તંત્રએ કોઈ જાગૃતિ દાખવી નહીં અને તેનો ર૧ થી વધુ બાળકો ભોગ બન્યાં છે ત્યારે સમગ્ર ગુજરાતમાં હાહાકાર વ્યાપી ગયો છે. પ્રચંડ અને ભીષણ લાગેલી આગમાં આ બાળકોનો ભોગ લેવાયો છે ત્યારે બેદરકારી સામે કોને સજા થશે ? તે સવાલ આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. સુરત જેવી ઘટનાં અન્ય કોઈ પણ શહેરમાં ન બને તે માટે વિવિધ વિભાગની ટીમોએ અનેક શહેરોમાં ચેકીંગની કાર્યવાહી શરૂ કરી છે. જો કે કોઈ દુર્ઘટના બને ત્યારબાદ જ તંત્ર જાગતું હોય છે અને બે-પાંચ દિવસ પુરતાં ચેકીંગમાં ધમધમે છે અને ત્યારબાદ સિસ્ટમ ફરીથી આખી ગોઠવાઈ જતી હોય છે પરંતુ આ વખતે ગુજરાતની જનતા આવું ચલાવી નહીં લ્યે તેવો વાલીઓનો વિરોધ ઉઠયો છે. જે પણ ટયુશન કલાસીસો કે શાળાઓમાં નિયમાનુસાર સુવિધાઓ નહીં હોય કે ફાયર સેફટી માટેનાં વિકલ્પ નહીં હોય તો આવી શાળાઓ કે ટયુશન કલાસીસોને સીલ મારી દેવા જાઈએ તેવી લાગણી અને માંગણી પ્રજામાંથી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં બિલાડીનાં ટોપની માફક ગલીએ-ગલીએ શિક્ષણનાં હાટડાં મંડાયેલાં છે અનેક ખાનગી શાળાઓ એવી છે કે જ્યાં પુરતી સુવિધાનો અભાવ છે. શાળા પાસે રમત-ગમત માટેનું મેદાન નથી, ફાયર સેફટી માટેનાં કોઈ સાધનો નથી તેમજ અનેક ટયુશન કલાસો એવા છે કે આ કલાસીસોમાં વિદ્યાર્થીઓને જવું હોય તો પણ દિવસે પણ ડર લાગે તેવાં અંધારીયા ખુણામાં ટયુશન કલાસીસો ધમધમી રહ્યાં છે. આજે વાલીઓનાં મનમાં એવું ભુસું ભરાવી દિધું છે કે તમારા બાળકોને જો સારી રીતે સુખી કરવા હોય તો એને વિજ્ઞાન પ્રવાહમાં જ મોકલવા જાઈએ. જાણે બીજી બધી લાઈનો જાણે બંધ થઈ ગઈ હોય તેવું કરી દીધું છે. મોટા ભાગનો પ્રવાહ આજે વિજ્ઞાન પ્રવાહ તરફ ખેંચાય છે ત્યારે ચોકકસ પ્રકારની શાળાઓ અને ટયુશન કલાસીસોને બખ્ખાં થઈ ગયાં છે અને ઉંચી ટયુશન ફી રાખવામાં આવે છે. શાળાઓમાં માત્રને માત્ર વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન થતું હોય છે અને ત્યારબાદ આ વિદ્યાર્થીઓને સારાં ગાઈડસની જરૂર પડતી હોય છે અને એનાં માટે નામાંકિત ટયુશન કલાસીસો નાણાં લઈ અને સેવા આપવા તૈયાર હોય છે અને હવે તો રવિવારે પણ શાળાઓ અને ટયુશન કલાસીસો ધમધમતાં થઈ ગયાં છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં અનેક શાળાઓ રાત્રે ન વધે તેટલી દિવસે વધી ગઈ છે. એ જ પ્રમાણે ટયુશન કલાસીસો પણ દિવસે-દિવસે વધી રહ્યાં છે. ખાસ જોવા જઈએ તો અમુક ટયુશન કલાસીસોમાં તો વિદ્યાર્થીઓને જ્ઞાન આપનારા ટ્યુટરો ગ્રેજયુએટ પણ થયાં નથી હોતાં ! અને આની જાણ સંબંધિત તંત્રને પણ હોય છે તેમ છતાં કલાસીસોમાં કોઈપણ કવોલિફિકેશન નડતું નથી હોતું તેમજ વિદ્યાર્થીઓનાં વાલીઓ તો બિચારાં આ બાબતથી સાવ બેખબર હોય છે. વધુમાં જૂનાગઢ શહેર તથા જીલ્લામાં ગેરકાયદેસર નિયમોની વિરૂધ્ધ ચાલતાં ટયુશન કલાસીસો અને શાળાઓ સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠવા પામી છે. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં કરનારા શિક્ષણ ગુરૂઓને કાયદાનાં સકંજામાં લેવા પણ લોકો ઈચ્છી રહ્યાં છે.
છેલ્લે….છેલ્લે….
• જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલાં બહુમાળી ભવનોમાં આવેલ નાનકડી ખોબાં જેવી દુકાનોમાં પણ હવે ટયુશન કલાસીસોનાં હાટડાં શરૂ થઈ રહ્યાં છે અને આવા ટયુશન કલાસીસોનાં હાટડાં ગલીએ-ગલીએ જોવા મળે છે જે બંધ કરાવવા જોઈએ. આવાં ટયુશન કલાસીસોમાં કોઈ પણ જાતની સુવિધા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થતી નથી હોતી. હવા ઉજાશની પણ મુશ્કેલી સર્જાતી હોય છે.
• શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં શા માટે જવું પડે છે ?
આજે જૂનાગઢ જીલ્લાની અનેક શાળાઓ એવી છે કે જ્યાં ઉંચી ફી દઈ વિદ્યાર્થી અભ્યાસ કરે છે પરંતુ આવા વિદ્યાર્થીઓને ફરજીયાત ટયુશન ખાનગી ટયુશન કલાસીસો પાસે રાખવું પડે છે કારણ કે શાળાઓ પાસે લેટેસ્ટ સાહિત્ય ઉપલબ્ધ નથી હોતું તેવું સાહિત્ય અનેક ટયુશન કલાસીસો પાસે હોય છે તો તેનું કારણ શું ? શું શાળામાં પુરતો અભ્યાસ પાઠય પુસ્તકનાં આધારે ભણાવાતો નથી. શાળા સંચાલકો સાથે ટયુશન કલાસીસનાં સંચાલકોની સાંઠગાંઠ હોવાથી ચોકકસ કલાસીસની મોનોપોલીસ પ્રમાણે બેફામ ફી ઉઘરાવે છે તેવો સવાલ પણ આજે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Leave A Reply