જૂનાગઢ જીલ્લાનું ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ પપ.૩ર ટકા

જૂનાગઢ તા.રપ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૯માં લેવામાં આવેલી ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે ત્યારે જૂનાગઢ જીલ્લાનું પરિણામ પપ.૩ર ટકા આવ્યું છે. આ પરિણામને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓને ફરી એકવાર વિચારતાં કરી દેવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લાની સ્થિતિ જોઈએ તો જૂનાગઢ શહેર જીલ્લામાં ધો.૧ર સામાન્ય પ્રવાહનું પપ.૩ર ટકા પરિણામ છે જ્યારે જૂનાગઢ જીલ્લામાં એ-વન ગ્રેડમાં ૧૧ વિદ્યાર્થી, એ-ટુ ગ્રેડમાં ર૬૦ વિદ્યાર્થી, બી-વન ગ્રેડમાં ૯૯૪ વિદ્યાર્થી, બી-ટુ ગ્રેડમાં ૧૯૧૧, સી-વન ગ્રેડમાં ર૦૯પ, સી-ટુ ગ્રેડમાં ૧૧પ૦, ડી ગ્રેડમાં ૧૦૬ તેમજ ઈ-વન ગ્રેડમાં ૬ વિદ્યાર્થીઓ સામેલ છે. આજે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વેબસાઈટ ઉપર મુકવામાં આવતાં પરિણામ જાણવા માટે વેબસાઈટનો પણ ઉપયોગ કર્યો હતો. તેમજ જૂનાગઢ શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ મેળવવા પહોંચી ગયા હતા. જૂનાગઢ શહેરમાં સૌથી વધારે જો કોઈ વ્યવસાય વધારે ચાલી રહ્યો હોય તો ટયુશન કલાસીસ અને શૈક્ષણિક સંસ્થાઓનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં વાલીઓ પોતાનાં બાળકોને ખુબ જ ઉંચી ફી સાથે ટયુશન કલાસીસમાં શિક્ષણ મેળવવા મોકલતાં હોય છે તેમજ શાળાઓમાં પણ ઉંચી ફી ભરી અને નામાંકિત સ્કુલમાં ભરતી કરવામાં આવે છે.
પેટે પાટા બાંધીને વાલીઓએ ફી ભરી હોય છે પરંતુ ૧૦૦ વિદ્યાર્થીઓમાંથી માત્ર બે થી ત્રણ વિદ્યાર્થીઓજ ટોપર બનતાં હોય છે જયારે બાકીનાં ૯૭ વિદ્યાર્થીઓએ પૈસા ઉછી-ઉધારા કરીને જે ફી ભરી છે તે ફી ઉપર ટયુશન કલાસીસો વાળાં જલ્સાં કરે છે. ટયુશન સંચાલકો દર વર્ષે વર્લ્ડ ટુરની મોજ માણી આવીને આઈટીની નજરથી બચી રહયા છે તેવી વ્યાપક ફરીયાદો લોકોમાં ઉઠી રહી છે. ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનાં આજે જાહેર થયેલાં પરિણામે જૂનાગઢ જીલ્લાની વાસ્તવિક સ્થિતિ રજુ કરી દીધી છે. જો કે જૂનાગઢ શહેરની અપવાદરૂપ કેટલીક શાળાઓ અને ટયુશન કલાસીસનું ખુબ જ ઉચું પરિણામ આવેલ છે. આવી શાળાઓ અને ટયુશન કલાસીસમાં આનંદની લાગણી વ્યાપી ગયેલ છે જયારે ઝળહળતી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને મોં મીઠાં કરાવીને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે.

Leave A Reply