Saturday, October 19

જૂનાગઢ શહેરમાં ફાયર સેફટીનાં ભંગ બદલ : વધુ ૩ મિલ્કતોને સિલ મારી દેતું મનપા

  જૂનાગઢનાં ફાયર સેફટી મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે. રવિવારે પણ રજા કેન્સલ કરી મનપા તંત્રએ કામગીરી કરી હતી. સતત બીજા દિવસે પણ હાથ ધરાયેલા ચેકીંગ દરમ્યાન ૧૯૮ને નોટીસો આપવામાં આવી છે. જયારે ૩ મિલ્કતોને સીલ મારી દેવામાં આવ્યું છે. મનપાની આ કામગીરીથી આવા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેટલાક તો કાર્યવાહીથી બચવા તાળા મારી જતા રહ્યાં હતાં. આવા બિલ્ડીંગોને નોટીસો ચિપકાવી ર દિવસમાં જવાબ આપવા તાકીદ કરાઈ છે. આ અંગે જૂનાગઢ મનપાનાં આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ ટેક્ષ પ્રફુલ કનેરીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ મનપાનાં ઈન્ચાર્જ કમિશ્નર-કલેકટર ડો.સૌરભ પારઘીની સુચના અને નાયબ કમિશ્નર એમ.કે.નંદાણીયાનાં માર્ગદર્શનમાં આ ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. સતત બે દિવસથી વિવિધ ટીમો દ્વારા ચકાસણી કરી નોટીસો આપવાથી માંડીને મિલ્કત સિલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન રવિવારે વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ર૦૦ જગ્યાએ તપાસ કરી ૧૯૮ને નોટીસો ફટકારાઈ છે. જયારે જોષીપરામાં આવેલ સિલ્હર હોસ્પિટલ તેમજ ફિલીપકાર્ડની એજન્સી બેઝમેન્ટમાં ચાલતી હતી. આ બાબતે ધ્યાને આવતા ફાયરની સુવિધાનો અભાવ, પાર્કિંગનો અભાવ અને પાર્કિંગમાં ચાલતી આ બંને સંસ્થાને સિલ મારી દેવાયા હતા. આ ઉપરાંત શહેરનાં રાયજીનગર પાસે આવેલ મેગી કિંગ રેસ્ટોરન્ટ પણ બેઝમેન્ટમાં ચાલતું હોય ફાયરની સુવિધાનો અભાવ જણાતા તેને પણ સિલ મારી દેવાયું છે. અપાયેલી નોટીસોમાં ટયુશન કલાસીસો, શૈક્ષણીક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, કોમ્પ્લેક્ષ મોલ, સિનેમા હોલ વગેરેનો સમાવેશ થાય છે.
ર દિવસમાં કુલ ૩૪૬ને નોટીસ અને ૧૬ મિલ્કતોને સીલ મારી દેવાયા છે. માત્રને માત્ર ફાયર સેફટી મુદે નોટીસો મારી છે તે બિલ્ડીંગોમાં મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ થયું છે તે પણ દૂર થવું જાઈએ તેવી માંગણી સુરતની ઘટના પછી વાલી મંડળો દ્વારા ઉઠી રહી છે. ગુજરાતભરમાં આ સમસ્યાઓ સામે આંખો બંધ કરી દેનાર બેદરકાર અધિકારીઓ સામે કોઈ જ પગલા નહીં લેવાય ત્યાં સુધી આવી ઘટનાઓ સર્જાતી રહેશે.

Leave A Reply