જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉનહોલનાં રિનોવેશનની કામગીરીનાં ભ્રષ્ટાચારનો વિવાદ વકર્યો

જૂનાગઢ લોકસભાની ચુંટણીમાં ભાજપનાં ઉમેદવાર વિજેતાં બની જતાં ભાજપની છાવણીમાં આનંદ ઉત્સવ છવાયો હતો અને આ જીતને લઈને આગામી મહાનગરપાલિકાની ચુંટણી પણ જીતી જવાનો પ્રચંડ વિશ્વાસ પ્રાપ્ત થયો હતો. ત્યાં જ શામળદાસ ગાંધી ટાઉનહોલનાં રિનોવેશનનાં ભ્રષ્ટાચારનાં મામલે મનપાનું રાજકારણ ગરમાયું છે. શાસકપક્ષનાં જ જવાબદારો દ્વારા સામસામે નિવેદનબાજી શરૂ કરવામાં આવી છે. ત્યાં જ ગઈકાલે ભાજપનાં તમામ નગરસેવકોને એવી સ્પષ્ટ સુચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી ચુંટણી જાહેર ન થાય ત્યાં સુધી કોઈએ કોઈપણ પ્રકારનું પ્રિન્ટ કે ઈલેકટ્રોનિક મિડીયામાં નિવેદન આપવું નહીં. તો બીજી તરફ રિનોવેશનનાં ભ્રષ્ટાચાર બાબતે ઉચ્ચકક્ષાએ પણ રજુઆતો કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત શામળદાસ ગાંધી ટાઉનહોલનાં રિનોવેશનનાં કામમાં ભારે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનાં આક્ષેપો બાદ ભાજપનાં જ સભ્યો સામસામે આવી ગયાં છે અને આક્ષેપોને પાયા વિહોણાં ગણાવી રહ્યાં છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સાડા ચાર કરોડથી વધુનાં ખર્ચે ર૦૦૩નાં વર્ષ બાદ ત્રીજી વખત ટાઉનહોલનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને સાડા ચાર કરોડથી વધુનો ખર્ચ કરી રિનોવેશન કરાયેલાં ટાઉનહોલમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપનાં નગરસેવક અને પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સંજય કોરડીયાએ આક્ષેપ કર્યો હતો. તેમજ ટાઉનહોલમાં પોપડાં પડતાં હોવાનું તેમજ અન્ય કોઈ કામમાં ઠેકાણું ન હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાનાં મેયર, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, શાસકપક્ષનાં નેતા પુનિતભાઈ શર્મા, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા સહિતનાં આગેવાનોએ ટાઉનહોલની મુલાકાત લીધી હતી. મહાનગરપાલિકાનાં ડે.મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે હજુ રિનોવેશનની થોડી કામગીરી બાકી છે અને જ્યાં પોપડા પડ્યાં છે ત્યાં ટોયલેટમાંથી લીકેજ આવે છે જે અંગે કોન્ટ્રાકટરને સુચના પણ આપી દેવામાં આવી છે. રિનોવેશનનાં કામમાં ભ્રષ્ટાચાર થયાનાં આક્ષેપો તદ્દન પાયાવિહોણાં છે. જયારે સામેપક્ષે ભાજપનાં નગરસેવક સંજય કોરડીયા પોતાની વાત ઉપર અડગ રહ્યાં હતાં અને આ બાબતે મુખ્યમંત્રી સુધી ફરીયાદ કરવાનું જણાવ્યું હતું. તેમજ સાથે તેમને સસ્પેન્ડ કરવા હોય તો કરી દેજા તેવો પડકાર તેમણે ફેંકયો હતો. મહાનગરપાલિકામાં ભાજપનાં સભ્યો સામસામે આવી ગયાં છે ત્યારે ગઈકાલે ભાજપની એક મહત્વની બેઠક પણ યોજવામાં આવી હતી. જા કે આ બેઠકમાં પદાધિકારીઓની હાજરી ઓછી રહી હતી. આ બેઠકમાં સ્પષ્ટ સુચના નગરસેવકોને આપવામાં આવી છે કે શિસ્તનાં નામે પરોક્ષ રીતે મોં બંધ રાખવા જણાવી દેવામાં આવેલ છે અને ચુંટણી જાહેર ન થાય ત્યાં સુધી કોઈ નિવેદન કે ઈન્ટરવ્યુ ન આપવા સુચનાઓ આપવામાં આવી છે. એક તરફ ગુજરાત સરકાર જૂનાગઢ શહેરમાં વધુને વધુ સુવિધા આપવા નાણાંની ફાળવણી કરી રહી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અવારનવાર એવું નિવેદન કરતાં હોય છે કે રાજય સરકારનો પારદર્શક વહિવટ કરવામાં આવી રહેલ છે.
જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર ખુબ જ સારી રીતે ચાલે અને લોકોને પણ સંતોષ થાય તે માટેનાં પ્રયાસો લગભગ રાજયની વિવિધ મહાનગરપાલિકાઓમાં ખાસ સુપરવિઝન કરવામાં આવી રહ્યાં હોવાનાં દાવા થઈ રહ્યાં છે જયારે જૂનાગઢનાં આંગણે જ ટાઉનહોલનાં રિનોવેશનની કામગીરીનાં ભ્રષ્ટાચાર બાબતે ભારે વિવાદ ઉભો થયો છે અને સામસામા નિવેદનો થઈ રહ્યાં છે ત્યારે આમ જનતા એવું ઈચ્છી રહી છે કે જે કાંઈ હોય તે સત્ય બહાર લાવવા તટસ્થ તપાસની માંગણી કરવામાં આવી રહી છે. અગાઉ ગેરરીતીને કારણે કમિશ્નર રાજપુત સામે કાનુની કાર્યવાહી ચાલી રહી છે તેનો પુરાવો છે કે મહાનગરપાલિકામાં કેટલી ગેરરીતી ચાલી રહી છે.

Leave A Reply