Tuesday, July 16

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મોડા અને નબળાં ચોમાસાનાં યોગ

રાજયમાં હજુ તો પ્રીમોન્સુન એક્ટવીટીનો પણ પ્રારંભ થયો નથી ત્યાં ચોમાસાનાં આગમનથી ચોમાસાની વિદાય સુધીનાં અંદાજો અને આગાહીઓનો વરસાદ થવા લાગ્યો છે. કેટલાક સારા ચોમાસાની તો કેટલા,ક નબળા ચોમાસાની આગાહીઓ કરી રહ્યા છે. દરમ્યાન ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિનાં લક્ષણોનાં આધારે ચોમાસાનાં અંદાજો મેળવાય છે જે કહે છે કે આ વખતે નબળું અને મોડું ચોમાસુ રહેવાની શક્યતા છે ! સાથે જ પાછોતરા સારા વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ઓછો વરસાદ પડયો હોવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અત્યારે પાણી માટે તરસી રહ્યાં છે. તો રાજ્ય સરકાર દ્વારા પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
તો હવામાન વિભાગ સિવાય ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિના લક્ષણોને આધારે પણ ચોમાસાની આગાહી કરવામાં આવે છે. આ બાબતોને આધારે કરવામાં આવેલી આગાહી નિરાશાજનક સમાચાર લાવી રહી છે. તેના આધારે એવી આગાહી કરવામાં આવી રહી છે કે આ વર્ષે ચોમાસું નબળું રહેશે. આ ઉપરાંત, ચોમાસું ૧૫ જૂનને બદલે ૨૦ જુલાઈએ ગુજરાતમાં આગમન કરશે.
આ વર્ષે એવો વર્તારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં ૧૫ જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે. વર્તારા મુજબ, ૧૫ સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ પડી શકે છે.
ત્યારે એકબાજુ અત્યારે ગુજરાતમાં પાણીની તંગી છે અને જો વરસાદ ખેંચાય તો ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ખેડુતોનો પાક કેટલીક જગ્યાએ બગડયો છે. ત્યારે જો ચોમાસુ ખેંચાય તો ખેડુતો માટે પડયા ઉપર પાટુ જેવી સ્થિતી થઈ શકે છે. તો બીજી તરફ રાજ્યમાં અનેક જળાશયો પણ એવા છે કે જ્યાં પાણી અત્યારે સાવ ઓછું છે અને એનેક લોકો રાજ્યમાં પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જો વરસાદ ખેંચાશે તો ખેડુતો અને સામાન્ય માણસ સહિત તમામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Leave A Reply