Tuesday, November 19

ભ્રષ્ટાચાર અંગેની તત્કાલ તટસ્થ તપાસ અને દોષિત સામે કડક પગલાં ભરી વિજીલન્સ ઓફિસરની નિમણુંક કરવા માંગ

જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતાં કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ એક નિવેદન દ્વારા તિવ્ર આક્રોશ સાથે જણાવેલ છે કે જૂનાગઢ મહાનગરપાલિકાનાં પદાધિકારી અને અધિકારીઓ સંકલન કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરતાં હોવાનો આક્ષેપ કરેલ છે અને વધુમાં જણાવેલ છે કે જૂનાગઢ મહાનગરપાલિકા જાણે ભ્રષ્ટાચારનું હબ બની ગઈ હોય તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યાં છે. અગાઉ જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફુલછોડમાં કૌભાંડ, ગૌશાળા કૌભાંડ, ટાઉનહોલમાં ભંગારનું કૌભાંડ, ટાઉનહોલ નવ નિર્માણ કાર્ય અંગેનું કૌભાંડ, ગેરેજ શાખા, હરરાજી કૌભાંડ, હાઈમસ્ડ ટાવર ખરીદી કૌભાંડ બાબતે સ્પેશ્યલ બોર્ડ બોલાવી અને આવી ગેરરિતી રોકવા અને પ્રજાનાં પરસેવાનાં પૈસાને યોગ્ય રીતે વાપરવા માટે ધારદાર રજુઆત કરવામાં આવી હતી. પરંતુ તે વખતે પણ ગુજરાતમાં ભાજપ સરકાર હોય અને જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપની બહુમતિનાં જોરે આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી. આવા અનેક મુદ્દાઓ અને કામોમાં ભયંકર ગેરરીતી આચરવામાં આવી છે. જેવા કે દામોદરકુંડનાં કામમાં ભ્રષ્ટાચાર, નરસિંહ મહેતા ચોરાનાં કામમમાં ભ્રષ્ટાચાર, એલઈડી લાઈટનું કૌભાંડ, પાણીની પાઈપલાઈન ફિટીંગનું કૌભાંડ તેમજ પાણીનાં ટેન્કરનાં ફેરાનું કૌભાંડ, પાણીની ટાંકી ખરીદી કૌભાંડ, જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક કૌભાંડો થયા છે અને નગરપાલિકા જાણે કે કૌભાંડનું હબ બની ગઈ હોય તેવું લાગે છે. દરેક વખતે ભીનું સંકેલાય જાય છે હાલમાં પણ ભારતીય જનતા પક્ષનાં જ એક જવાબદાર કોર્પોરેટર દ્વારા ટાઉનહોલનાં રિનોવેશનમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયેલ છે તેવું વિપક્ષી નેતા સતિષ કેપ્ટને જવાબદારીપૂર્વક નિવેદન આપેલ છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ આ બાબતે તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવા તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે તાત્કાલિક વિજીલન્સ ઓફિસરની નિમણુંક કરવાની માંગણી કરી છે. પદાધિકારીઓ અધિકારીઓની મિલીભગત સામે કડક પગલા લેવા માંગણી કરી છે. અને વિજીલન્સ તથા શહેર વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા તપાસ ટુકડી મોકલી તપાસ કરવા માંગણી કરી છે.

Leave A Reply