જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારનું ૧૩ર કેવી સબસ્ટેશન તથા સર્વિસ લાઈનમાં વારંવાર ફોલ્ટ : લોકો પરેશાન

જૂનાગઢ તા.૩૦
જૂનાગઢ શહેરનાં ગાંધીગ્રામ ફિડર અંતર્ગત આવતાં વિસ્તારોમાં વારંવાર ૧૩ર કેવી સબસ્ટેશનની સર્વિસ લાઈન ફોલ્ટી થવાનાં કારણે વીજધાંધિયા સર્જાય છે અને ઘણીવાર તો કલાકો સુધી ફોલ્ટ રિપેર ન થતો હોવાનાં કારણે જનતા પરેશાન બની ઉઠે છે. આ અંગે અવાર નવાર ફરીયાદો ઉઠવા પામી છે. ચોમાસાની તૈયારીનાં ભાગરૂપે પ્રિ-મોન્સુનની કામગીરી અસરકારક કરવા પણ લોકોની માંગ છે.
ચોમાસાનાં દિવસો હવે નજીક આવી રહ્યાં છે ત્યારે પીજીવીસીએલ (જીઈબી) દ્વારા જૂનાગઢ શહેરમાં જ્યાં પણ વીજવાયરો સબસ્ટેશનો, ફિડરો તથા ટ્રાન્સફોર્મરો આવેલાં હોય ત્યાં તાત્કાલિક અસરકારક કામગીરી કરવાની તાતી જરૂરીયાત છે. કારણ કે વિજ લાઈનોમાં વારંવાર ફોલ્ટ અને જર્જરીત વીજવાયરને કારણે ઈલેકટ્રીક શોક લાગવાનાં બનાવો પણ સતત બનતાં હોય છે ખાસ કરીને ચોમાસાનાં સમયે આગોતરૂં આયોજન કરવાની જરૂર છે. પરંતુ પીજીવીસીએલ તંત્ર દ્વારા આવી કોઈ કામગીરી હજી થઈ ન હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ શહેરનાં પોશ વિસ્તાર એવાં ગાંધીગ્રામ વિસ્તારમાં ૧૩ર કેવી ફિડર કે જેમાં સમગ્ર ગાંધીગ્રામ વિસ્તાર સરકારી વસાહતો, પોલીસ તાલીમ ભવન, જૂનાગઢ ડેરી, કૃષિ યુનિવર્સિટી, મોતીબાગ વિસ્તાર આવેલો છે. આ ફિડર અંતર્ગત આવતાં વિસ્તારોમાં વારંવાર ફોલ્ટ સર્જાતો હોય છે અને તેને કારણે વીજગ્રાહકોને ભારે મુશ્કેલી પડતી હોવાની અનેક ફરીયાદો ભુતકાળમાં ઉઠવા પામી છે. આ વિસ્તારમાં રહેતાં લોકોની એવી માંગણી છે કે ગાંધીગ્રામ ફિડર અંતર્ગત આવતાં વિસ્તારોમાં પ્રિ-મોન્સુનની કામગીરી અંતર્ગત અસરકારક કામગીરી કરવા માંગણી ઉઠી છે. થોડો વરસાદ પડે કે તુરંત જ ગ્રાંધીગામ વિસ્તારનું ફિડર ફોલ્ટી બની જાય છે અને વરસાદ ન હોય તો પણ કલાકો સુધી ફોલ્ટી રહે છે. જૂનાગઢ જીઈબીનાં કાર્યપાલક ઈજનેર અને સુપ્રિન્ટેન્ડન્ટ ઈજનેર દ્વારા ગાંધીગ્રામ ફિડર વર્ષમાં કેટલીવાર બંધ થયું છે તેની સબસ્ટેશન ઉપર ગાંધિગ્રામ ફિડર કેટલીવાર ટ્રીપ થયું છે તેની લોગબુક તપાસી અને આ પ્રશ્નને સત્વરે ઉકેલ કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીગ્રામ વિસ્તારમાં સર્જાતાં વારંવાર વીજધાંધીયાથી જનતા પરેશાન છે. ટીસીની સર્વિસ તથા ડીઓ બાંધવાની કામગીરી ઉપર પણ પુરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી પણ ફરીયાદો થઈ છે ત્યારે આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવા લોકોમાંથી માંગણી ઉઠી છે.

Leave A Reply