Saturday, September 21

ગુજરાતમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો ઉપર બ્રેક લગાવવા રૂ.૩.૯૦ કરોડનાં ખર્ચે અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગનનો અમલ કરાશે

ગાંધીનગર તા.૩૧
રાજયના નાગરિકોને સુરક્ષા મળી રહે અને ટ્રાફિક ક્ષેત્રે જનજાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવા આયામો કાર્યાન્વિત કર્યાં છે. ગુજરાત રાજય સરકારે વધુ એક નકકર કદમ લઈને ઓવર સ્પિડથી ચાલતા વાહનો ઉપર બ્રેક લગાવવા માટે અદ્યતન ટેકનોલોજી આધારિત નેશનલ હાઈવે ઉપર તથા સ્ટેટ હાઈવે ઉપર ઓવર સ્પીડ ચાલતાં વાહન ચાલકો સામે સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાજયના તમામ જિલ્લાઓમાં આ સ્પિડ ગનનો ઉપયોગ આગામી સમયમાં શરૂ કરાવી દેવાશે તેમ સ્ટેટ ટ્રાફિક બ્રાંચના અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત શ્રી જાડેજાએ ઉમેર્યું છે કે, રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે માર્ગ અકસ્માતોના ડેટા એનાલિસિસ કરતા જીવલેણ માર્ગ અકસ્માતો પાછળ મોટા ભાગે વાહનોની ઓવર સ્પીડ કારણભૂત હોવાનું જાણવા મળે છે. આ બાબતને ગંભીરતાથી લઈને ગુજરાત રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સ તરફ વધુ એક નકકર કદમ ભર્યુ છે. ગુજરાત રાજ્યમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો ઉપર બ્રેક લગાવવા અને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવા રૂ.૩.૯૦ કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગન ખરીદવામાં આવી છે. વિશેષમાં અદ્યતન ટેકનોલોજી આધારિત વિકસાવવામાં આવેલી ૩૯ નવી સ્પીડ ગન પૈકી પાંચ સ્પીડ ગન અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે જ્યારે બાકીની સ્પીડ ગન ગુજરાતનાં તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે. રૂ.૧૦ લાખની કિંમતની આ પ્રત્યેક સ્પીડ ગન હાઇટેક સ્પીડ ગન છે. જે એક સેકન્ડમાં ત્રણ વાહનોની એક કિલોમીટર દૂરથી જ ઝડપ માપી શકે છે. તેની રેન્જ ૦ થી ૩૨૦ કી.મી/કલાક સુધીની ઝડપ માપી શકે તેવી ક્ષમતાની છે. સ્ટેટ ટ્રાફિક બ્રાંચના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએે આ સ્પીડ ગન વિષે માહિતી આપતા કહ્યું કે, ઓવર સ્પીડ વાહનનાં ચાલકોને પુરાવા સાથે ઈ-મેમો પણ મોકલી શકાશે અને આ જ સ્પીડ ગનથી ઓન ધ સ્પોટ ફોટો સાથેનો મેમો જનરેટ કરીને પણ આપી શકાશે. એટલું જ નહીં આ સ્પીડ ગનમાં વાહનોની સ્પીડનું વિડિયો રેર્કોડિંગ પણ સ્ટોર થતું રહેશે જેથી ભવિષ્યમાં વાહનચાલક સાથે સ્પીડ બાબતની કોઈ બોગસ તકરાર ઉભી થાય તો પુરાવા પણ સ્પીડ ગનમાંથી જ મળી રહેશે અને રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝાની સૂચનાથી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલનાં માર્ગદર્શન હેઠળ આ સ્પીડ ગન સંબંધિત ત્રી-દિવસીય તાલીમનું આયોજન ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા ગુજરાતનાં તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા છે. જેથી આવનારા દિવસોમાં અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હાઈવે રસ્તા ઉપર ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો ઉપર બ્રેક લગાવી શકાશે.

Leave A Reply