ટાઉનહોલનાં કથિત ભ્રષ્ટાચાર અંગે આજે ફેંસલો થશે : સંબંધિતોની મીંટ

જૂનાગઢ તા.૩
જૂનાગઢ ભાજપનાં પૂર્વ મંત્રી અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને ટાઉનહોલનાં ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસની માંગણી કરી છે.
જૂનાગઢ શહેરમાં આવેલાં શામળદાસ ગાંધી ટાઉનહોલને નવનિર્મીત બનાવવા અને રિનોવેશનની કામગીરી અંદાજીત રૂ.૪.પ૦ કરોડનાં ખર્ચે કરવામાં આવી હતી અને આ કામગીરીમાં લોટ, પાણીને લાકડાં તેમજ ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદો ઉઠવા પામી હતી. એટલું જ નહીં ભાજપનાં નગર સેવક સંજય કોરડીયાએ આ બાબતે સ્પષ્ટ નિવેદન આપી અને આ ભ્રષ્ટાચારની તપાસ અને જવાબદારો સામે પગલાં ભરવાની બુલંદ માંગણી વ્યકત કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષનાં પદાધિકારીઓએ પણ જૂનાગઢ ટાઉનહોલનાં ભ્રષ્ટાચાર બાબતે તટસ્થ તપાસ અને જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલાં ભરવાની માંગણી કરી છે. ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થઈ રહી છે. જ્યારે ભાજપનાં પૂર્વ મંત્રી અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર પાઠવી અને વિસ્તૃત રજુઆત કરતાં જણાવેલ છે કે નગર સેવકે પબ્લીકની સામે ભ્રષ્ટતંત્રની પોલ ખોલી છે ત્યારથી આ બાબતે તપાસ કરવાનાં બદલે કોર્પોરેશનનાં પદાધિકારીઓ-અધિકારીઓ મામલો દબાવી તપાસમાં વિક્ષેપ કરવાની કોશિષ કરી રહ્યાં હોવાનો આરોપ મુકી અને જૂનાગઢ ટાઉનહોલનાં ભ્રષ્ટાચાર અંગે કોઈપણ પ્રકારે ભીનું સંકેલાઈ નહિં, તેની તટસ્થ અને સંપૂર્ણ તપાસ થાય અને જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગણી આ પત્રમાં કરી છે.

Leave A Reply