કોંગ્રેસનાં અનેક સભ્યો, સરપંચો ‘હાથ’નો સાથ છોડી ‘કમળ’ની પાંખડી બન્યા

જૂનાગઢ તા. ૩
લોકસભાની ચુંટણીનાં આશ્ચર્યજનક પરીણામ બાદ કોંગ્રેસ પક્ષની સ્થિતિ વધુને વધુ કફોડી બની રહી છે. ચુંટણી પહેલા કોંગ્રેસનાં પીઢ નેતા ગણાતા જવાહરભાઈ ચાવડા ભાજપમાં ભળી જતાં કોંગ્રેસ પક્ષને ભારે ફટકો પડયો હતો. જો કે ત્યારબાદ પણ સમીકરણો સતત ને સતત બદલાઈ રહયા છે. વાત માત્ર જવાહરભાઈ ચાવડાનાં જવા માત્રથી જ નથી અટકતી. હવે કોંગ્રેસમાંથી ધુરંધર નેતા બાદ સામાન્ય કાર્યકરો, સભ્યો, જીલ્લા પંચાયતનાં સભ્યો, ગામડાનાં સરપંચો પણ કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં ભળવા લાગ્યા છે. આ સ્થિતિ કોંગ્રેસ માટે ભારે ચિંતાજનક છે. હાલ તો સમગ્ર દેશમાં ભાજપનું કમળ સોળે કળાએ ખિલ્યું છે. જયાં જુઓ ત્યાં ભાજપની જ બોલબાલા છે. ત્યારે ઉગતા સૂર્યને સૌ કોઈ પૂજે અને વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનાં મનસુબા સાથે જૂનાગઢ જીલ્લામાંથી પણ અનેક કોંગ્રેસીઓ ભાજપમાં ભળી રહયા છે. જોવાની ખુબી એ છે કે કોંગ્રેસમાં તેમની પાસે હોદા હતાં તેમ છતાં હોદા છોડી ભાજપમાં વગર હોદાએ ભળી રહયા છે.
વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ નજીકનાં પાદરીયા ગામે ગઈકાલે રવિવારે ગુજરાતનં કેબીનેટ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં કોંગ્રેસનાં અનેક કાર્યકરો, સભ્યો, સરપંચોએ ભગવો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે. આવા પક્ષ પલ્ટો કરનારામાં જૂનાગઢ કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ મંત્રી રમેશભાઈ કોદાવાલા તેમનાં પુત્ર અને પૂર્વ જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અંકિત કોદાવાલા, જૂનાગઢ જીલ્લા પંચાયતનાં સદસ્ય કરશનભાઈ સોલંકી અને જયેશભાઈ લાડાણી તેમજ અનેક ગામોનાં સરપંચોનો સમાવેશ થાય છે. દરમ્યાન કોંગ્રેસમાંથી ધડાધડ રીતે રાજીનામા ધરી ભાજપમાં પ્રવેશ થતાં કોંગ્રેસની વર્તમાન સ્થિતિમાં શું ફેર પડશે? તે અંગેનાં પ્રશ્નનાં જવાબમાં કોંગ્રેસનાં મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે ભાજપમાં જોડાનારા તમામ લોકો સામાન્ય કાર્યકરો હતાં. જેથી કોંગ્રેસને કોઈ ફરક પડતો નથી.
સામાન્ય કાર્યકરોની આવન-જાવન રહેતી હોય છે. જીલ્લા પંચાયતનાં બે સભ્યો પણ ભાજપમાં જોડાયા છે તેવા પ્રશ્નનાં જવાબમાં વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જીલ્લા પંચાયતની સ્થિતિ મજબુત છે. હાલ ર૬માંથી ૧૦ સભ્યો જવા છતાં ૧૬ સભ્યો સાથે જીલ્લા પંચાયત હજુ કોંગ્રેસનાં કબ્જામાં છે.

Leave A Reply