Tuesday, November 19

જૂનાગઢમાં ફાયર સેફટીનાં મુદ્દે ટયુશન કલાસીસોમાં સઘન ચેકીંગની કાર્યવાહીનાં પગલે સંચાલકોમાં ફફડાટ

જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલતાં ટયુશન કલાસીસનું ફાયર સેફટી મુદ્દે ફાયર ઓફિસર દ્વારા તમામ જગ્યાઓનું ચેકીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જ્યાં જરૂર જણાય અને સુરક્ષાનાં મામલે નિયમ અને શરતોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાશે તેમજ તેઓને આપેલ નો ઓબ્જેકશન સર્ટીફિકેટ પણ રદ કરવામાં આવશે તેમજ ઉપસ્થિત થતી તમામ પ્રકારની જવાબદારી આવા ટયુશન કલાસીસોનાં સંચાલકોનાં શીરે રહેશે તેમ જાણવા મળે છે.
તાજેતરમાં જ સુરત ખાતે દુર્ઘટના બનવા પામી હતી અને અગ્નિકાંડનાં આ બનાવમાં નિર્દોષ બાળકો હોમાઈ ગયા છે ત્યારે ગુજરાતનાં તમામ શહેરોમાં ફાયર સેફટી અને સુરક્ષાનાં મામલે કડક કાર્યવાહી કરવાનાં નિર્દેશો ઉચ્ચકક્ષાએથી છુટ્યાં બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ દરેક શહેરોમાં ફાયર સેફટી સહિતનાં અપુરતાં સાધનો સાથે ધમધમતાં ટયુશન કલાસીસો અને શાળાઓમાં તેમજ અન્ય સંકુલોમાં પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં ધમધમી રહેલાં ટયુશન કલાસીસો તેમજ હોસ્પિટલો અને જાહેર સંકુલોમાં જ્યાં પણ ફાયર સેફટી ન હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંખ્યાબંધ નોટીસો ફાળવવામાં આવી છે અને તા.૩-૬-ર૦૧૯નાં વિવિધ ટયુશન કલાસીસોને ફાયર વિભાગ દ્વારા નો ઓબ્જેકશન સર્ટીફિકેટ જે આપવામાં આવેલ છે આ સર્ટીફિકેટમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવેલ છે કે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેજર્સ એકટ-ર૦૧૩ ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ, મહાનગરપાલિકા, જૂનાગઢનાં કાયદાને અગ્રીમતા આપીને ઈલેકટ્રીક, ગેસ, કેમીકલ્સ તેમજ અન્ય આગનાં બનાવ અને પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મનપાની કચેરીનાં નિયમ મુજબ જાનમાલની સુરક્ષા માટે મંજુર કરવામાં સુચના આપવામાં આવેલ નિયમો અને શરતોનું સંપૂર્ણપણે પાલન કરતાં હોવા અંગે આપેલ બાંહેધરી પત્રકનાં આધારે ફાયર સેફટી અંગેનું નો ઓબ્જેકશન સર્ટીફિકેટ આપવામાં આવેલ હતુ અને જે-તે ટયુશન કલાસીસોને આ નિયમો અને શરતોનાં ભંગ થયેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ રદ કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી હતી. દરમ્યાન ફાયર સેફટી મુદ્દે તમામ ટયુશન કલાસીસની મંજુરી ફાયર ઓફિસર દ્વારા મંગાવી લેવામાં આવી છે.
ગઈકાલે જ ફાયર સેફટીની મંજુરી આપી હતી. વિશેષમાં ફાયર ઓફિસર દ્વારા તમામ ટયુશન કલાસીસ અને જગ્યાઓની ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ મંજુરીને રી-ઓપન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યાં છે. તો બીજી તરફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવનાર ચેકીંગની કાર્યવાહીની જાણ થતાં જ ટયુશન કલાસીસનાં સંચાલકમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Leave A Reply