Tuesday, July 16

જૂનાગઢ શહેર તથા જીલ્લામાં રમઝાન ઈદની એખલાસભર્યાં વાતાવરણમાં થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે રમઝાન ઈદની એખલાસભર્યાં વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસમાં ખુદાની બંદગી કરતાં મુસ્લિમ બિરાદરોએ રોજા રાખ્યાં હતાં. નાના બાળકોથી લઈ અને યુવાવર્ગ, વૃધ્ધો સહિતનાં તમામ ઉંમરનાં લોકોએ રમઝાન માસ દરમ્યાન પરવરદિગારની ખીદમત કરી હતી અને પવિત્ર રમઝાન માસમાં ખુદાની બંદગી કરી અને શાંતી, કોમી એખલાસ, ભાઈચારાની તથા વિશ્વ કલ્યાણની કામના કરી હતી. ગઈકાલે ઈદનાં ચાંદનાં દર્શન થતાં આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદની નમાઝ સાથે રમઝાન ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે જૂનાગઢ શહેરમાં આવેલાં ઈદગાહ ખાતે સવારનાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ પરસ્પરને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલાં વિવિધ મસ્જીદોમાં પણ ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ બિરાદરોએ પરસ્પરને ઈદ મુબારક પાઠવ્યા હતાં. મુસ્લિમ સમાજનાં અગ્રણી, આગેવાનો તેમજ વિવિધ સમાજનાં લોકોએ પણ આજે ઈદનાં દિવસે ઈદ મુબારક પાઠવ્યાં હતાં. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરિવાર દ્વારા પણ સર્વે મુસ્લિમ બિરાદરોએ ઈદ મુબારક પાઠવવામાં આવે છે.
જૂનાગઢ શહેર ઉપરાંત જૂનાગઢ જીલ્લાનાં બિલખા, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માણાવદર, બાંટવા, વંથલી, માળીયા હાટીના, માંગરોળ સહીતનાં શહેરોમાં પણ રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આજનાં દિવસે ઈદની નમાઝ અદા થયા બાદ પરસ્પરને ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતાં.

Leave A Reply