Tuesday, July 23

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલનો પડઘો : આખરે જૂનાગઢનાં મ્યુનિસિપલ કમિશ્નરની થઈ નિમણુંક

જૂનાગઢમાં કોર્પોરેશન બન્યાં બાદ કમિશ્નરની નિમણુંક બદલી સહિતનાં પ્રશ્નો વર્ષો વર્ષ સતત ચર્ચાતા રહ્યાં છે. લોકોનાં પ્રાણ-પ્રશ્નો અણઉકેલ રહેતાં હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામેલી છે અને મહાનગરપાલિકાની ચુંટણી પણ નજીક આવી રહી છે ત્યારે તાજેતરમાં જ લોકોનાં અવાજને વાચા આપવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકામાં કમિશ્નરની કાયમી નિમણુંક કરવા અખબારી અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવેલ હતો અને જેનો જાણે પડઘો પડ્યો છે. જૂનાગઢ મનપાનાં નવા મ્યુ.કમિશ્નરની ગઈકાલે નિયુક્તી કરવામાં આવી છે. ભાવનગર નગરપાલિકાઓનાં નિયામક તથા કમિશ્નર ભાવનગર મહાનગરપાલીકા તરીકે પણ ફરજ બજાવતાં તુષાર ડી.સુમેરાની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે અને તેમને જૂનાગઢનાં નવા કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા છેલ્લાં મ્યુ.કમિશ્નર પ્રકાશ સોલંકીની કુંભ મેળા પહેલાં બદલી થયા બાદ જૂનાગઢ મનપાનો જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી પાસે ચાર્જ હતો. તેમણે કુંભ મેળો, લોકસભા ચુંટણીની કામગીરી સાંભળી હતી. ત્યારબાદ આગામી મહિને જૂનાગઢ મહાનગરપાલિકાની ચુંટણી યોજાવાની છે. તે પહેલાં નવા કમિશ્નર તરીકે તુષાર ડી.સુમેરાની નિમણુંક કરવામાં આવી છે. નવા આવેલ કમિશ્નર ડાયરેકટ આઈએએસ કેડરનાં સીધા કમિશ્નર તરીકે જૂનાગઢ આવ્યા હોય તેવો પહેલો દાખલો છે. ર૦૧રમાં તુષાર સુમેરાએ યુપીએસસી ક્રેક કરી અને એ પણ આઈએએસ  કેડર સાથે અને તેમની નિમણુંક પણ ગુજરાત રાજયમાં જ થઈ છે. વિશેષમાં જૂનાગઢનાં નવનિયુકત કમિશ્નર તુષાર સુમેરાએ ચોટીલામાં વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત રાજકોટની ચૌધરી હાઈસ્કુલ અને રમેશભાઈ છાંયા સ્કુલમાં ભણેલાં છે. સાથે જ સુરેન્દ્રનગર અને જૂનાગઢની કોલેજામાં પણ અભ્યાસ કર્યો છે.
તેઓએ પ્રાથમિક શિક્ષણ જસદણમાં લીધું હતું અને હાઈસ્કુલનું શિક્ષણ રાજકોટમાં મેળવ્યા બાદ સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ કોલેજમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એ.કર્યું છે ત્યારબાદ રાજકોટ આવીને એમ.એ.કર્યું અને જૂનાગઢની પટેલ કેળવણી કોલેજમાંથી બી.એડ્‌.પણ કર્યું છે.

Leave A Reply