Wednesday, January 22

જૂનાગઢ નજીક આવેલાં શાપુર (સોરઠ) ખાતે ચાલતાં ધનવંત્તરી ટ્રસ્ટનાં રેકર્ડ સાથે ચેડાં થયાની નોંધાઈ ફરીયાદ : ચકચાર

જૂનાગઢ નજીક આવેલાં શાપુર (સોરઠ) ખાતે ચાલતાં ધનવંતરી ટ્રસ્ટનાં રેકર્ડ સાથે ચેડાં કરી અને વિરોધ ઠરાવો કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરીયાદનાં પગલે ચકચાર જાગી ઉઠી છે. તાજેતરમાં જૂનાગઢનાં ખોરાસામાં આવેલ તિરૂપતિ મંદીરનાં ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. તિરૂપતિ મંદિરનાં આચાર્ય સ્વામી શ્યામનારાયણ આચાર્ય સહીત ૫ાંચ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલિસ ફરિયાદમાં ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટીની ખોટી સહીઓ કરી આચાર્યએ મંદિર ઉપર કબ્જો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં શાપુર ધનવંત્તરી પરિવાર ટ્રસ્ટમાં આવી વધુ એક ફરિયાદ થતા જૂનાગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ જીલ્લામાં શાપુર (સોરઠ) મુકામે આવેલ ધનવંત્તરી પરિવાર ટ્રસ્ટ નામના ટ્રસ્ટમાં ખુબ જ ગંભીર પ્રકારના ટ્રસ્ટનાં રેકર્ડમાં ચેડા થયેલ છે તેમજ ફરીયાદી તુષાર સોજીત્રાને મળેલ માહિતી મુજબ ટ્રસ્ટનાં રેકર્ડ સાથે ચેક ચાક કરી અને  તારીખ ૨૩-૦૬-૨૦૧૨નાં ઠરાવમાં મંત્રીને સહમંત્રી અને સહમંત્રીને મંત્રી તરીકે ચેક ચાક કરી અને રેકર્ડ સાથે ચેડા થયેલ હોય તેવી દહેશત વ્યકત કરી હોવાની જૂનાગઢ પોલીસ વડા તેમજ વંથલી પોલીસને ફરિયાદ કરેલ હતી. ઉપરાંત તા. ૨૩-૦૬-૨૦૧૨માં ઠરાવમાં આજીવન ટ્રસ્ટી તરીકે નિમણુંક થયેલી ન હોવા છતાં ચેરીટી કચેરીમાં રેકર્ડથી વિરૂધ્ધ ઠરાવ રજુ કરી ગુનો કરેલ હોય ઉપરાંત આજ ઠરાવમાં કુલ સાત ટ્રસ્ટી નિમણુંક પામેલ હોય તેવો ઠરાવ હોવા છતાં આજ દિવસ સુધી કોઈ ફેરફાર રીપોર્ટ રજુ કરેલ નથી. ઉપરાંત ફરીયાદી તુષારભાઈ સોજીત્રાએ એવી પણ ફરિયાદ કરેલ છે કે એક ટ્રસ્ટી સમાન વ્યવસાય સાથે સંકળાયેલ હોવા છતાં જાણી જોઇને રાજીનામું આપતા નથી.
વિશેષમાં આ ટ્રસ્ટીઓ દ્વારા સામયિકનું આજીવન લવાજમ તથા વાર્ષિક લવાજમ ઉઘરાવેલ હોવા છતાં સામયિક છેલ્લા લાંબા સમયથી બંધ કરી ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટનાં નાણાનો દુરઉપયોગ થતો હોય તેવું પણ ફરીયાદમાં જણાવ્યું હતું.
ઉપરાંત ફરિયાદીને મળેલ માહિતી મુજબ કેટલાક આજીવન ટ્રસ્ટીઓ દ્વારા અગાઉનાં મિનીટ બુકમાં હંગામી ટ્રસ્ટીઓની નિમણુંક કરવા બાબતે ઠરાવથી વિપરીત લીધે મનમાની મુજબ આજીવન ટ્રસ્ટીઓ દ્વારા ખોટું રેકર્ડ બનાવી અને ખોટા ઠરાવો ઉભા કરી અને હંગામી ટ્રસ્ટીઓને અંધારામાં રાખી અને ઠરાવ બુકમાં મિનીટ બુકથી વિરૂધ્ધ રેકર્ડ ઉભું કરેલ છે ઉપરાંત શૈલેશ્વરાનંદ નામના એક સ્વામીની સહ પ્રમુખ તરીકે નિમણુંક થયેલ હતી અને તેનો જનરલ મીટીંગમાં ઠરાવ થયેલ હોવા છતાં આજ દિવસ સુધી આજીવન ટ્રસ્ટીઓ દ્વારા આ હકીકત રેકર્ડ ઉપર ના આવે તેના માટે તજવીજ કરેલ હતી.
આથી જવાબદારો સામે ઠરાવથી વિરૂધ્ધ રેકર્ડ ઉભુ કરવા ઉપરાંત ટ્રસ્ટનાં ઠરાવ બુકમાં ચેડા કરી અને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૦૬,૪૨૦,૪૬૭,૪૬૮ તેમજ ૪૭૧, ૪૭૨ હેઠળ ગુનો કરેલ હોય જેથી જવાબદારો સામે કાર્યવાહી કરવા વંથલી પોલીસ તથા ડીએસ.પી.ને રજૂઆત કરવામાં આવેલ હતી તેમજ તા.૦૫-૦૬-૨૦૧૯નાં વિશેષ આધાર પુરાવા સહીત વંથલી પોલીસ તથા ડી.એસ.પી.ને વિશેષ નિવેદન મોકલાવેલ છે તેમજ ચેરિટી કમિશ્નર, અમદાવાદ તથા સંયુકત ચેરિટી કમિશ્નરશ્રીની કચેરી રાજકોટ તેમજ આસી.ચેરીટી કમિશ્નર શ્રી જૂનાગઢને આધાર પુરાવા સાથે ફરીયાદ કરેલ છે અને આ ટ્રસ્ટની સામે ચેરીટી કમિશ્નર પણ ફોજદારી રાહે ગુનો નોંધાવી અને કોઈ પણ ફેરફાર રીપોર્ટ મંજુર કરતા પહેલા ફરિયાદીને નોટીસ કાઢી તેમના આધાર પુરાવા ધ્યાને લેવા તાકીદ કરી છે. ટ્રસ્ટોમાં ચાલતી ગોલમાલોનાં પગલે ફરીયાદીએ જાગૃતતાં બતાવી ફરીયાદ કરતાં આખાય સોરઠ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Leave A Reply