જૂનાગઢ કોર્પોરેશન સિવાય તમામે પર્યાવરણ દિનની ઉજવણી કરી

વિશ્વ પર્યાવરણ દિનની દર વર્ષે પ મી જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢમાં પણ નાનામાં નાની સંસ્થાએ પયાર્વરણ દિવસની ઉજવણી કરી હતી. એક માત્ર જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પયાર્વરણ દિવસની ઉજવણીનો કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો. શહેરની ૩.પ લાખથી વધુની જનતાની પ્લાસ્ટીક, પાણી અને પયાર્વરણ પોલ્યુશન ઘટાડવાની જવાબદારી હોઈ કોર્પોરેશનની કોઈ જવાબદારી ન હોય તેવું લાગી રહ્યું હતું સૌથી ગંભીર અને જટીલ સમસ્યા પાણી અને હવાના પ્રદૂષણની છે. પાણી એ તમામ જીવસષ્ટિનો આધાર છે. પાણીને બચાવો તો પાણી આપણને બચાવશે પરંતુ પાણી બચાવવાના નિયમો બનાવનારી મનપા તેની અમલવારી કરાવવામાં વામણી પુરવાર થઈ રહી છે. શહેરનાં નવા થતાં તમામ બાંધકામોમાં પાણી રિચાર્જની સિસ્ટમ લગાડવાનો અગાઉ નિયમ બનાવાયો હતો પરંતુ તેના પાલનના નામે મસમોટું મીંડું જાવા મળે છે. તમામ એપાર્ટમેન્ટો, હાઈરાઈઝ બિલ્ડીંગો પોતાની અગાસીમાં વરસાદી પાણી એકઠું કરે અને તે પાણી બોર-કુવામાં ઉતારી પાણી રિચાર્જ કરે તો ચોમાસાનું સંગ્રહ થયેલું પાણી બારે માસ કામ લાગશે. ઉનાળામાં કુવા-બોર ડૂકી જવાની સંભાવના ઘટી જશે પરંતુ આ નિયમ માત્ર કાગળ ઉપર જ રહી જવા પામ્યો છે. વળી પાણીમાં પ્રદૂષણ ઘટાડવાની વાત છે ત્યારે શહેરનાં નરસિંહ મહેતા તળાવમાં વર્ષોથી ગટરનું ગંદુ પાણી ભળે છે તેને અટકાવવાની જવાબદારી પણ કોર્પોરેશન નિભાવી શકયું નથી. નરસિંહ તળાવના કારણે ઝાંઝરડા સહિતના ઓ.જી. વિસ્તારમાં કુવા-બોરમાં પાણી રહે છે ત્યારે ગંદા પાણી નરસિંહ તળાવમાં ઠાલવવાથી લોકોના બોર-કુવામાં પાણી પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. ૧૦૮, ૧૮૧, શાળા, કોલેજા, સામાજીક સંસ્થાઓ, રેલ્વે સ્ટેશન વગેરેએ વૃક્ષારોપણ કરી પયાર્વરણ બચાવવાના સંકલ્પ લીધા. મનપાના પદાધિકારીઓ તો ચૂંટણીની ચિંતામાં પડયા છે અને અધિકારીઓ ઈદની રજાની મજા માણવામાં પડયા હતા. પરિણામે પયાર્વરણ દિવસની કયાંય ઉજવણી કરવામાં આવી નથી. મનપા નવા વૃક્ષો વાવી તેનું જતન કરવાના સંકલ્પ લે કે ન લે જૂનાગઢમાં ડિવાઈડરોમાં જે વૃક્ષો વવાવ્યા છે તે સૂકાઈ ગયા છે, પશુ ખાઈ ગયા છે, કયાંક બળી ગયા છે, ઉખડી ગયા છે તેનું જનત કરાવી લે તો પણ ઘણું છે. વધારે તો મનપા પાસે બીજી આશા રાખવી પણ શું ?

Leave A Reply