તળાવ દરવાજા વિસ્તારની રંગોલી આઈસ્ક્રીમની દુકાનમાં ભીષણ આગ

જૂનાગઢ તા. ૧૦
જૂનાગઢના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલી રંગોલી આઈસ્ક્રીમની દુકાનમાં રવિવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. આગમાં એ.સી., ફ્રીઝ, પંખા, સ્પીકર, વજન કાંટો, ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ અંગે રંગોલી આઈસ્ક્રીમના માલિક હરેશભાઈ ધનજીભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે રાબેતા મુજબ શનિવારે રાત્રે દુકાન બંધ કરીને ગયા હતા. દરમ્યાન રવિવારે વહેલી સવારે ફોન દ્વારા જાણ થઈ કે દુકાનમાં આગ લાગી છે. બાદમાં તુરત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને અમે દુકાને પહોંચ્યા હતા. જો કે દુકાનો બંધ દરવાજાને ફાયર વિભાગના કર્મીઓએ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાદમાં પાણીનો સતત મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે આ દરમ્યાન દુકાનમાં રહેતા એ.સી., મોટા ફ્રીઝ, પંખા, સ્પીકર, ઈકલેકટ્રીક વજન કાંટો, વાયરીંગ, ફર્નિચર વગેરે બળીને ખાખ થઈ ગયું હતું. આમ દુકાનની મોટાભાગની ચીજવસ્તુ બળી જવા પામી છે. જો કે તેમ છતાં ચાલુ દિવસોમાં ઘરાકીના સમયે આગ ન લાગતાં મોટી જાનહાનિ ટળી ગઈ છે. ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવતાં આગ વધુ પ્રસરતાં અટકી જવા પામી છે. નહીંતર આગ બાજુની દુકાનોમાં કે ઉપરના માળ સુધી પહોંચી જાત તો વધારે નુકસાની, દોડધામ અને જાનહાનિ થવાની સંભાવના હતી.
આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યકત થઈ રહ્યું છે. જો કે આગમાં મોટી નુકસાની થયાનું અનુમાન વ્યકત થઈ રહ્યું છે. ફરી દુકાનને વ્યવસ્થિત ચાલુ કરવામાં આશરે ૧પ દિવસ નીકળી જશે ત્યારબાદ દુકાન શરૂ થઈ શકશે તેમ પણ હરેશભાઈ હિરપરાએ જણાવ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તમામ વસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. સાથે ધૂમાડાના ગોટે ગોટાના કારણે ત્યાં જવું પણ મુશ્કેલ હતું. જો કે ફાયર વિભાગની ટીમે પોતાની કુશળતા દર્શાવી આગને કાબુમાં લેતાં વધુ નુકસાની ટળી ગઈ છે.

Leave A Reply