સ્કુલ ચલે હમ : જીલ્લાની તમામ શાળા ફરી ધમધમતી થઈ

જૂનાગઢ તા. ૧૦
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ જીલ્લાની તમામ શાળા શૈક્ષણિક કાર્યથી ધમધમતી થઈ છે. જો કે શાળાનો પ્રથમ દિવસ હોય પાંખી હાજરી જાવા મળી હતી. જયારે આજે શૈક્ષણિક કાર્ય પણ થવાની સાથે શાળાના બાળકોએ મોટાભાગનો સમય વેકેશન કયાં પસાર કર્યું, કેવી રીતે કર્યું, કેવી મોજ મજા કરી તેની ચર્ચામાં વિતાવ્યો હતો.
જૂનાગઢ જીલ્લામાં ૪૭૮ શાળાઓ આવેલી છે. આ તમામ શાળામાં ૬ મે ના રોજ વેકેશન પડયું હતું. દરમ્યાન ૯ જૂને વેકેશન સમાપ્ત થયું હતું અને ૧૦ જૂનથી શાળાઓમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. રસ્તા ઉપરથી ગાયબ થઈ ગયેલી સ્કુલવાનો, રિક્ષાઓ ફરી દોડતી થઈ હતી. શાળા શરૂ થતા પહેલાં શહેરમાં સ્કુલની ચિજવસ્તુની ખરીદી માટે ભીડ જાવા મળી હતી. સ્કુલ ડ્રેસ, બેગ, સ્કુલના શુઝ, ચોપડા સહિતની વસ્તુ ખરીદવા વાલીઓએ અંતિમ દિવસે દોડધામ કરી હતી. તમામ ચીજવસ્તુના ભાવમાં તોતીંગ વધારો ઝીંકી દેવાયા ઉપરાંત શાળાઓ દ્વારા અમુક બુક સ્ટોર, ડ્રેસના વેપારીઓ પાસેથી જ ખરીદવા માટેના આગ્રહ દબાણના કારણે વાલીઓને વધારે રૂપિયા ચૂકવવા પડયા હતા. આ ઉપરાંત પાઠય પુસ્તકો, ગાઈડ,અપેક્ષીત, ડ્રોઈંગ બુક, ચોપડા-નોટબુકો વગેરેની કિંમતમાં પણ ભાવ વધારી દેવામાં આવતાં વાલીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. બીજી તરફ સરકારી સ્કુલોમાં સારૂં શિક્ષણ મળતું હોવા છતાં ખાનગી સ્કુલમાં જ શિક્ષણ સારૂં મળે છે તેવી માનસિકતાનો ખાનગી શાળા સંચાલકો પૂરતો ગેરલાભ ઉઠાવે છે અને ફી નિર્ધારણના કાયદાનો ઉલાળીયો કરી આડેધડ ફી વસુલે છે. ત્યારે સરકાર પણ મૂક પ્રેક્ષક બની તમાશો જોયા કરે છે. કોઈ નક્કર કાર્યવાહી થતી નથી ત્યારે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે.

Leave A Reply