મકાન માટે જીવ સટોસટની બાજી ખેલવાની ચિમકી બાદ ડિમોલીશન કરવા ગયેલી ટીમના પારોઠના પગલાં

શહેરના અક્ષર મંદિર પાછળની જગ્યામાં આવેલ મકાનને ખાલી કરાવવા માટે ગઈકાલે મામલતદાર, મનપાની દબાણ શાખા, પોલીસ બંદોબસ્ત સાથે ધસી ગઈ હતી. જા કે મકાન માલિકના મહિલા સહિતના પરિવારજનોએ મકાન માટે જીવ સટોસટની બાજી ખેલવાની ચિમકી ઉચ્ચારતા ડિમોલીશન કરવા ગયેલી ટીમે પારોઠના પગલાં ભરવા પડયા હતા. સ્થાનિક મકાન માલિક વિરમભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક મકાનો છે છતાં કોઈ અંગત રાગ, દ્વેષથી મારૂ મકાન પાડવા માટે જ કસરત વધુ જણાય છે ત્યારે આ જગ્યા ઉપર કોની નજર છે અને તેઓ અહીંયા શું બનાવવા માંગે છે ? વળી શહેરમાં ર૭ સ્થળોએ ઝુંપડપટ્ટી આવેલી છે ત્યાં ડિમોલીશન થતું નથી અને અહીંયા વારંવાર દોડી આવે છે જ્યારે ટીંબાવાડીમાં જ વોકળા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી દઈ પ-૭ માળના એપાર્ટમેન્ટને વેંચી બિલ્ડરે રોકડી કરી લીધી છે તો ત્યાં કેમ તપાસ થતી નથી ? શહેરમાં ર૬૦(ર)ની નોટીસો આવેલા બાંધકામો તોડવા કેમ કોઈ જતું નથી ? માત્રને માત્ર ગરીબો ઉપર રોફ જમાવવામાં આવે છે. આ જમીન ૧૯૮૩ના શાપુરના પુરહોનારત બાદ ટીંબાવાડી ગ્રામ પંચાયતે ફાળવી છે અને છેલ્લા ૩પ કરતાં વધુ વર્ષોથી રહીએ છીએ. રાતોરાત મકાન પાડી નાંખો તો અમે પરિવાર સાથે માથે ચોમાસું ગાજે છે ત્યારે જશું કયાં ? પરિવારની મહિલાઓ રોષે ભરાઈ હતી અને જણાવ્યું હતું કે, ભલે અમારા ઉપર જેસીબી ફરી જાય પરંતુ મકાન તો નહીં જ આપીએ. જરૂર પડયે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવતાં અધિકારીઓ ઢીલા પડયા હતા અને ફરી પાંચ દિવસની મુદતની નોટીસ આપી જતાં રહ્યા હતા.  સ્થાનિક લોકોએ નોટીસ પણ સ્વીકારી ન હતી અને તેમાં સહી કરવાની પણ ઘસીને ના પાડી દીધી હતી. હવે પ દિવસ પછી શું થાય છે તે જાવાનું રહ્યું.

Leave A Reply