પાણીની અછતની સમસ્યાનું સમાધાન કરવા માટે વરસાદી પાણી રીચાર્જ મહત્વનું છે

પાણીની અછતની સમસ્યાનું સમાધાન કરવા માટે વરસાદી પાણી રીચાર્જ કરવું એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને તેના માટે આમ જનતાએ જાગૃત બની આ કાર્યને વેગવાન કરવું જાઈએ એવી અપીલ જૂનાગઢના સમન્વય ચેરીટેબલના મેનેજીંગ ટ્રસ્ટીએ કરતાં વધુમાં જણાવેલ છે કે, વર્તમાન પરિસ્થિતીમાં દિવસે-દિવસે આબોહવાકીય બદલાવ આવતો જાય છે જેને કારણે દરરોજના તાપમાનમાં વધારા સાથે ઉનાળાની ઋતુનો સમયગાળો વધતો જાય છે અને વરસાદ ઓછો પડે છે. જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી તેમજ નદી, જલાશય, તળાવ, કુવા, બોરવેલ વગેરે જેવા પાણીના સ્ત્રોતોમાં પણ પાણી ઘટતા જાય છે. આવી સ્થિતીમાં પાણીની અછતની સમસ્યાનું સમાધાન કરવા માટે “વરસાદી પાણી રિચાર્જ” એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે છે.
મોટી મોટી ઇમારતો, કારખાનાઓનું બાંધકામ ખુબ જ વધતું જાય છે. રસ્તા પાકા બની ગયા છે જેથી ભુતળમાં પાણી ઉતરતું નથી. આવા મોટા મોટા બાંધકામોને લીધે જમીન ઉપર સખત પડ બને છે જેના કારણે જમીનમાં પાણી શોષાતુ નથી. આમ ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને છતમા પડેલ વરસાદનું પાણી જમીનમાં શોષયા વગર નદી નાળા દ્વારા સમુદ્રમાં વહી જાય છે. આ છતના પાણીએ એકત્ર કરવામાં આવે તો પાણીની અછતને નિવારવા માટે સારૂં એવું યોગદાન મળી શકે છે. છતના પાણીને સંગ્રહ કરવાની તકનીક નીચે પ્રમાણે છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત ઉપર વરસતા વરસાદના પાણીને પાઇપ ફીટીંગ દ્વારા ટાંકીમાં સંગ્રહ કરી શકાય છે. રીચાર્જ માટે પ્રાપ્ય પાણીનું બરાબર ફિલ્ટ્રેશન કરવું જરૂરી છે. અન્યથા પાણીનો ડહોળ બોરવેલની સરવાણોમાં ભરાઇ જઇ આવક ઘટે. જમીન ઉપરાંત બોરવેલ રીચાર્જીગ પધ્ધતિ પણ અપનાવી શકાય. જેની ગોઠવણમાં પાણીને ચોક્કસ રીતે કાટખૂણે વાળવાની કાળજી રાખવી જોઇએ. જેથી અંદર ઉતરતું પાણી બોરવેલના સપાટી સાથે અથડાય નહીં અને એ રીતે નુકસાન ન થાય. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણી વગરના નકામાં બોરવેલની સંખ્યા ઘણી છે. આવા ખાલી બોરવેલનો રીચાર્જીગ માટે ઉપયોગ કરી શકાય તેમ છે ઉપરાંત સોસાયટીઓના કુવાઓમાં વરસાદી પાણી ઉતારીને ભુતળના જળ રિચાર્જ કરી શકાય છે.

Leave A Reply