જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવાઝોડું અને સંભવિત વરસાદનાં પગલે તંત્ર સાબદું

જૂનાગઢ તા.૧ર
વાયુ વાવાઝોડું ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ત્રાટકે તેવી સંભાવનાનાં પગલે ગુજરાત રાજય સરકાર દ્વારા તમામ જીલ્લાનાં કલેકટરોને તાત્કાલિક પગલાં ભરવાનાં આદેશો અપાયાનાં પગલે સાવચેતી અને હાઈએલર્ટ જારી કરવામાં આવેલ છે જેનાં પગલે જૂનાગઢ જીલ્લામાં પણ વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે. જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારધીનાં માર્ગદર્શન હેઠળ તકેદારી માટેનાં પગલાં અને સાવચેતી રાખવામાં આવી છે તો બીજી તરફ જૂનાગઢ શહેર અને જીલ્લામાં બે દિવસ શાળા-કોલેજામાં રજા પણ જારી કરી દેવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા હવામાન વિભાગે આપી છે. ચક્રાવાતી વાવાઝોડા-વાયુની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર ગુજરાતનાં કેટલાંક જીલ્લાઓમાં ભારે પવન ફુંકાવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નુકશાનની સંભાવન રહેલી છે. અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ, જૂનાગઢ અને દિવમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. સોરઠનાં સમુદ્ર કિનારેથી ૭ર૦ કિમી દુર વાયુ વાવાઝોડું છે.
ગુરૂવારે વહેલી સવારનાં વાવાઝોડું સોરઠમાં ત્રાટકે તેવી હવામાન વિભાગે પગલે બંને જૂનાગઢ જીલ્લાનાં વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લામાં સવારથી જ વહિવટી તંત્ર વાવાઝોડાથી લોકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય તેનાં આયોજનમાં વ્યસ્ત બન્યું હતું. જૂનાગઢ અને ગીર-સોમનાથ જીલ્લાનાં કુલ ૮પ ગામનાં ૮ર,૩૪ર લોકોને અસર થઈ શકે તેમ હોય તેમનું સ્થળાંતરનું આયોજન કરાયું છે. આ લોકોને સાયકલોન સેલ્ટર, સમાજની વાડીઓ, પ્રાથમિક શાળાઓનાં ઓરડામાં ખસેડવામાં આવશે. તેમનાં માટે પાણી, ભોજન અને રહેવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત બંને જીલ્લામાં ૪ એનડીઆરએફની ટીમ તૈનાત રહેશે. બે દિવસ સુધી તમામ શાળા-કોલેજામાં રજા જાહેર કરવામાં આવી છે. શાળા પ્રવેશ ઉત્સવ રદ કરવામાં આવ્યો છે.

Leave A Reply