ધો.૧ર સાયન્સમાં MCQ પ્રધ્ધતિ જ યથાવત રાખવાની બુલંદ માંગણી

જૂનાગઢ તા.૧ર
ગુજરાત રાજયમાં વસવાટ કરતાં અને ઉચ્ચ અભ્યાસમાં કારકિર્દી બનાવવા માંગતાં વિદ્યાર્થીઓને માટે બોર્ડ દ્વારા નવાં-નવાં ગતકડાં કાઢવામાં આવે છે તેને લઈને વિદ્યાર્થીઓ નાસીપાસ થાય છે તેઓની મહેનત ફેલ થતી જતી હોય અને એક ટ્રેક ઉપરથી ગાડી બીજા ટ્રેક ઉપર ચડી જાય તેવા આ નિયમોને પગલે ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાતનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧ર સાયન્સમાં એમસીક્યુ પધ્ધતિ અમલમાં હતી અને જેમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવેલ છે અને હવેથી આખું પેપર જ સબ્જેક્ટિવ રાખવાનાં પગલે ગુજરાતભરનાં વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને આ બાબતે ગુજરાતનાં મુખ્યમંત્રી અને તેમનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આ બાબતે તાત્કાલિક પગલાં ભરે તેવી રજુઆત ગુજરાતનાં વાલીમંડળ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેતા વાલીઓમાં રોષ ફેલાયો છે. બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં બહુવિકલ્પ પ્રશ્નો (MCQ) ના બદલે હવે આખું પેપર જ સબ્જેક્ટિવ રાખવાનું નક્કી કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ અકળાયા છે. એક બાજુ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ MCQ પેટર્નથી લેવાય છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૨માં MCQ પેટર્ન હટાવવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓને નુકસાન જવાની શક્યતા છે. આ મુદ્દે ગુજરાત વાલી મંડળ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી અને બોર્ડના અધિકારીઓને પણ મળીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.૧૨ સાયન્સમાં પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. બોર્ડ દ્વારા અત્યાર સુધી ધો.૧૨ સાયન્સમાં ૫૦ માર્કના પ્રશ્નો MCQ અને ૫૦ માર્કના પ્રશ્નો સબ્જેક્ટિવ પૂછવામાં આવતા હતા. જોકે, આ પદ્ધતિમાં ફેરફાર કરી બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં તમામ પ્રશ્નો સબ્જેક્ટિવ પૂછવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના લીધે વિદ્યાર્થીઓને નુકસાન જવાની શક્યતા હોઈ તાત્કાલીક MCQ પેટર્નનો અમલ કરવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે.
ગુજરાત બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સમાં CBSEના અભ્યાસક્રમનો અમલ શરૂ કર્યો છે. પરંતુ MCQ પેટર્ન હટાવતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુશ્કેલી પડી શકે તેમ છે. હાલમાં લેવાતી ગુજકેટ, નીટ, જેઈઈ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ MCQ પેટર્ન ઉપર લેવામાં આવે છે. હવે જ્યારે ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને MCQનો મહાવરો જ નહીં રહે તો તેઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરી શકશે નહીં. ઉપરાંત મેડિકલ-ઈજનેરી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધો.૧૨ના ગુણ ગણવામાં આવતા ન હોવા છતાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વધુ મુશ્કેલ કરવામાં આવતા વાલીઓમાં પણ રોષ ફેલાયો છે.
ગુજરાત વાલીમંડળ દ્વારા આ મુદ્દે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને બોર્ડના ચેરમેન એ.જે. શાહને રજૂઆત કરી છે.
જોકે, બોર્ડ દ્વારા આ મુદ્દે હાલમાં કોઈ ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી હોય તેમ જણાતું નથી. MCQ પેટર્નમાં વિદ્યાર્થીઓ કોપી કરતા હોવાનો લૂલો બચાવ કરી પેટર્ન બદલવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. આમ, બોર્ડ પોતાની નિષ્ફળતા સંતાડવા માટે વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ચેડાં કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ વાલીઓએ કર્યો છે.
વારંવાર પરિક્ષા પ્રધ્ધતિમાં ફેરફાર
શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધો.૧૨ સાયન્સમાં તમામ પ્રશ્નો સબ્જેક્ટિવ પ્રકારના પૂછવામાં આવતા હતા. જોકે, ત્યારબાદ બોર્ડે ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરતા MCQ પેટર્ન શરૂ કરાઈ હતી. જેમાં ચાર સેમેસ્ટરના અંતે વિદ્યાર્થી પાસ કે નાપાસ જાહેર થતો હતો. ત્યારબાદ સેમેસ્ટર સિસ્ટમ હટાવી લીધા બાદ પણ MCQ પેટર્ન ચાલુ રાખવામાં આવી હતી. જોકે, હવે આગામી પરીક્ષામાં MCQ પેટર્ન પણ હટાવી લેવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સબ્જેક્ટિવ પ્રશ્નોના આધારે પરીક્ષા આપવાની રહેશે. જેનો સર્વત્ર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતનાં શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. ૬ કરોડની જનતાનાં વાલીઓનો મુંઝવતો પ્રશ્ન સત્વરે ઉકેલવા ગુજરાત સરકાર સમક્ષ વાલીઓએ આંર્તનાદ સાથે પોકાર કર્યો છે.

Leave A Reply