Saturday, October 19

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી ૭ર કલાક કટોકટીનાં

 

 

 

 

 

 

 

 

 

 

 

સંભવિત વાયુ વાવાઝોડાની આફત સામે ટક્કર લેવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારનાં સીધાં આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં વહીવટી તંત્ર સાબદું બની ગયું છે અને તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે. વાયું વાવાઝોડું અરબ દેશોનાં ઓમાન તરફ સંભવતઃ અન્ય દિશા તરફ ફંટાયું છે ત્યારે આ વાવાઝોડાની અસર ગઈકાલે રાત્રીથી જ શરૂ થઈ ગઈ છે. રાત્રીનાં સુસવાટા મારતો પવન ફુંકાવા લાગ્યો હતો અને વૃક્ષોને પણ અસર પહોંચી હતી. ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ, વૃક્ષો તુટી પડયા હતાં. વહેલી સવારથી ઝરમરીયો વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભીમ અગિયારસનું પર્વ સાચવવું હોય તેમ વરસાદે આજથી શુભ શરૂઆત કરી દિધી છે. આગામી ૭ર કલાક જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ જીલ્લાઓ માટે અતિ અગત્યનાં ગણાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છનાં જીલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા તકેદારીનાં ભાગરૂપે અને લોકોને આપતિનાં સમયે સહાયરૂપ બનવા માટે સમગ્ર તંત્ર અને પ્રધાનમંડળ કાર્યરત બની ગયેલ છે. દરેક જીલ્લાનાં રાજયકક્ષાનાં મંત્રી, કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ દ્વારા દરેક જીલ્લાનાં તકેદારીનાં પગલાનું સુપરવિઝન સાથે માર્ગદર્શન પુરૂં પાડવામાં આવી રહ્યું છે. રાજયનાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા જૂનાગઢ જીલ્લાનાં તંત્ર સાથે સંકલન કરી  દેખરેખ રાખી રહ્યાં છે અને અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યાં છે.
વાવાઝોડાનાં ખતરા સામે આ વર્ષે ગુજરાત સરકારનાં માધ્યમથી સરકારી તંત્ર, સામાજીક સંસ્થાઓ અને આમ જનતા સહિતમાં જાગૃતિ અભિયાન શરૂ થઈ ગયું છે તે આવકારદાયક છે. અનેક સંસ્થાઓ, સાધુ-સંતો, સેવાકીય મંડળો દ્વારા પણ જરૂર પડ્યે અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડવા માટેનાં ફ્રુડ પેકેટો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આપાગીગાનાં ઓટલો, ચોટીલા ખાતે મહંતશ્રી નરેન્દ્રબાપુનાં માર્ગદર્શન હેઠળ ફ્રુડ પેકેટો તૈયાર થઈ રહ્યાં છે. તો બીજી તરફ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની સંસ્થાએ પણ ફ્રુડ પેકેટો તૈયાર કરી દિધાં છે. આ ઉપરાંત ભવનાથ તળેટીમાં આવેલાં સંતો પૂજય શેરનાથબાપુ, મહામંડલેશ્વર ભારતીબાપુ અને સંતો દ્વારા પણ ફ્રુડ પેકેટો મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ્‌ સેવા યુવક મંડળ દ્વારા પણ સંસ્થાનાં હોલમાં ફ્રુડ પેકેટ બનાવવામાં આવી રહ્યાં છે. આમ સંભવિત વાવાઝોડા સામે પડકારજનક પરિÂસ્થતીને પહોંચી વળવા તંત્ર અને આમ સમાજ કટિબધ્ધ બની ગયેલ છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં લેવાયેલાં તકેદારીનાં પગલાં અંગેની અત્રે વિગત પ્રસ્તૃત કરવામાં આવી છે.

જૂનાગઢ જીલ્લામાં સંભવિત વાવાઝોડાનાં પગલે તંત્ર દ્વારા લેવાયેલાં તકેદારીનાં પગલાં
સંભવિત વાવાઝોડા સંદર્ભે જૂનાગઢ જિલ્લામાં નુકસાન ન થાય અને આફતને નિવારી શકાય તે માટે જૂનાગઢ જિલ્લા તંત્ર દ્રારા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર ડો.સૈરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૈધરી, એસપી સૌરભ સિંધ, પ્રાંત અધિકારી રેખાબા સરવૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રાઠોડ, નાયબ માહિતી નિયામક રાજુભાઈ જાની, માંગરોળ તાલુકાનાં માંગરોળ બંદર, શીલ બંદર, મુકતુપુર, દિવાસા, સહિતનાં દરિયાકાંઠાનાં ગામોની મુલાકાત લીધી હતી. તેમજ ગ્રામજનોને મળી સ્થળાતંર કરવા અંગે સૂચના આપી હતી. અત્યાર સુધીમાં ૧૯ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૨૩થી વધુ અસરગ્રસ્ત ગામોમાં તકેદારી રાખવામાં આવી છે. કલેકટરશ્રી સહિતનાં અધિકારીઓએ બંદર વિસ્તારમાં રોડ ઉપર કાચા મકાનોમાં રહેતા લોકોના ઘરે રૂબરૂ જઈ તેમને વાવાઝોડા અંગે જાણકારી આપી સ્થળાંતરની કામગીરીમાં સહયોગ આપવા અને જયા સ્થળાંતર થશે તે પાકા મકાનોમાં ફૂડપેકેટ અને અન્ય સુવિધાઓ છે તેમ જણાવ્યું હતું. ઉપરાંત ગામડાઓનાં સરપંચ અને આગેવાનોએ દરેક ગામની સ્થીતી તેમજ માનવ વસ્તી તેમજ કાચા પાકા મકાનો અંગેની માહિતી આપી જરૂરી મદદ અંગે અધિકારીઓ સાથે પરામર્શ કરી હતી.
ગુજરાત રાજય સરકાર દ્રારા સંભવિત વાવાઝોડા સામે ગામોમાં બંદર વિસ્તારનાં રહિશોને સલામતી માટે યુધ્ધના ધોરણે થતી સંવેદનાપૂર્ણ કામગીરી અંગે સંતોષ વ્યકત કર્યો હતો. તેમજ જિલ્લામાં જો જરૂર પડે તો વિવિધ સંસ્થાઓ જેવી ગોરખનાથ આશ્રમ ભવનાથ, ગાયત્રી શકિત પીઠ, ભારતી આશ્રમ, રોટરી કલબ, ખેડૂત હિત રક્ષક સમિતિ, મજદૂર સંધ, સ્વામી નારાયણ મંદિર જવાહર રોડ, મધુર સોશ્યલ ગ્રપ, સ્વામીજી કમંડળ કુંડ મંદિર સહિતની સંસ્થાઓ દ્વારા ૪૦ હજાર ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહયા છે. દરમ્યાન માંગરોળ અને માળીયા તાલુકામાં બપોર બાદ તેજ પવનની અસર છે. માંગરોળ કેશોદ રોડ ઉપર વૃક્ષ ધરાશયી થતા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની કામગીરી દસ મીનીટમાં જ કરવામાં આવી હતી. વધુમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ કલેકટર સહિતનાં અધિકારીઓ સાથે બેઠક યોજી રાહત બચાવની સંભવિત કામગીરી અંગે પૂર્ણ તકેદારી તેમજ લેવાનાર પગલા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જૂનાગઢ જીલ્લાનાં દરિયાકાંઠાનાં ગામોની મુલાકાત લેતાં કલેકટર સહિતનાં અધિકારીઓ
જૂનાગઢ જીલ્લાનાં દરિયાકાંઠાનાં ગામોમાં વાવાઝોડું આવે તો ઓછામાં ઓછી નુકશાની થાય તે માટે જૂનાગઢ જીલ્લાનાં દરિયાકાંઠાનાં ગામોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ૧૪ ગામોમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી હતી અને જીલ્લાનાં અધિકારીઓએ વિવિધ ગામોની મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવ દ્વારા ગાંધીનગરથી સતત સીધું માર્ગદર્શન
સંભવિત વાયુ વાવાઝોડાની આફત સામે તકેદારી રાખવા જૂનાગઢ જિલ્લામાં યુધ્ધનાં ધોરણે કામગીરી થઇ રહી છે. જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓનાં કેમ્પ સાથે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી છે. માંગરોળ અને માળીયાહાટીનાં તાલુકામાં ધુળની ડમરી સાથેનો પવન છે. વરસાદી વાતાવરણ છે તેમજ રાત્રે વાવાઝોડું આવે તો લોકોને સ્થળાંતર કરાવવામાં મુશ્કેલી પડે તે હેતુએ આગમચેતીના ભાગરૂપે સ્થળાંતરની કામગીરી દિવસે યુધ્ધનાં ધોરણે ટીમ વર્કથી કરવામાં આવી છે. દરિયાકાંઠાના લોકોને ભય રાખવાના બદલે સલામત સ્થળે કે જયાં તંત્રએ વ્યવસ્થા કરી છે ત્યાં ખસી જવા અને તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મુખ્ય સચિવશ્રી તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ હવામાન ખાતાનાં છેલ્લામાં છેલ્લાં અપડેટ સાથે જિલ્લાના તંત્રને માર્ગદર્શન આપી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જૂનાગઢ ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખાએ જણાવ્યું હતું. વંથલી, માણાવદર, કેશોદ અને મેંદરડા તાલુકા કચેરીનાં મહેસુલ, પંચાયત તલાટી અને ગ્રામસેવકોને ૫૦ ટકા કેડર વાઈઝ કર્મચારીઓને રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં સંભવિત રાહત બચાવની કામગીરી માટે માંગરોળ પહોંચવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સામે તકેદારી રાખવા કંટ્રોલરૂમો
જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડા સામે તકેદારીનાં ભાગરૂપે તાલુકા અને જિલ્લા કક્ષાએ તંત્ર દ્વારા કંટ્રોલરૂમ અને હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. તાલુકામાં ૨૪ કલાક કંટ્રોલરૂમ ચાલુ છે. જેના નંબર જૂનાગઢ ખાતે ડીઝાસ્ટર સેલ નં. ૦૨૮૫-૨૬૩૩૪૪૬/૪૭/૪૮, જૂનાગઢ તાલુકા નં. ૦૨૮૫-૨૬૩૧૭૧૫, ૦૨૮૫-૨૬૩૪૫૩૫, વંથલી ૦૨૮૭૨-૨૨૨૦૪૬, માણાવદર ૦૨૮૭૪-૨૨૧૪૦૪, મેંદરડા ૦૨૮૭૨-૨૪૧૩૨૯, માળીયા ૦૨૮૭૦-૨૨૨૨૩૨, વિસાવદર ૦૨૮૭૩-૨૨૨૦૫૬, ભેંસાણ ૦૨૮૭૩-૨૫૩૪૨૬, કેશોદ ૦૨૮૭૧-૨૩૬૦૪૩ અને માંગરોળ ૦૨૮૭૮-૨૨૨૦૦૯ છે.

Leave A Reply