Tuesday, January 28

ભીમ અગિયારસની શુકનવંતી મેઘસવારી સોરઠમાં સરેરાશ ૧ થી ૪ ઈંચ વરસાદ

 

 

 

 

 

 

જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરષ્ટ્ર અને કચ્છમાં વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે તો બીજી તરફ વાયુ વાવાઝોડાની અસરનાં કારણે ભારે પવન સાથે વરસાદી દોર પણ શરૂ થયો છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં ભીમ અગીયારસની શુકનવંતી મેઘસવારી આવી પહોંચી છે અને સમગ્ર જીલ્લામાં સરેરાશ ૧ થી ૪ ઈંચ જેવો વરસાદ નોંધાયો છે. બુધવારનાં રાત્રીથી જ સોરઠનાં ‘વાયું’ વાવાઝોડાંથી હવામાનમાં જોરદાર પલ્ટો આવી ગયો હતો અને સાંજના સમયથી જ ભારે પવનની અસર થઈ હતી અને ઝરમરીયો વરસાદ વરસી રહ્યો હતો. આ દરમ્યાન રાત્રીનાં સમયે પવને ભારે આક્રમણ શરૂ કરી દિધું હતું. ગઈકાલ રાત્રીથી તો સુસવાટા મારતો પવન ફુંકાયો હતો.
જૂનાગઢ અને સોરઠવાસીઓ વાયુ વાવાઝોડાં સામે ટક્કર લેવા માટે શકય તેટલાં તકેદારીનાં પગલાં લઈ રહ્યાં હતાં. ગઈકાલ બપોર બાદ ઓમાન તરફ ફંટાઈ જતાં સોરઠવાસીઓની સાથે સૌરાષ્ટ્ર-કચ્છની પ્રજાએ રાહતનો દમ લીધો હતો. તો રાત્રીનાં સમયે જોરદાર સુસવાટા મારતો પવન શરૂ થયો હતો. ગઈકાલે દિવસ દરમ્યાન જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભારે પવન વચ્ચે અનેક સ્થળોએ વૃક્ષો પડી જવાનાં બનાવ બન્યા હતાં. જૂનાગઢ શહેરમાં પણ મોતીબાગ વિસ્તારમાં ગુણાતીત દરવાજા પાસે આવેલ વર્ષો જુનું વૃક્ષ ધરાશાઈ થયું હતું. જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ વૃક્ષ પડી ગયા બાદ તેને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત મજેવડી દરવાજા નજીક વૃક્ષની ડાળીઓ પડી ગઈ હતી જયારે સક્કરબાગથી થોડે આગળ એક વૃક્ષ ધરાશાઈ થયું હતું. રેલ્વે સ્ટેશન રોડ ઉપર પણ એક વૃક્ષની ડાળી પડી ગઈ હતી. સોરઠ જીલ્લાનાં હાઈવે ઉપર પણ વૃક્ષો પડવાનાં બનાવો બન્યા હતાં.

જૂનાગઢ અને સોરઠમાં પડેલો વરસાદ
જૂનાગઢ અને સોરઠ પંથકમાં આજે સવારે ૬ કલાકે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન પડેલાં વરસાદનાં આંકડા અંગે ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપેલી માહિતી અંતર્ગત ભેંસાણમાં ર૦ મીમી, જૂનાગઢ પ૭ મીમી, કેશોદ ૩ર મીમી, માળીયા ૬૯ મીમી, માણાવદર ૧૭ મીમી, માંગરોળ ૩૭ મીમી, મેંદરડા ૭ર મીમી, વંથલી ૮૩ મીમી, વિસાવદર ર૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે ૬ થી ૮ દરમ્યાન ભેંસાણમાં ૪૦ મીમી, જૂનાગઢ ૧ મીમી, કેશોદ ૧ મીમી, માંગરોળ ૩ મીમી, મેંદરડા ૪ મીમી, વંથલી ૩ મીમી, વિસાવદર ૧પ મીમી જેવો વરસાદ નોંધાયો હતો. હજુ પણ દિવસ ભારે વરસાદ પડે તેવી આગાહી છે.

શાળા-કોલેજામાં આજે ત્રીજા દિવસે પણ રજા
તા.૧ર, ૧૩ અને ૧૪ જુનનાં રોજ વાયુ વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાનાં કારણે સમગ્ર ગુજરાત રાજયમાં હાઈએલર્ટ જારી કરવામાં આવેલ જૂનાગઢ જીલ્લામાં પણ તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવ્યા હતાં. તો બીજી તરફ સંભવિત વાવાઝોડાનાં કારણે જૂનાગઢ શહેર અને જીલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રહ્યું હતું અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ સૌરષ્ટ્રમાં શાળા-કોલેજા બંધ રહી છે

એસટી બસ – ટ્રેનો સહિતની સેવાઓ બંધ હતી
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અને સૌરાષ્ટ્રમાં વાયુ-વાવાઝોડાનાં ખતરા તેમજ ભારે પવન અને વરસાદનાં પગલે તકેદારીનાં ભાગરૂપે જૂનાગઢ એસટી તંત્ર, ટ્રેન વ્યવહાર સહિતની સેવાઓ બંધ રાખવામાં આવી હતી અને ત્યારબાદ ઉપરથી આદેશ મળતાં આ સેવાઓને આજથી ફરીથી શરૂ કરવામાં આવી હતી.

જૂનાગઢ જીલ્લામાં વરસાદની અસર
વાયુ વાવાઝોડાનાં પગલે જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફુંકાયો હતો અને જેનાં કારણે ગિરનાર પગથીયા પાસે આવેલાં લારી-ગલ્લામાં ખેદાન-મેદાન થઈ ગયું હતું. જયારે રોપ-વે પ્રોજેકટનું કામ પણ બંધ કરાયું હતું.

મેંદરડા તથા ચોરવાડ પંથકમાં વૃક્ષો ધરાશાઈ
ગઈકાલે ભારે પવન અને વરસાદી માહોલ સાથે મેંદરડાનાં દાત્રાણા નજીક તથા ચોરવાડ નજીક વૃક્ષ ધરાશાઈ થતાં રસ્તો બંધ થયો હતો પરંતુ વૃક્ષને વહીવટી તંત્રએ થોડીવારમાં હટાવી અને રસ્તો પૂર્વવત કરાયો હતો.

બપોરનાં ૧ર કલાકે નોંધાયેલ વરસાદ
આજે સવારે ૮ થી ૧ર દરમ્યાન વિવિધ તાલુકામાં નોંધાયેલા વરસાદમાં કેશોદ ૧૪ મીમી, માળીયા હાટીના ર૯ મીમી, માણાવદર ૧૩ મીમી, માંગરોળ ર૧ મીમી, વંથલી ૧૮ મીમી, મેંદરડા ૧૯ મીમી અને જૂનાગઢ ૧ર મીમી વરસાદ નોંધાયો છે.

Leave A Reply