Tuesday, January 28

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં કૌભાંડોનાં મુદ્દે વિપક્ષે બોલાવી બઘડાટી

જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની આજે એક બેઠક મળી હતી આ બેઠકમાં વિપક્ષે વિવિધ કૌભાંડનાં મુદ્દે ભારે બઘડાટી બોલાવી હતી અને વાતાવરણ ગરમાગરમ બની ગયું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાની આગામી ચુંટણી હવે થોડા સમયમાં જ યોજાનારી છે તે દરમ્યાન આજે મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાનાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા તેમજ શાસકપક્ષનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તો સામે પક્ષે મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડા, પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, હુસેનભાઈ હાલા, અરજણભાઈ કારાવદરા, અદ્દેમાનભાઈ પંજા, વિજયભાઈ વોરા સહિતનાં કોંગ્રેસનાં કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બોર્ડ દરમ્યાન વિપક્ષનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ ભાજપનાં સતાધીશો સામે કૌભાંડોનો મુદ્દો ઉછાળ્યો હતો.
એટલું જ નહિં ભાજપનાં શાસનમાં ગૌશાળા કૌભાંડથી લઈ છેલ્લે ટાઉનહોલ સુધીનાં અનેક કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનો તિવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું અને આગામી મહાનગરપાલિકાની ચુંટણીમાં કૌભાંડનાં આ પ્રશ્ને જૂનાગઢની જનતા બરાબરનો જવાબ આપશે તેમ જણાવ્યું હતું. એક તકે તો જનરલ બોર્ડનું વાતાવરણ ગરમાગરમ બની ગયું હતું. ચુટણી પહેલાં યોજાયેલું આ મહાનગરપાલિકાનું આ બોર્ડ ભાજપ માટે અંતિમ બોર્ડ બની રહેશે તેવા આક્રોશ સાથે કોંગ્રેસે ભાજપનાં સતાધિશોને આડે હાથે લીધાં હતાં.

Leave A Reply