Tuesday, July 23

જૂનાગઢ અને સોરઠ પંથકમાં સારા વરસાદને પગલે વાવણીનો શુભારંભ….

જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં તા.૧ર થી ૧૪ જુન દરમ્યાન વાયુ વાવાઝોડાનાં ખતરા વચ્ચે ભારે પવન અને કયાંક હળવાથી ભારે વરસાદનો દૌર શરૂ થયો હતો અને એકદંરે વરસાદ સારો પડી ગયો છે. જૂનાગઢમાં આજે સવારથી જ વરાપ નીકળી છે અને શુકંનવતી મેઘસવારીનાં પગલે આજે ખેડુતોએ વાવણીકાર્યનો શુભારંભ કરી દિધો છે.
જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તા.૧ર જુનથી જ વરસાદનો દોર શરૂ થયો હતો અને ગઈકાલે ત્રીજા દિવસે પણ અવિરત મેઘસવારી ચાલુ રહી હતી. આજે સવારથી વરસાદનું જોર મોરૂં પડી ગયું હતું અને વરાપ નીકળી છે ત્યારે ખેડુતોએ વાવણી કાર્યનો શુભારંભ કરી દિધો છે. કેટલાંક વિસ્તારમાં સવારે જ ખેડુતોએ ધરતી માતાની પુજનવિધી કરી અને ખેતી કાર્ય હાથ ધર્યું હતું. બળદોને શણગારી, કુમકુમ તિલક લગાડી અને ખેતકાર્યનો આરંભ થયો હતો. તો બીજી તરફ ટ્રેકટર, આધુનિક સાતી વગેરે જોડીને પણ ખેતરમાં દાણા રોપવાનું શરૂ કરી દિધું છે અને મૌસમ આવી મહેનતની જેવો માહોલ સર્જાયો છે. વાવાઝોડું અને વરસાદનું જોર ઘટી જતાં તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. આજે જૂનાગઢ જીલ્લા ફલ્ડ કંટ્રોલરૂમે આપેલી માહિતી અનુસાર જૂનાગઢ જીલ્લામાં વરસાદની સ્થિતિ જાઈએ તો છેલ્લાં ર૪ કલાક દરમ્યાન ભેંસાણમાં પ૦ મીમી (મોસમનો કુલ ૭૩ મીમી), જૂનાગઢ ૪૮ મીમી (૧૦૯ મીમી), કેશોદ ૪૪ મીમી (૭૮ મીમી), માળીયા ૬૧ મીમી (૧૪૩ મીમી), માણાવદર ર૪ મીમી (૪ર મીમી), માંગરોળ ૯૩ મીમી (૧૩૯ મીમી), મેંદરડા ૩૯ મીમી (૧રપ મીમી), વંથલી ૩પ મીમી (૧ર૭ મીમી), વિસાવદર ૩૯ મીમી (૭પ મીમી) જેવો વરસાદ થયો છે અત્યાર સુધીનો જૂનાગઢ જીલ્લાનો વિવિધ તાલુકાઓનો કુલ વરસાદ ૧૦ર૦ મીમી થયો છે.

દોલતપરા ગેઈટની કમાન તુટી પડી
જૂનાગઢમાં દોલતપરા નજીક આવેલાં બીએપીએસ સંસ્થા દ્વારા ગેઈટ બનાવવામાં આવેલ છે ત્યારે છેલ્લાં ત્રણ દિવસનાં ભારે વરસાદ અને વાવાઝોડાનાં પગલે ગેઈટની કમાનનાં ઉપરનાં ભાગે અસર પહોંચી હતી અને કેટલાંક પથ્થરો તુટી જવા પામ્યા હતાં. જો કે કોઈને સદ્‌ભાગ્યે ઈજા પહોંચી નથી.

આજથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં શૈક્ષણિક કાર્ય શરૂ
વાયુ વાવાઝોડાને લઈને જૂનાગઢ શહેર અને જીલ્લામાં તકેદારીનાં ભાગરૂપે શાળા અને કોલેજામાં રજા જાહેર કરવામાં આવી હતી. ગઈકાલથી સ્થિતિ પૂર્વઃવત થતાં આજથી જૂનાગઢ શહેર અને જીલ્લાની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવામાં આવેલ છે.

માર્કેટીંગ યાર્ડ શરૂ
આજથી માર્કેટીંગ યાર્ડમાં ખેતપેદાશની હરરાજીનું કાર્ય શરૂ થયું છે. બજારોમાં લોકોની ચહલપહલ પણ શરૂ થઈ ગઈ છે.

તુલજા ભવાની હોસ્પિટલ પાસે સબ સ્ટેશન નમી ગયું
જૂનાગઢ શહેરમાં જલારામ સોસાયટી નજીક તુલજાભવાની હોસ્પિટલની બરાબર પાસે આવેલું પીજીવીસીએલનું સબ સ્ટેશન નમી ગયેલું છે આ સબ સ્ટેશન ગમે ત્યારે તુટી પડે અને કોઈ દુર્ઘટના સજાર્ય તે પહેલાં તંત્રએ તકેદારીનાં પગલાં ભરવાની માંગણી ઉઠવા પામી છે.

Leave A Reply