Saturday, September 21

શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓ ટયુશન કલાસીસો ચલાવી શકશે નહીં : સરકારનો હુકમ

જૂનાગઢ તા.૧૮
સુરતની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીનો મુદ્દો સમગ્ર રાજયમાં છવાયેલો રહ્યો છે. ત્રીજા કે ચોથા માળે ચાલતાં ટયુશન કલાસીસો તેમજ અંધારીયા ખુણામાં ચાલતાં ટયુશન કલાસીસોમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ ન હોવાનાં કારણે તવાઈ ઉતરી છે જૂનાગઢ શહેરમાં પણ ટયુશન કલાસીસોનું સઘન ચેકીંગ હાથ ધરી અને નોટીસો જારી કરવામાં આવી છે. છેલ્લાં સમાચાર અનુસાર કેટલાંક ટયુશન કલાસીસોનાં સંચાલકોએ વાલીઓનાં ટેકા સાથે ટયુશન કલાસીસો શરૂ કરવાની પહેલ પણ કરી દિધી છે અને તેનાં માટે વગ નામનાં વહીવટનો પણ ઉપયોગ કરી રહ્યાં હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી રહી છે અને આ બાબતે તત્કાલ કાર્યવાહી થાય તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. બીજી તરફ ખાનગી ટયુશન કલાસીસો અને તેનાં સંચાલકો વિરૂધ્ધ અનેક ફરીયાદો ભુતકાળમાં પણ ઉઠવા પામી છે. કાયદાની ઐસી તૈસી કરી અને ચાલતાં ટયુશન કલાસીસો સામે કડક કાર્યવાહીની માંગ પણ ગુજરાત સરકાર સમક્ષ ઉઠવા પામી છે તો બીજી તરફ કહેવાતાં વચેટીયા દ્વારા આવા ટયુશન કલાસીસોને પ્રોત્સાહન પુરૂં પાડતાં હોય જેને લઈને ટયુશન કલાસીસો ધમધમી રહ્યાં છે અનેક શહેરોમાં સરકારી શાળામાં નોકરી કરતાં કર્મચારીઓ દ્વારા પણ ટયુશન કરવામાં આવતું હોવાની ફરીયાદો ઉઠી છે. આ દરમ્યાન ગાંધિનગર શિક્ષણ કમિશ્નરને શિક્ષણાધિકારીએ તા.૧૬-૬-ર૦૧૯નાં એક પરિપત્ર જારી કરી અને ખાનગી ટયુશન કરનારાઓ સામે લાલબતી ધરી દિધી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે ટયુશન કોંચિગ પ્રતિબંધ એટલે કે નોંધાયેલાં માધ્યમિક અને ઉચ્ચતર/માધ્યમિક શાળાઓનાં શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા પોતાની શાળા કે શાળાની બહાર મહેનતાણું લઈને કે મહેનતાણું લીધાં સિવાય ખાનગી ટયુશન/કોચિંગ કરી શકશે નહીં અને સુધારા મુજબ કડક કાર્યવાહી કરવાનું ગુજરાતનાં તમામ શિક્ષણા અધિકારીને હુકમ કરીને ઠરાવવામાં આવેલ છે.
જે અનુસાર શાળાનાં શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓ ટયુશન કે કોંચિગ કરે છે તે જોવાની અને આ પ્રવૃત્તિ ન થાય તેની સંપૂર્ણ જવાબદારી શાળાનાં આચાર્યશ્રી તેમજ શાળા સંચાલક મંડળની છે. આ ઉપરાંત શાળાનાં શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીઓ પાસેથી તેઓ ટયુશન/કોચિંગ ચલાવતાં નથી તે મુજબની સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી મેળવવાની રહેશે અને ટયુશન / કોચિંગ રજીસ્ટ્રર નિયમીત રીતે શિક્ષકો પાસે પ્રતિમાસ આચાર્યશ્રીએ ભરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રર યોગ્ય રીતે સચવાય તેવી વ્યવસ્થા કરવા પણ જણાવેલ છે. આ ઉપરાંત રજીસ્ટ્રરમાં ભરવામાં આવેલી માહિતી સંપૂર્ણ સાચી હોવી જરૂરી છે અને તપાસનાં અંતે આ માહિતી ખોટી નીકળશે તો જવાબદાર સામે કડક કાર્યવાહીની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટયુશન કરનાર શૈક્ષણિક કે બિનશૈક્ષણિક કર્મચારીની જાણ હોવા છતાં તેની સામે પગલાં ભર્યા નહિં હોય તો આવી શાળાઓનાં નિભાવ માટે આપવામાં આવતી ગ્રાન્ટ રદ કરવાની કાર્યવાહી પણ ગંભીરતાથી લેવામાં આવશે. તેમજ ખાનગી સ્કુલનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેવું પણ આ પત્રમાં ઠરાવવામાં આવેલ છે.

Leave A Reply