Saturday, September 21

જૂનાગઢ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર ચાલતાં ટયુશન કલાસીસ સીલ કરાયું

જૂનાગઢ તા.૨૦
જૂનાગઢમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના જાહેરનામાનો ઉલાળીયો કરી ગેરકાયદેસર ચાલતાં ટયુશન કલાસીસને જૂનાગઢ મનપાની ટીમે જઈ સીલ મારી દીધું છે. નિયમની ઐસી કી તૈસી કરી ટયુશન કલાસ ચાલતાં હોવાની જાણ થતાં મનપા દ્વારા ટયુશન કલાસને સીલ મારી દેવાયું છે. આ અંગે મળતી વિગત મુજબ જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી ટયુશન કલાસ ચલાવવાની મનાઈ છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી ટયુશન કલાસ ચાલુ ન કરવા જણાવ્યું હતું તેમ છતાં શહેરના એમ.જી. રોડ ઉપર આવેલા પેરાગોન કોમ્પલેક્ષના ત્રીજા માળે જી.એ. ઈન્સ્ટીટયુટ નામે ટયુશન કલાસ ચલાવાઈ રહ્યા હતા. આ અંગેની જૂનાગઢ મનપાને જાણ થતાં કમિશ્નર તુષાર સુમેરા અને નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાની સુચનાથી આસીસ્ટન્ટ કમિશ્નર ટેક્ષ પ્રફુલ કનેરીયાના માર્ગદર્શનમાં ફાયર ઓફિસર ભૂમિત મિસ્ત્રી અને સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, જી.એ. ઈન્સ્ટીટયુટ નામના ટયુશન કલાસીસમાં ફાયરની એનઓસી પણ નહોતી લેવામાં આવી. આમ ફાયરના સાધનો ન હતા, ફાયરની એનઓસી ન હતી અને જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ પણ કરવામાં આવ્યો હતો પરિણામે મનપાની ટીમે ગેરકાયદેસર ધમધમતા ટયુશન કલાસીસને સીલ મારી દીધું હતું. મનપાની ટીમની આ કામગીરીથી અન્ય ટયુશન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી ટયુશન કલાસીસ સંચાલકો અનેક રજુઆતો કરી રહ્યા છે પરંતુ લાખ્ખો રૂપિયાની ફી ઉઘરાવી તગડી કમાણી કરતાં ટયુશન સંચાલકોને માત્ર પોતાની કમાણીની જ ચિંતા છે વિદ્યાર્થીની સલામતીની કોઈ ચિંતા નથી. માટે જ ફાયરના સાધનો વસાવવા જેટલો ખર્ચ પણ કરવા તૈયાર નથી. આમ કયાંક છાના ખૂણે વગર પરમીશને ટયુશન કલાસીસો ધમધમી રહ્યા છે તેના ઉપર મનપા તંત્રની બાજ નજર છે અને આવા ટયુશન કલાસીસ સંચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવનાર હોવાનું જાવા મળી રહ્યું છે.

Leave A Reply